Business

એવરગ્રાન્ડનું ઉદાહરણ શું શી જીનપિંગ ચીની કંપનીઓનું જાતે ધનોતપનોત કાઢવા નીકળ્યા છે?

હોંગકોંગ નજીકનું ગુઆંગજાઉ એક નવું ઔદ્યોગિક અને સુંદર રાજ્ય છે. તેની સન્ની પેનિસ્યુલા ખાતે જગતની અને ચીનની સૌથી મોટી મકાન બાંધકામ કંપની એવરગ્રાન્ડ ગ્રુપ ત્રીસ ફૂટબોલના મેદાન બાંધી શકાય એવડી જગ્યામાં પાંચ હજાર ફલેટ્સ બાર ટાવરમાં બાંધી રહી હતી. આખા ચીનમાં મળીને કંપની પાસે આવી ડઝન એટલે કે બાર સાઈટ છે. બીજી નાની મોટી અલગ. ગુઆંગજાઉ જેવાં શહેરોમાં કામ કરીને સુખી થયેલા વ્હાઈટ કોલર કામ કરનારા લાખો લોકોએ આ સાઈટોમાં આવાસો ખરીદયાં હતાં. ચીનમાં જે ઔદ્યોગિક ક્રાન્તિ આવી તે જગતના આજ સુધીના ઇતિહાસમાં આવેલી સૌથી ઝડપી ક્રાન્તિ છે.આ નવી ક્રાન્તિને કારણે છેલ્લાં ત્રીસ વરસમાં ચીન પોતાના 70 કરોડ નાગરિકોને ગરીબીની ચુંગાલમાંથી કાઢવામાં સફળ થયું છે પરંતુ પ્રમુખ શી જીનપિંગની અમુક નીતિઓ અને ઝડપથી પ્રગતિ કરવાના પ્રયત્નોનાં ઊલટાં પરિણામો આવી રહ્યાં છે.

એવરગ્રાન્ડ ગ્રુપના તમામ પ્રોજકટો પૂરા થાય તે અગાઉ ઠપ થઇ ગયા છે. દિલ્હી અને નોઈડા નજીક આમ્રપાલી, સુપરટેક અને બીજા ગ્રુપોના હજારો આવાસોનું બાંધકામ રઝળી પડયું છે તેવી હાલત એવરગ્રાન્ડની થઇ છે. એવરગ્રાન્ડની વાત અલગ એટલા માટે છે કે એક તો આ ખૂબ મોટા કદની કંપની છે. હાથી પડે કે મોટું વૃક્ષ પડે ત્યારે તેની જબરી અસર પરિસરમાં પડે છે. એવરગ્રાન્ડ ઝૂકી ગઇ છે અને ચીનની સરકાર ટેકો નહીં આપે તો આજકાલમાં પડશે તેનો અવાજ સાંભળવાની તૈયારી રાખીને જગત બેઠું છે.

કંપની પર 300 અબજ અમેરિકી ડોલરનું કરજ છે. પૈસા ખલાસ થઇ ગયા છે. 300 અબજ ચૂકવી શકાય તેમ નથી. પ્રોજેકટસ અટકી પડયા છે તેથી ખરીદનારાઓ તરફથી પૈસા પરત આવવાને બદલે તેઓ જ પૈસા પાછા માગી રહ્યા છે. મકાનોના અરધા ચણાયેલાં માળખાંઓની વણઝાર કોઇ હોરર ફિલ્મના સેટ્સની યાદ અપાવે છે. ભેજવાળા હવામાનમાં સળિયાઓ કટાઈ ગયા છે. માલસામાનના ઢગલા જયાંત્યાં સડવા માટે પડયા છે. હમણાં સુધી એવરગ્રાન્ડ ગ્રુપ જગતનું સૌથી મોટું પ્રોપર્ટી ડેવલપર ગ્રુપ હતું.

