સાહેબે કીધું છે કે આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય છે એટલે અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે ઘરે ઘરે ત્રિરંગા ફરકાવવામાં આવે.પ્રજા મોંઘવારી અને બેરોજગારી રપી ઝેરના ઘૂંટડા પી ને જેમ તેમ દિવસો કાઢી રહી છે પણ સાહેબને ઉત્સવોના તાયફા કરવામાંથી જ ફુરસદ નથી.અંધ ભકતોની એક વાત બિલકુલ સમજમાં નથી આવતી કે પોતે સાહેબની એક પણ વાતનો વિરોધ નથી કરી શકતા તો પછી બીજા પક્ષના કાર્યકરોને ગુલામ શું કામ કહેતા હશે? એવું નથી કે અંધ ભકતોને આ બધું જ ગમે છે, પણ વિરોધ કરવા માટે ૫૬ ની છાતી જોઈએ એ તો સાહેબ પાસે છે.સરકારી અધિકારીઓ પણ પોતાના કામમાં ઓછા અને આ તાયફાઓમાં જ અટવાયેલા રહે છે એટલે પ્રજાને વધુ હાલાકી થાય છે.
પ્રજાને લગતા પ્રશ્નોને કે મુસીબતોને દૂર કરવા માટે તેમની પાસે સમય જ નથી રહેતો. સાથે સાથે જે પ્રજા માટે બાગ-બગીચા કે અન્ય જાહેર સ્થળો બનાવ્યાં છે તેમની યોગ્ય જાળવણી પણ થતી નથી. કોઈ નેતા આવવાના હોય તે જાહેર સ્થળને ચકાચક કરવામાં આવે અને પછી ફકત ૧૦ દિવસમાં જ તેની હાલત ખંડેર જેવી થઇ જાય.લોકોના પરસેવાની મહેનતના રૂપિયાથી બનેલી આવી જગ્યાઓ કેટલીક વાર પ્રશાસનની બેદરકારીના કારણે લોકો માટે જ હાલાકી બની જાય છે.ખરેખર જો દેશની પ્રજાને રાષ્ટ્રવાદી બનાવવી હોય તો પૂરી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી વહીવટ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે.કોઈ વિપક્ષમાં કે કોંગ્રેસમાં હોય તો ભ્રષ્ટાચારી અને પોતાની સાથે આવી જાય તો ગંગા નાહીને દૂધે ધોવાઈને પવિત્ર થઈ જાય એવી બાલિશ વાતોથી કદાચ અંધ ભકતોને ચૂપ કરાવી શકાય, બુદ્ધિજીવીઓને નહીં.આશા રાખું છું કે આવનારા દિવસોમાં ખોટા તાયફા અને દંભી રાષ્ટ્રભક્તિ બંધ કરી સાચા અર્થમાં સવા સો કરોડ રાષ્ટ્રપ્રેમી જનતાની
સેવા કરે.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.