હા, જીવનમાં અને જગતમાં જે કાંઈ થાય છે તે સર્વ પરમાત્માના સંકલ્પ પ્રમાણે જ થાય છે. બધું જ ભગવાનની ઇચ્છાથી થાય છે. આ સિદ્ધાંતની સામે આપણા મનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. (i) “કરે તેવું પામે’ – આ કર્મનો નિયમ છે. જો બધું જ ભગવાનની ઇચ્છા પ્રમાણે થાય છે તો કર્મના નિયમનું શું ? તો વ્યક્તિનાં કર્મ અને કર્મભોગનું શું?
(ii) જો બધું જ ભગવાનની ઇચ્છા પ્રમાણે થાય છે તો નિયતિવાદના સત્યનું શું ?
(iii) જો બધું જ ભગવાનની ઇચ્છા પ્રમાણે થાય છે તો વ્યક્તિના ઈચ્છા-સ્વાતંત્ર્યનું શું?
કર્મનો નિયમ, નિયતિવાદ અને ઇચ્છા-સ્વાતંત્ર્ય – આ ત્રણે સિદ્ધાંતો સત્ય છે. જીવનમાં અને જગતમાં તેમનું પણ સ્થાન છે. પ્રથમ દૃષ્ટિએ ભાગવત સંકલ્પની સર્વોપરિતા અને આ ત્રણેય સિદ્ધાંતો વચ્ચે વિરોધ જણાય છે પરંતુ વસ્તુતઃ આવો કોઈ વિરોધ નથી. તેમની વચ્ચે સુસંગતતા છે – સંવાદિતા છે.
જે એક સર્વોચ્ચ શક્તિ હોય અને મૂળભૂત શક્તિથી શક્તિમાન બનેલી અન્ય લઘુ શક્તિઓ હોય તેવો સંબંધ ભાગવત સંકલ્પ અને આ ત્રણ સિદ્ધાંતોના સત્ય વચ્ચે છે. જેમ એક સમ્રાટ પોતાના સામ્રાજ્યની વ્યવસ્થા માટે કેટલાક નિયમો ઘડે તથા તે નિયમોના અમલીકરણ માટે અધિકારીઓ નીમે અને તે અધિકારીઓને કેટલીક વિશિષ્ટ શક્તિ પણ આપે છે, તે જ પ્રમાણે ભાગવત સંકલ્પ જ કર્મનો નિયમ રચે છે. ભાગવત સંકલ્પ જ વ્યક્તિને ઇચ્છા-સ્વાતંત્ર્ય આપે છે અને તે જ નિયતિની ઘટમાળ ઘડે છે. સમ્રાટ જેમ પોતાની વિશિષ્ટ સમજ અને વિશિષ્ટ શક્તિથી કોઈ પણ નિયમમાં ફેરફાર કરી શકે, તેમ ભાગવત સંકલ્પ પોતાનાં દેવી જ્ઞાન, સર્વોચ્ચ ડહાપણ અને અમોઘ શક્તિથી વિશ્વ વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે.
ભાગવત સંકલ્પ અમોઘ અને સર્વોચ્ચ હોવાને નાતે આ ત્રણેય નિયમોને ગમે ત્યારે અતિક્રમી શકે છે. ભાગવત સંકલ્પ પ્રધાન શક્તિ છે અને અન્ય ત્રણે શક્તિઓ પ્રધાન શક્તિથી શક્તિમાન બનેલી, તેમના જ પેટાળમાં સમાયેલી ગૌણ શક્તિઓ છે. આમ, આ ચારે પરિબળો વચ્ચે કોઈ વિરોધ નથી. તેમની વચ્ચે માનવબુદ્ધિને અગમ્ય એવી સદા જીવંત સંવાદિતા ગોઠવાયેલી છે. આનો અર્થ સ્પષ્ટ રીતે એમ જ થાય કે કર્મના નિયમ પ્રમાણે થાય, નિયતિ પ્રમાણે થાય કે ઈચ્છા-સ્વાતંત્ર્યથી થાય, તો પણ આખરે તો તે ભાગવત સંકલ્પ પ્રમાણે જ થાય છે કારણ કે આ ત્રણે સિદ્ધાંતોની પાછળ તેમના રચયિતા અને પ્રેરક પરિબળ તરીકે ભાગવત સંકલ્પ જ કાર્યરત છે.
સાપેક્ષ દૃષ્ટિથી જોઈએ તો કર્મનો નિયમ, નિયતિ તથા ઇચ્છા-સ્વાતંત્ર્ય – આ ત્રણ અને સર્વોચ્ચ શક્તિ – ભાગવત સંકલ્પ – આ ચારેય સત્ય છે. નિરપેક્ષ દૃષ્ટિથી જોઈએ તો સર્વત્ર ભાગવત સંકલ્પનો જ વિલાસ છે. આમ, જીવનમાં અને જગતમાં જે કાંઈ બને છે તે સર્વ પરમાત્માના સંકલ્પ (ભાગવત સંકલ્પ) દ્વારા જ થાય છે. સર્વત્ર ભાગવત સંકલ્પ કાર્ય કરી રહ્યો છે એટલે શું ? જો બધું જ ભગવાનની ઇચ્છા પ્રમાણે થાય તો જીવનમાં દુઃખ, અજ્ઞાન, વિસંવાદિતા, દ્વેષ, પરાધીનતા, શક્તિહીનતા અને અસત્ય શા માટે છે ? જીવનનું સર્વત્ર વ્યાપેલું સ્વરૂપ જોઈએ તો સર્વત્ર ભાગવત સંકલ્પ કામ કરી રહ્યો છે તેવું પ્રથમ દૃષ્ટિએ તો લાગતું નથી. આ પ્રશ્નનું સમાધાન શું છે ?