કંપની ડૂબશે તો ચીનના પંદર લાખ ખરીદનારાઓના પૈસા ડૂબશે અને ઘરનું ઘર ખરીદવાનાં સપનાં રોળાઈ જશે. દુનિયાની નાણાંબજારને ચિંતા છે કે એવરગ્રાન્ડની આ નાદારીનો ધક્કો એ નાણાંબજારોને પણ લાગશે કારણ કે એવરગ્રાન્ડે ચીનમાં સૌથી વધુ પ્રમાણમાં ડોલર આધારિત બોન્ડ ઇસ્યુ કર્યા હતા. પરત કરવા માટે એ નાણાં નથી અને બેન્કો અને સપ્લાયરો ઉઘરાણી કરી રહ્યા છે. એવરગ્રાન્ડ કોઇ વિધિ વગર, મોંભેર તૂટી પડશે તો ચીનમાં પ્રોપર્ટીના ભાવ વધુ નીચે જશે. આ એક એવો ઉદ્યોગ છે જેનો બેન્કોની ખરાબ લોનમાં 27% મકાન બાંધકામ ઉદ્યોગના હોય છે. એક સમયે તેમાં મબલખ કમાણી હતી.

આજે માત્ર ચૂકવણી જ હોય છે. આનો તનાવ બેન્કોની ઓફિસોમાં જોવા મળે છે. લોકો બાંધકામ શરૂ કરવાની માગણી સાથે સરકારી દફતરોનો ઘેરાવ કરે છે, ધરણા પ્રદર્શનો કરે, દરેક સાઈટો પર આવી સ્થિતિ ચાલી રહી છે. અન્ય લેણદારો, એજન્ટો વગેરે પણ સરકારોમાં ફરિયાદ કરી રહ્યા છે. વિજય માલ્યાની જે મુસીબત શરૂ થઇ હતી તે સમજી શકાય તો એવરગ્રાન્ડની સમજી શકાય. ગજા કરતાં વધુ બળ કરવાથી, સાચવી ન શકાય એટલો બહોળો વિસ્તાર કરવાથી એવરગ્રાન્ડની તકલીફો શરૂ થઈ. મહાન સિકંદરની માફક.

આમેય કંપની હંમેશાં ગ્રાહકોની ધીરજની કસોટી કરતી રહેતી હતી. તેમાં આ વખતે શી જીનપિંગની નીતિઓ પણ કંપનીને નડી ગઇ. જીનપિંગ પોતે શાસનની ફિલોસોફીની અવઢવમાં ફસાઈ ગયા છે. એ માને છે કે ગરીબો અને તવંગરો વચ્ચે ખૂબ મોટી ખાઈ ન હોવી જોઈએ તેથી મોટા મગરમચ્છ કોર્પોરેશનોને હતોત્સાહ કરી રહ્યા છે. વાત સારી છે પણ વ્યંગ એ છે કે તેમ કરવામાં ચીનની મહેનત કરી જનતાની પરસેવાની કમાણી ડૂબી રહી છે. ગરીબો વધુ ગરીબ બનશે. શી જીનપિંગે ઇરાદાપૂર્વક એવી નીતિઓ અપનાવી છે જેનાથી એક સમયે ચીનમાં અને ચીન બહાર ગજું કાઢેલી અન્ય કંપનીઓને પણ તાવ આવી ગયો છે.

ટેકનિકલ જાયન્ટ અલી બાબા ગ્રુપને જિનિપિંગે હતું ન હતું કરી નાખ્યું. એક સારો માણસ જેક મા હાલમાં નિરાશાવાસ ભોગવી રહ્યા છે. ટેન્સેન્ટ હોલ્ડીંગ જેવી બીજી જગપ્રસિદ્ધ કંપનીના પણ પ્રમુખે એ જ હાલ કર્યાં અચાનક નિયમો લાવીને આ કંપનીઓ પર કોરડા વીઝવામાં આવ્યા આ ઓગસ્ટમાં આ કંપનીઓએ જગતનાં શેર બજારોમાં પચાસ અબજ ડોલરથી વધુ રકમની વેલ્યુએશન ગુમાવી. તેમાંય એવરગ્રાન્ડ ચીનની સામ્યવાદી સરકારના હીટલિસ્ટમાં પ્રથમ ક્રમે હોય તેમ જણાઇ રહ્યું છે. છેલ્લાં ઘણાં વરસોથી ચીનના અધિકારીઓ રીઅલ એસ્ટેટની કિંમત ઉત્તરોત્તર ઘટતી જાય તેવાં પગલાં લઇ રહ્યાં હતાં.

