Comments

મોહન ભાગવતની ભાષા કેમ બદલાઈ ગઈ તે બધા જાણે છે, તેમાં રાજી થવા જેવું કાંઈ નથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘસરચાલક મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓની શિબિરના સમારોપમાં જે કહ્યું એ અપેક્ષિત હતું. બન્ને કારણે અપેક્ષિત હતું. એક તો એ કે પછડાટ ખાધા પછી ફરી એકવાર ડાહીડાહી વાતો કરવી જરૂરી છે અને આનો લાંબો અનુભવ પણ છે અને બીજું એ કે મોહન ભાગવતની અંદર, સંઘના નેતૃત્વની અંદર અને એકંદરે સંઘપરિવારની અંદર ચચરાટ ઘણા સમયથી હતો. તેઓ સહન કરતા હતા, બોલતા નહોતા. હવે ભડાસ કાઢવાનો મોકો મળ્યો છે અને તે સાથે સંઘના ભવિષ્ય સારુ તેની જરૂર પણ છે. પહેલાં મોહન ભાગવતે શું કહ્યું એ જોઈ લઈએ.

મોહન ભાગવતે કબીરને ટાંકીને કહ્યું હતું કે સેવક નમ્ર હોવો જોઈએ. સેવાનું અભિમાન ન હોવું જોઈએ. એ તો યાદ જ હશે કે વડા પ્રધાન તેમની પહેલી મુદત દરમ્યાન પોતાને પ્રધાન સેવક (આ શબ્દપ્રયોગ પણ જવાહરલાલ નેહરુનો છે.) તરીકે ઓળખાવતા હતા. બીજું તેમણે એમ કહ્યું કે ભાષા પર સંયમ હોવો જોઈએ. આપણે લોકતંત્રમાં ચૂંટણી લડીએ છીએ કોઈ યુદ્ધ નથી લડતા. વિરોધ પક્ષો હકીકતમાં પ્રતિપક્ષ છે અને તેનો કેટલીક વાતે ભિન્ન દૃષ્ટિકોણ હોઈ શકે છે.

શાસક પક્ષ અને પ્રતિપક્ષ એ લોકતંત્રમાં સિક્કાની બે બાજુ છે. તેમણે મણીપુરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ત્યાંની આગને કોણ ઠારશે? તેમણે વિધર્મીઓ વિષે કહ્યું હતું કે તેઓ દુશ્મન નથી. તેમની પાસેથી સમરસતાની અપેક્ષા છે અને એ એક પ્રક્રિયા છે. અને તેમણે કહ્યું હતું કે કોઈ કારણ વગર ચૂંટણીમાં સંઘને પણ ઘસડી લાવવામાં આવ્યો હતો. લગભગ અડધા કલાકનું એ ભાષણ સાંભળવા જેવું છે. એમાં કબીર, અન્ય મરાઠી સંતો, વેદો અને ઉપનિષદો અને વિનોબા ભાવેને સુદ્ધાં ટાંકવામાં આવ્યા હતા. 

આગળ કહ્યું એમ આ ભાષણમાં અંગત ચચરાટ તો પ્રગટ થયો જ છે, પણ એ સાથે ડહાપણનાં ઝરણાં વહેતાં કરવાનો પણ આ પ્રયાસ છે. સંઘની આ દાયકાઓ જૂની નીતિરીતી છે. એમ લાગે કે સ્થિતિ બહુ અનુકુળ નથી અને વધારે બકબક કરવાથી નુકસાન થાય એમ છે ત્યારે તેઓ ડાહીડાહી વાતો કરવા લાગે. હવે પછી તમને જોવા મળશે કે બેફામ બોલનારાઓ ભૂગર્ભમાં જતા રહેશે અને ડાહી વાતો કરનારાઓ બહાર આવશે જે અત્યાર સુધી મૂંગા હતા.

જો મોહન ભાગવતને આટલી બધી મર્યાદાની, ભારતીય (હિંદુ કહો) સંસ્કાર અને સંસ્ક્રુતિની, લોકતંત્રની, જાહેરજીવનમાં સભ્યતાની ચિંતા હતી તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? કોણ રોકતું હતું? ભાગવત છોડો, સંઘપરિવારમાંથી એક પણ માયનો લાલ આગળ નહોતો આવ્યો કે આ બધું આપણને ન શોભે. આપણે હિંદુ છીએ અને માણસાઈ અને સભ્યતા આપણા લોહીમાં છે. તેઓ કહી શક્યા હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા નેતાઓને ટપારી શક્યા હોત.

