Columns

દરેક પાસે સદ્કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ

 કેટલાંક સુખો પ્રાકૃતિક હોય છે. ધનવાનો પણ એ સુખના એકલા માલિક બની શકતા નથી. કહો જોઉં સૂરજના પ્રકાશનું ખાનગીકરણ થઈ શકે ખરું? દુનિયાભરની હવા માલેતુજારો પોતાના ગોડાઉનમાં ભરી લઈ શકે ખરા? માણસે પોતાની તમામ શ્રદ્ધા કે ભક્તિને માનવતા સાથે જોડવી જોઈએ. કર્મકાંડોને વળગી રહેવાને બદલે સદ્કર્મોને સાચી ભક્તિ ગણવી જોઈએ. થોડા ઉદાહરણો જોઈએ. સમાજમાં પ્રત્યેક લગ્નટાણે ફરજિયાત એક રક્તદાન કેમ્પ યોજવો જોઈએ. વરકન્યાની સાથે દરેક જાનૈયાએ પણ અંગદાન અને ચક્ષુદાનની પ્રતિજ્ઞા લેવી જોઈએ.

બધી જ્ઞાતિઓના લોકોએ પોતાના સમાજના વિકાસ અર્થે નિયમિત ચિંતન ગોષ્ઠિ (ઘરસભા)નું આયોજન કરવુ જોઈએ. નિયમિત વિદ્વાનો કે ચિંતકોના વ્યાખ્યાનો યોજવા જોઈએ જેથી લોકોને વિચારવાની ટેવ પડી શકે. દહેજ, વાંકડો, પહેરામણી, જનોઈ, મોસાળુ, વરઘોડાઓ જેવા તમામ  કૂરિવાજોને ત્યજી દેવાની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લેવી જોઈએ. વહેમ, અંધ્ધશ્રદ્ધા, કૂરિવાજોને સત્વરે તિલાંજલી આપવી જોઈએ. એક ભાગવદ સપ્તાહમાં બેસવા કરતાં ‘વાંકડા વિરોધી મંચ’માં હાજરી આપવી એ સાચી ધાર્મિક્તા ગણાવી જોઈએ. યાદ રહે એક રામકથા કરતાં એક રક્તદાન કેમ્પ સમાજને વધુ ઉપયોગી નીવડે છે.

આરતી ઉતારવાના કે કથામાં બેસવાના અમુક તમુક રૂપિયા આપવાની પ્રથા આપણે જોતા આવ્યા છીએ. એ કૂરિવાજને સદ્કર્મમાં પરિવર્તિત કરી શકાય તે માટે એવો નિયમ બનાવવો રહ્યો કે જેઓ ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હંમેશા પોતાની આવકનો અમુક હિસ્સો ખર્ચશે તેને ઈન્કમટૅક્ષમાં રાહત મળશે. આવા નિયમના બે ફાયદા થશે. જેમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હશે તેઓ ગમેતેવા આકરા નિયમોનું પાલન કરીને પણ સદ્કર્મો કરશે. પણ જેમની શ્રદ્ધા ઓછી હશે તેમની મંદિરમાં નિરર્થક ભીડ ઓછી થશે. આપણે ત્યાં પ્રત્યેક શ્રાવણ માસમાં મંદિરો પર શ્રદ્ધાળુઓના મેળા લાગેલા રહેતા હોય છે. બહેનો વ્રત, ઉપવાસ, ભજન કીર્તનો કે  પૂજા પાઠોમાં ગળાડૂબ રહે છે.

બહેનોને એ બધાથી શાંતિ મળતી હોય તો ભલે તેઓ તેમ કરતા પણ તેમણે વાંકડો, દહેજ જેવા સ્ત્રી શોષણના મુખ્ય અનિષ્ઠોને નાબૂદ કરવા નક્કર પરિણામમૂલક પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ. પ્રત્યેક ધર્મ યા કોમના માણસો ઈશ્વરની સ્થૂળ ભક્તિ કરતા રહેવાને બદલે દિનદુ:ખીયાને મદદ કરવામાં વધુ પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. પોતાની જ્ઞાતિનો એક પણ માણસ દુ:ખી ન રહે એવી પ્રતિજ્ઞા લેવી એ કોઈ પણ જ્ઞાતિની સાચી પ્રતિષ્ઠા ગણાવી જોઈએ. જ્ઞાતિ તરફથી મંદિરો બાંધવાને બદલે શાળાઓ, કોલેજો, અનાથાશ્રમો, છાત્રાલયો, ઘરડાઘરો, દવાખાના, કે હોસ્પિટલો વગેરેની ભેટ સમાજને ચરણે ધરવી જોઈએ.

