Charchapatra

સરકારી બેંકો તથા સરકારી કચેરીઓમાં દરેક ફોર્મ પ્રાદેશિક ભાષામાં હોવાં જરૂરી છે

આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, પરંતુ બહુ ઓછાં લોકો એવાં છે કે હિન્દી ભાષા જાણે છે અને હિંદીમાં દરેક વ્યવહાર કરે છે. આનું એક કારણ એ પણ છે કે આપણાં મોટા ભાગનાં રાજ્યોમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાની સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં બધો વ્યવહાર કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે સ્થાનિક રહેવાસીઓને સરકારી બેંકો, પોસ્ટ ઑફિસ, જીવન વીમા નિગમની કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓમાં કામ અર્થે જવાનું થાય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ભાષાનો થાય છે. કારણ કે તમામ પ્રકારનાં ફોર્મ અંગ્રેજી ભાષામાં છપાયેલાં હોય છે, જે ભરવામાં તેઓને બહુ તકલીફ પડે છે અને સરકારી બાબુઓ આવાં લોકોને મદદ કરવા રાજી હોતાં નથી.

બેંકોમાં પણ નાણાં જમા કરાવવા માટે તથા નાણાં ઉપાડવા માટે પણ અંગ્રેજી ભાષામાં સ્લિપો ભરવાની હોય છે અને બિચારા નિર્દોષ પ્રજાજનોને કોઈ અન્ય વ્યક્તિનો સહારો લેવો પડે છે. પાસબુક તથા સ્ટેટમેન્ટ પણ અંગ્રેજી ભાષામાં છાપવામાં આવે છે તેથી આ લોકો પોતાનું છેલ્લું બેલેન્સ કેટલું છે એ પણ જાણી શકતાં નથી. આવી તથા આવા પ્રકારની તકલીફો દૂર કરવા માટે સરકારે દરેક રાજ્યમાં સ્થાનિક વ્યક્તિઓ માટે ત્યાં બોલાતી પ્રાદેશિક ભાષામાં જ દરેક બેંકો તથા સરકારી કચેરીઓના ફોર્મ અંગ્રેજી ભાષાને બદલે જે તે રાજ્યની પ્રાદેશિક ભાષામાં તબદીલ કરવાની કાર્યવાહી કરવી જરૂરી છે. આમ કરવાથી સ્થાનિક રહીશોને વ્યવહાર કરવામાં સુગમતા રહેશે.
હાલોલ- યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શું આ સરકાર સામે, વડા પ્રધાન સામે પ્રશ્ન જ ન થાય?
૨૦૧૪ માં મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દેશભરમાં ઠેર ઠેર સવાયા રાષ્ટ્રવાદીઓ ઉભરાઇ રહ્યા છે. આ સવાયા રાષ્ટ્રવાદીઓ મોદીના વહીવટ ઉપર રાષ્ટ્રની સરહદોની સુરક્ષા ઉપર – પડોશી દેશોની ઘુસણખોરી બાબત – આપણાં સુરક્ષા દળોની તૈયારી બાબત – સત્તાધારી પક્ષે કરેલ સર્જીકલ સ્ટ્રાઇક બાબત કે મુસ્લિમો વિરુધ્ધ કરાતી સતત ઉશ્કેરણીઓ બાબત સવાલો કરનારને તુરંત દેશદ્રોહી ઠરાવવા માટે બુમરાણ મચાવે છે. આ સવાયા રાષ્ટ્રવાદીઓના મતે માત્ર મોદીજી એમનો સત્તાધારી પક્ષ અને ભાજપ – સંઘ પરિવારની જી-હજૂરી કરનારાઓ જ રાષ્ટ્રવાદી છે. બાકી બધા દેશદ્રોહી ગદ્દારો છે! હાલમાં જ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચીનની ઘુસણખોરી અને આપણા જવાનો ઉપર કરાયેલા હુમલા બાબત પ્રશ્નો ઉભા કરતાં એની વિરુધ્ધ હોબાળો મચાવાયો એ જ રીતે મોદીના રાજમાં કરાયેલ કહેવાતી સર્જીકલ સ્ટ્રાઇક બાબત વિપક્ષોએ સવાલો ઉઠાવેલા ત્યારે પણ વિપક્ષોને દેશદ્રોહી ઠરાવવા મોટું બુમરાણ મચાવાયેલું કેમ જાણે આ દેશમાં માત્ર મોદી સવાયા રાષ્ટ્રવાદી ન હોય!

મોદી કહે તે જ સાચું, મોદી કરે તે જ સાચું, એની સામે કોઇ સવાલ ન કરી શકે! અને જે સવાલ ઉઠાવે તેને દેશદ્રોહી ઠરાવવાની બુમરાણ ચાલુ થઇ જાય છે. જયારે અમેરિકા જેવા સુપર પાવર દેશમાં પત્રકારો – વિપક્ષો તથા સામાન્ય નાગરિકો પણ પોતાના દેશની સુરક્ષા તૈયારીઓ તથા મીલીટરી ઓપરેશનો બાબત સરકારને તીખાં તમતમતાં મરચાં જેવા સવાલો પૂછી શકે છે. અમેરિકાએ પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને માર્યો – અફઘાનિસ્તાનમાં અલ જવાહીરીને માર્યો. અફઘાનિસ્તાનમાં તાલેબાનો V/S કામગીરીમાં કેટલા જવાનો મર્યા, કેટલો ખર્ચ કરાયો? એ બધાના પ્રમુખે જવાબો આપવા પડે છે. મોદીએ આઠ વર્ષમાં કેટલી પ્રેસ કોન્ફરન્સ કરી એ તો જણાવો.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top