Columns

બધા જ દુઃખી છે

‘આપણા સમાજ’ પર એક સમાજશાસ્ત્રી સંશોધન કરી રહ્યા હતા.ઘણા લોકોને મળ્યાં.ઘણાં પુસ્તકો વાંચ્યાં.ઘણી જગ્યાઓ પર ફર્યા.ગામડાથી લઈને શહેર સુધી બધા સમાજનો અભ્યાસ કર્યો. તેમણે પોતાનું સંશોધન કર્યા બાદ તારવણી લખવાનું શરૂ કર્યું.તેમના અવલોકન મુજબ સમાજમાં ચારે બાજુ અસમાનતા છે અને આ અસમાનતાઓ ઘણી સમસ્યા સર્જે છે.અસમાનતા જાતિભેદ,વર્ણભેદ, આર્થિક ભેદ,ધર્મભેદની તો છે જ સાથે સાથે ભણતર, ગણતર, સંસ્કારોમાં પણ અસમાનતા છે. એમણે અનેક ઉદાહરણો સાથે આ અસમાનતાઓ સમજાવી અને શક્ય હોય ત્યાં ઉકેલ પણ લખ્યા.

આગળ હવે તેમણે વાત કરી કે સમાજ બને છે તેમાં રહેતાં માણસોથી એટલે સમજીએ સમાજમાં માનવીય સુખ અને દુઃખની,લોકોની લાગણીઓની અને ઇચ્છાઓની. સમાજશાસ્ત્રીએ એક એકદમ ચોંકાવનારું વાક્ય લખ્યું કે સમાજમાં અમુક લોકો દુઃખી અને અમુક સુખી કે વધારે દુઃખી અને ઓછાં સુખી જેવું કંઈ જ નથી, કારણ કે સમાજમાં બધા દુઃખી જ છે.સુખી કોઈ નથી.તેનું પહેલું કારણ છે કોઈને સુખી થવું નથી અને બીજાને સુખી થવા દેવા નથી. તેમના એક ઇન્ટરવ્યુમાં એક પત્રકારે પૂછ્યું, ‘સર , આપે લખ્યું છે કે બધા દુઃખી જ છે એવું તારણ તમે કઈ રીતે કાઢ્યું.’ સમાજશાસ્ત્રીએ કહ્યું, ‘પત્રકાર દોસ્ત, શું તમે આજે અત્યારે આ ઘડીએ મને પ્રશ્ન પૂછીને સુખી છો કે મનમાં આ કામ નહિ પણ એસી કેબીનમાં બેસી તમે જે મેગેઝીન માટે લખો છો તેના માલિક બનવા ઈચ્છો છો?’

પત્રકાર બે ઘડી કંઈ બોલી ન શક્યો. પછી તેણે કહ્યું, ‘પણ સર , જીવનમાં વધુ આગળ વધવા માટે વિચારવું કંઈ દુઃખ થોડું છે?’ સમાજશાસ્ત્રીએ કહ્યું, ‘ના..ના ..હું એમ નથી કહેતો કે તમે દુઃખી છો ..પણ સુખી તો નથી જ, કારણ કે તમારા મનમાં અનેક બાકી રહેલી ઇચ્છાઓ છે.દરેક માણસ દુઃખી છે કારણ કે તેની બધી ઇચ્છાઓ પૂરી થતી નથી અને આ અગણિત ઇચ્છાઓ સૌથી મોટું કારણ છે.બીજું કારણ છે અકારણ ઈર્ષ્યા.બધા કોઈની અને કોઈની ઈર્ષ્યા કરે જ છે અને દુઃખી રહે છે અને દુઃખી કરે છે.આપણા સમાજમાં બધાને પોતાની પાસે જે છે તે ઓછું લાગે છે અને બીજા પાસે છે તે જોઈએ છે.જેની પાસે પૈસા છે તેને પ્રેમ જોઈએ છે.ભરપૂર પ્રેમ છે તેને પૈસા ઓછા પડે છે.

પ્રેમ અને પૈસા બંને છે તો કોઇ કારણસર ઘરમાં કંકાસ છે તેને શાંતિ જોઈએ છે.જેની પાસે પૈસા છે.પ્રેમ છે.પરિવાર છે …શાંતિ પણ છે.તેમને આવું સરળ …શાંત કોઈ મુશ્કેલી વિનાનું જીવન બોરિંગ લાગે છે એટલે તેમને કોઈ બીજાને હેરાન કરવા છે.આમ સમાજમાં બધા જ કોઈ ને કોઈ વસ્તુ પાછળ દોડે છે. દરેકને પોતાના જીવનમાં કંઇક તો ખૂટતું લાગે જ છે એટલે મેં લખ્યું છે કે ‘બધા દુઃખી જ છે…’ અને આગળ જોડું છું કે સુખી થવાનું માણસના પોતાના હાથમાં છે અન્ય કોઈ વસ્તુ ..વ્યક્તિ કે સ્થિતિ પર નહિ.’ સમાજશાસ્ત્રીએ પોતાના અવલોકનને આધારે સચોટ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top