ગુજરાતનાં દરેક હાઈવે અકસ્માત ઝોન બની ગયા છે. ગયા અઠવાડિયે લખતર પાસેના કરુણ અકસ્માતમાં એક જ પરિવારનાં એક સાથે 8 લોકો કાળનો કોળિયો બની ગયાં. રાજ્યનો એવો કોઇ રસ્તો નથી કે જ્યાંથી રોજ રોજ અકસ્માતના સમાચાર આવતા ન હોય અને 10-15 માણસોનો ભોગ ન લેવાતો હોય. ટેક્નિકલ યાંત્રિક ખામી, ખરાબ રસ્તા, દારૂનો નશો, ઉજાગરા, અતિ ઝડપ કે એવાં કારણથી અકસ્માતો થાય છે તે કબૂલ, પરંતુ રાજ્યની ઇચ્છાશક્તિ હોય તો અકસ્માતોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થાય. પ્રથમ તો એ કે રાત્રીના 10 થી સવારના 5 સુધી મુસાફરી પર પ્રતિબંધ હોવો જોઈએ.
કારણ કે અર્ધા ઉપરાંતના અકસ્માતો રાત્રી દરમ્યાન થાય છે. બીજું કે રાજ્યમાં ઘણા વખતથી પોલીસદળ વધારવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. અતિ ઝડપ કે રોંગ સાઈડથી ચલાવાતાં વાહનો રોકવાં જોઈએ. તે માટે હાઈ વે પર ઠેરઠેર પોલીસની ફોજ રહેવી જોઈએ. ગમે કે ન ગમે વાહનો ખરીદવાના વલણ પર પણ નિયંત્રણ હોવું જોઇએ. પણ તે માટે જાહેર પરિવહન વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા નબળી અને બિનભરોસાપાત્ર છે. તેના કારણે નોકરી-ધંધાવાળા માણસોને અંગત વાહન ખરીદવાની ફરજ પડે છે. તેથી અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે.
પાલનપુર– અશ્વિનકુમાર કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.