શાળાઓ બાંધવાથી ખાસ તો પ્રતિ વર્ષ પ્રવેશ વંચિત રહી જનારા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હલ થઈ શકશે. કન્ટ્રોલના રેશન કાર્ડની જેમ દરેક નાગરીક પાસે પોતાના સદ્કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ. એવો રેશનકાર્ડ પ્રાપ્ત કરવા માટે કેવળ સ્થૂળ ભક્તિ નહીં ચાલે. માણસ સાચા અર્થમાં માનવતાવાદી હોવો જોઈએ. એવું પુનિત કાર્ય બિલીમોરાસ્થિત જલારામ મંદિરે અપનાવ્યું છે. એ મંદિરે ‘જલારામ માનવસેવા ટ્રસ્ટ’ ના બેનર હેઠળ જે સુંદર કામો કર્યા છે તે અન્ય ધાર્મિક ટ્રસ્ટો માટે પ્રેરણાદાયી છે. એ ટ્રસ્ટ હેઠળ થતાં માનવસેવાના કામો પર એક નજર કરીએ. જલારામ મંદિર તરફથી બીલીમોરાના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર નિયમિત ઠંડા પાણીની “જલારામ જલધારા” ચાલે છે. એ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના દરદીઓને મફત દવા, લોહી, ઈંજેક્શનો, ફળો, ભોજન વગેરે આપવામાં આવે છે. એ ઉપરાંત અપંગ કે નિરાધાર માણસોને મફત ડોક્ટરી સહાય આપવામાં આવે છે. નિરાધાર અપંગોને વિના મૂલ્યે ટ્રાયસિકલોની વહેચણી કરવામાં આવે છે.

અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડુ કે કુદરતી પ્રકોપમાં દરેક પ્રકારની સેવા કરવા માટે “જલારામ ટ્રસ્ટ” સરકારી દફ્તરે નોંધાયેલું છે. ટ્રસ્ટ તરફથી મોતિયાના ઓપરેશનો પણ અહીં વિના મૂલ્યે થાય છે. નવસારીનું આશાપુરી મંદિર પણ ગરીબ દરદીઓને કાર્ડિયોગ્રામ સહિતના અનેક મેડિકલ રિપોર્ટો વિના મૂલ્યે કાઢી આપે છે. એ ઉપરાંત ગરીબોને વિના મૂલ્યે ભોજન, મફત દવા, સારવાર વગેરેની સહાય પણ કરે છે. દેશના દરેક મંદિર, મસ્જિદ કે ગિરજાઘરો આ રીતે માનવસેવાના ટ્રસ્ટ બની રહે તો તેમાં સ્થાપિત દેવી દેવતાઓના સાચા આશીર્વાદ માનવજાતને પ્રાપ્ત થઈ શકે. તાત્પર્ય એટલું જ કે પ્રભુભક્તિ માટેના સાચા પુજાપાઠ માનવસેવા જ હોઈ શકે – કર્મકાંડો નહીં 

ધૂપછાંવ
ગીતામાં શ્રી કૃષ્ણે કર્મ અને ધર્મનો મર્મ સમજાવતા કહ્યું છે: ‘જેવા કર્મ કરશો તેવા ફળ પામશો’ એમ કહીને તેમણે સુખી જનજીવન માટે સદ્કર્મોની આવશ્યક્તા પર ભાર મૂક્યો છે. કુરાનમાં શ્રી મહમદ પયગંબરે પણ કહ્યું છે: ‘તમારા ઘરની ચારે દિશામાં દશ દશ ઘરોવાળા તમારા પાડોશી છે. તેઓ ભૂખ્યા હશે અને તમે જમશો તો તે પાપ ગણાશે. બીજા ધર્મોના અનુયાયીઓ તરફ સદ્વ્યવહાર રાખવો. અન્ય કોઈ પણ ધર્મ સાથે જબરજસ્તી કરવી નહીં..!’ (કુરના: સુરે બકરહ: 256)  દુનિયાના દરેક ધર્મોમાં આવી ખૂબ ઉપયોગી વાતો લખી છે; પણ આપણે અખરોટની મીંજ ત્યજી દઈને તેના ફોતરા ખાવા ટેવાયેલા છીએ.

Most Popular

To Top