તેઓ નહોતા બોલ્યા કારણ કે તેઓ બધા હિંદુઓનું પાણી માપતા હતા. તેઓ ચકાસતા હતા કે ક્યાં સુધી અસંસ્કાર અને નીચતાને હિંદુઓ સ્વીકૃતિ આપે છે. જો બીજેપીને ૩૦૦ કરતાં વધુ બેઠકો મળી હોત તો એ જ જોવા મળત જે જોવા મળ્યું હતું અને જો ૩૫૦ બેઠકો મળી હોત તો એ જોવા મળત જે હિંદુઓએ ઇતિહાસમાં ક્યારેય જોયું નથી. મોહન ભાગવતનાં દિલમાં કોઈ પ્રકારનો કચવાટ ન થયો હોત અને એક શબ્દ ન ઉચાર્યો હોત. ન લાલકૃષ્ણ અડવાની કાંઈ બોલ્યા હોત કે ન મુરલી મનોહર જોશી બોલ્યા હોત. ટૂંકમાં તેઓ પાણી માપતા હતા કે ક્યાં સુધી હિંદુઓ લજવાતા નથી અને સાથ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો હિંદુઓનું અસભ્યતાના સ્વીકારનું તળિયું માપતા હતા.

જે પરિણામ આવ્યાં એ ચોંકાવનારાં હતાં. ચૂંટણીને સાવ એકપક્ષીય કરી નાખી હોવા છતાય બહુમતી ન મળી તો કલ્પના કરો કે ચૂંટણી બરોબરીની ભૂમિકાએ લડાઈ હોત તો શું થાત! મોહન ભાગવતનું નિદાન યોગ્ય જ છે કે લોકોનો રોષ અસંસ્કાર, અહંકાર, દાદાગીરી અને રોજેરોજનાં ધતિંગ સામે હતો. તેમને સમજાઈ ગયું કે એક હદથી વધારે હિંદુઓ આને સ્વીકારતા નથી. દેશમાં વિચારવાની આવડત ધરાવાનારા લાખો લોકો પ્રશ્ન કરતા હતા કે હિંદુઓ કેટલી હદે નીચે ઉતરી શકે છે અને નીચતાને સ્વીકારી શકે છે. તેમને જરૂર સુખદ આશ્ચર્ય થયું છે. રાજીના રેડ થઈ ગયા છે.

મોહન ભાગવતની બદલાયેલી ભાષાથી બહુ રાજી થવા જેવું નથી. આ લખનાર સંઘની આ રમત દાયકાઓથી જોતો આવ્યો છે. ગાંધીજીની હત્યા પછી સંઘ પરથી પ્રતિબંધ હટે એ સારુ સંઘે તેના મુખપત્રમાં જવાહરલાલ નેહરુના એટલાં બધાં વખાણ કર્યાં હતાં જેટલાં તેમના પિતા મોતીલાલ નેહરુએ નહીં કર્યા હોય. ઈન્ટરનેટ પર મળે છે, વાંચી શકો છો. જમીન કઠણ આવે એટલે જૂનો રસ્તો પડતો મૂકીને ફંટાઈ જવાનું. હવે પછી ડહાપણ અને માણસાઈના ધોધ વહેશે. તણાઈ નહીં જતા.

અને હા, મોહન ભાગવત અને બીજાઓમાં અપમાનનો ચચરાટ પણ હશે. અયોધ્યામાં રામજન્મભૂમિ પરનાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ યાદ કરો. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં હતા અને મોહન ભાગવત કેમેરાની ફ્રેમમાં પણ ન આવે એમ છેડે હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ (પાછળ એટલે, અપમાનિત અને ઓશિયાળા જોઈ શકાય એમ છ ફૂટ પાછળ) હતા. આ બધા લોકો મોકાની રાહ જોતા હોય એ તો સ્વાભાવિક છે.

નરેન્દ્ર મોદી પણ આ જાણતા હતા એટલે તો તેમણે ભારતીય જનતા પક્ષના સંસદીય પક્ષની બેઠક બોલાવવાની જગ્યાએ એનડીએની બેઠક બોલાવી અને પોતાની તરફેણમાં ઠરાવ કરાવ્યો. આવું ભારતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. તેમને ખબર હતી કે પક્ષના સંસદસભ્યોની બેઠકમાં કોઈ નરેન્દ્ર મોદીની ઉમેદવારીનો વિરોધ કરે. નૈતિક જવાબદારીની યાદ અપાવે અને કદાચ નીતિન ગડકરી ઉમેદવારી કરે. અક્ષરસઃ દોટ મૂકીને વડા પ્રધાનપદ લઈ લીધું હતું. તો હવે પછી વેર વૃત્તિ અને ચચરાટ પણ જોવા મળશે અને ખપ પડ્યો છે તો ડહાપણ પણ દેખાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top