Editorial

ટોલના નામે રોજ 163 કરોડની ઉઘરાણી થાય છે પણ હાઈવેના ખાડાઓ પુરાતા નથી

વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી નેતાગીરીનો ભોગ દેશના નાગરિકો બની રહ્યા છે. ભારતના નાગરિકો પાસેથી ટેક્સના નામે એવું કહી શકાય કે જાણે લૂંટ ચાલી રહી છે. સરકારે એટલા સ્તરે અને લેવલે ટેક્સ નાંખ્યો છે કે નાગરિક ટેક્સ ભરવામાં જ પાયમાલ થઈ જાય અને તેમાં પણ ટેક્સ ભર્યા બાદ પણ જેના માટે ટેક્સ ભર્યો તે સુવિધા જ નહીં મળે તો કોને જઈને કહેવું? તાજેતરમાં સંસદમાં દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી કે ભારતમાં ટોલટેક્સ રૂપે તમામ ટોલ પ્લાઝા પરથી દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવે છે.

સાચું કહેવામાં આવે તો આ એક પ્રકારની ઉઘરાણી જ છે. કારણ કે જેણે આ રસ્તા પરથી પસાર થવું હોય તેણે ટોલટેક્સ આપ્યા વિના છૂટકો નથી. ચાલો, ટોલટેક્સ ભરવામાં પણ વાંધો નથી. પરંતુ ટોલટેક્સ લીધા બાદ તેના કોન્ટ્રાકટરો કે સરકાર દ્વારા રસ્તાઓની એવી હાલત રાખવામાં આવે છે કે વાહનચાલકની કમર તૂટી જાય. એવું નથી કે જૂના રસ્તાઓની આ હાલત છે.

નવા બનેલા રસ્તાઓ પણ આવી જ હાલત છે. ટોલનાકાનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ માત્ર ટોલની ઉઘરાણીમાં જ ધ્યાન રાખે છે પરંતુ રસ્તાઓ સારા રાખવાની જવાબદારી નિભાવતી નથી. થોડા વર્ષો પહેલા જ ખુલ્લા મુકવામાં આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પણ આવી જ હાલત છે. કહેવાય કે આ એક્સપ્રેસ વે છે પરંતુ તેના પર વાહનો ઉછળકૂદ કરતાં ચાલે છે. જે અકસ્માત સર્જે તેવી ભીતિ છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપેલી માહિતી પ્રમાણે, એક જ વર્ષમાં ટોલનાકાઓ પરથી થતી કમાણીનો આંક 61 હજાર કરોડ કરતાં પણ વધારે છે. વર્ષ 2024-25માં ટોલનાકાઓ પરની કુલ આવક 61408 રકરોડ હતી. જેમાં જાહેર ભંડોળથી ચાલતા ટોલનાકા પર 28823 કરોડ અને ખાનગી ઓપરેટરો દ્વારા ચાલતા ટોલનાકા પરની આવક 32584 કરોડ હતી. કેન્દ્રીય મંત્રીએ એવી જાહેરાત કરી હતી કે ટોલનાકા પર વસૂલીથી મળેલા નાણાં સેન્ટ્રલ કોન્સોલિડેટેડ ફંડમાં જાય છે અને આ નાણાંનો ઉપયોગ નવા રસ્તાઓ બનાવવામાં અને રિપેરિંગ કરવામાં આવે છે. જોકે, દરેક વાહનચાલકને જે અનુભવ થાય છે તે બતાવે છે કે આ નાણાંનો ઉપયોગ રસ્તાઓના રિપેર કરવા માટે થતો હોય તેવું ક્યાંય દેખાતું નથી. માત્ર દક્ષિણ ગુજરાતની જ વાત કરવામાં આવે તો વડોદરાથી મનોર સુધી જવામાં વાહનચાલકોને પરસેવો પડી જાય છે. કલાકોના અને લાંબા ટ્રાફિક જામ થાય છે. રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. વાહનો ઝડપથી ચાલી શકતા નથી.

ટોલટેક્સ લેવો છે પરંતુ ખાડાઓ ઝડપથી રિપેર કરવા નથી. સરકાર ફાસ્ટેગના બહાને વાહનચાલકોને બાનમાં લઈને ટોલટેક્સની ઉઘરાણી તો કરી લે છે પરંતુ સામે સુવિધાઓ ઊભી કરવામાં આવતી જ નથી. ખાનગી એજન્સીઓ તો હાથ ઉંચા કરવામાં જ હોંશિયાર છે અને વાહનચાલકો માટે ખાડામાંથી પસાર થવા સિવાયનો કોઈ જ છૂટકો નથી. તેમાં પણ સરકાર એક એવો નવો નિયમ લાવી છે કે ફાસ્ટેગને વિન્ડસ્ક્રીન પર લગાડેલું રાખવું. પરંતુ એ સ્પષ્ટતા નથી કે જો વિન્ડસ્ક્રીન બદલવાનો સંજોગ આવે તો તેવા સંજોગોમાં ફાસ્ટેગનું શું કરવું? વિન્ડસ્ક્રીન નવી આવી જાય છે પરંતુ જૂનો ફાસ્ટેગ અપડેટ કરવો અઘરો છે. નવો ફાસ્ટેગ લેવો પડે છે. સરકારે ખરેખર સરળતાઓ ઊભી કરવી જોઈએ પરંતુ તે થતી નથી.

ટોલનાકા પર ટોલટેક્સ માટે જો કોઈ સારૂં કામ થયું હોય તો તે એટલું જ છે કે વાર્ષિક ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની નવી યોજના. આ યોજના ખરેખર સારી છે. પરંતુ ટોલનાકા પર આટલી મોટી આવક બાદ સરકારે એ સુનિશ્ચિત કરવું જ જોઈએ કે હાઈવેના રસ્તાઓની હાલત સુધારવામાં આવે. રસ્તાઓ સારા જ રહે અને કોઈ જ સમસ્યા આવવી જોઈએ નહીં. આમ થશે તો જ વાહનચાલકોએ ચૂકવેલા ટોલટેક્સનો હેતુ સાર્થક ઠરશે તે નક્કી છે.

Most Popular

To Top