જીવનમાં અને જગતમાં ભાગવત સંકલ્પ બે સ્વરૂપે – બે રીતે કાર્ય કરે છે: (i) એક સ્વરૂપે ભાગવત સંકલ્પ પ્રકૃતિની વ્યવસ્થા દ્વારા કાર્ય કરે છે. આ સ્વરૂપમાં ભાગવત સંકલ્પ પોતાના મૂળ રૂપમાં નથી પરંતુ પ્રકૃતિના રંગે રંગાઈને, પ્રકૃતિનાં માધ્યમોની મર્યાદા રવીકારીને કાર્ય કરે છે. વિશ્વવ્યવસ્થામાં ભાગવત સંકલ્પ મહદંશે પ્રાકૃતિક વ્યવસ્થાના માધ્યમ દ્વારા કાર્ય કરે છે અને ત્યાં જ કર્મનો નિયમ, નિયતિ, ઇચ્છા-સ્વાતંત્ર્ય, વ્યક્તિનું કર્તૃત્વ અને ભાતૃત્વ – આ બધું આવે છે. ત્યાં જ આનંદ સુખ-દુ:ખનું સ્વરૂપ ધારણ કરે છે. સંવાદિતા વિસંવાદિતાનું રૂપ ધારણ કરે છે. પરમ પ્રેમ રાગદ્વેષનું રૂપ ધારણ કરે છે. સ્વતંત્રતા પરાધીનતાનું રૂપ ધારણ કરે છે. પરમ સામર્થ્ય શક્તિહીનતાનું રૂપ ધારણ કરે છે અને સત્ય અસત્યનું રૂપ ધારણ કરે છે. પરમ ચૈતન્યનો કેવો લીલાવિલાસ છે!
(ii) બીજા સ્વરૂપે ભાગવત સંકલ્પ તેના વિશુદ્ધ રૂપમાં પ્રકૃતિના માધ્યમ વિના સીધો જ કામ કરે છે (Direct action of Divine Will). ભાગવત સંકલ્પનું આ સ્વરૂપ જ પ્રકૃતિની ઘટમાળને બદલીને વ્યક્તિને મુક્તિના માર્ગે દોરે છે. તે જ વ્યક્તિને, નિયતિને અને કર્મના નિયમને અતિક્રમીને પરમ આનંદ, પરમ જ્ઞાન, પરમ સંવાદિતા, પરમ પ્રેમ, પરમ સ્વતંત્રતા અને પરમ શક્તિમત્તાના કેન્દ્ર તરફ લઈ જાય છે. તે જ પ્રભુ પરમ સત્યે લઈ જાય છે. ભાગવત સંકલ્પનું આ સ્વરૂપ પ્રકૃતિ દ્વારા, પ્રકૃતિના માધ્યમ દ્વારા નહીં પરંતુ પ્રકૃતિને અતિક્રમીને કાર્ય કરે છે. આ ભાગવત સંકલ્પ કરે છે. આ ભાગવત સંકલ્પના સ્પર્શ દ્વારા વ્યક્તિના જીવનમાં આમૂલાગ્ર રૂપાંતર સિદ્ધ થાય છે.
વરસાદનું આકાશમાંથી પડતું પાણી અને નળમાંથી આવતું પાણી – આ બંને મૂલતઃ વરસાદનાં જ પાણી છે પરંતુ એક તેના વિશુદ્ધ સ્વરૂપમાં, સીધું જ આકાશમાંથી વરસે છે. બીજું પાણી તળાવમાંથી નળ દ્વારા આવે છે. તે પણ મૂલતઃ વરસાદનું જ એકઠું કરી રાખેલું પાણી છે. મૂલતઃ અર્થાત્ નિરપેક્ષ દૃષ્ટિએ જોઈએ તો બંને પાણી વરસાદનાં જ પાણી છે અને સાપેક્ષ દૃષ્ટિએ જોઈએ તો વરસાદનું પાણી તે જ વરસાદનું પાણી ગણાય છે અને નળનું પાણી તે નળનું પાણી ગણાય છે. આમ, વસ્તુતઃ નિરપેક્ષ દૃષ્ટિએ જોઈએ તો સર્વત્ર ભાગવત સંકલ્પ જ વિલસી રહ્યો છે અને સાપેક્ષ દૃષ્ટિએ જોઈએ તો ભાગવત સંકલ્પનાં બે સ્વરૂપો છે : એક તેના વિશુદ્ધ સ્વરૂપમાં અને દ્વિતીય પ્રકૃતિ દ્વારા કાર્ય કરતો ભાગવત સંકલ્પ. આમ, દ્વિતીય પ્રશ્નનો ઉત્તર પણ નિશ્ચિત થયો – જીવનમાં અને જગતમાં જે કાંઈ બને છે તે સર્વ પરમાત્માના સંકલ્પ અર્થાત ભાગવત સંકલ્પ દ્વારા જ થાય છે.