પ્રોપર્ટી માર્કેટ ચીનના શાસકોને જોખમી લાગે છે. સરકાર ઘણા વખતથી વિચારી રહી છે કે આવી જોખમી બજાર પર ચીનના અર્થતંત્રે વધુ આધાર રાખવો જોઈએ નહીં. તેના કરતાં એ નાણાં એવા ધંધારોજગારોમાં વાળવા જોઈએ. જેમાં ચીનની વધુ સલામતી હોય. આ તેઓની ફિલસૂફી છે. જેમ કે હાઈટેક પ્રોડકટસનું ચીન વધુ ઉત્પાદન કરે તો અમેરિકા અને અમેરિકાના મિત્ર દેશો પર ચીને ઓછો આધાર રાખવો પડે. શી જીનપિંગ માત્ર ધંધાકીય વૃદ્ધિને બદલે નાણાંકીય અને સામાજિક સ્થિરતા પર વધુ ધ્યાન આપવા માગે છે. ચીનના ટોચના નેતાઓ એમનાં વકતવ્યોમાં હમણાંથી આ વાતનો વધુ ઉલ્લેખ કરે છે.

તેઓ વાજબી અને માફકસરની સમૃદ્ધિ વૃદ્ધિનો અને સહિયારી પ્રગતિ અને સમૃદ્ધિની વાત કરી રહ્યા છે. ચીનના નાગરિકો અને કુટુંબો દેવું કરીને વધુ વૈભવી અને જરૂરત કરતાં વધુ મકાનો, નિવાસો ખરીદે એ નેતાઓની ફિલોસોફીને બંધબેસતી બાબત નથી. રીઅલ એસ્ટેટ અને પ્રોર્પ્ટીમાં આંધળી તેજી આવે તેથી લોકોમાં આર્થિક અસમાનતાની ખાઈ વધુ ઊંડી, વધુ પહોળી થાય છે તેમ ચીની શાસકો માને છે. આ વાત સાચી છે તેમ ભારતીય નાગરિકો પણ કહેશે ચીની વડાઓ પ્રોપર્ટીના બજારને ઉત્તેજન આપીને અસમાનતા વધારવા માગતા નથી.

ચીનની સરકાર ઇચ્છે છે કે એવરગ્રાન્ડ ભલે તૂટી પડે. ચીનની 56 ટ્રીલિયન ડોલરની સ્થાનિક ફિનાશ્યલ સિસ્ટમમાં જે બેન્કો અને સંસ્થાઓ છે તેમાંની મોટા ભાગની સરકારી છે જે રીઅલ એસ્ટેટ સેકટરને પણ નાણાં ધીરે છે. આથી સેકટરને કાબૂમાં રાખવું, તેનું કદ ઘટાડવું કે વધારવું તેનો અંકુશ સરકારના હાથમાં છે પણ આમ કરવામાં જોખમ પણ મોટું છે કારણ કે મકાન અને બાંધકામ ઉદ્યોગ ચીનની GDPમાં 15% જેટલો મહત્ત્વનો ફાળો આપે છે. ઉપરાંત શહેરમાં રહેતા ચીનાઓમાંથી 70%  લોકોએ પોતાના બચતનાં નાણાંનું જમીન- મકાનોમાં રોકાણ કર્યું છે. એ સિવાય જગત પર પણ, ચીનનો બાંધકામ ઉદ્યોગ ઠપ થાય તો અવળી અસર પડે તેમ છે.

ચીન દુનિયાના અનેક દેશોમાંથી સ્ટીલની અવિરત આયાત કરે છે. ઝામ્બિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા વગેરે. સ્ટીલ ઉપરાંત બાંધકામ ઉદ્યોગમાં જરૂરી તાંબુ અને અન્ય મટીરિયલ્સની પણ ચીન મોટી આયાત કરે છે. ઘણી યુરોપીઅન અને અમેરિકન કંપનીઓ ચીનની ગ્રાહક માર્કેટ વધે તેના પર આધાર રાખીને બેઠી હોય છે. ચીનમાં પ્રોપર્ટી માર્કેટ ઠપ થાય તો ઘણાં વરસ માટે ઠપ થાય તેવાં ભૂતકાળનાં ઉદાહરણો છે. સ્ટીલ, તાંબુ અને અન્ય ધાતુઓનું ઉત્પાદન કરતા દેશો પર તેની મંદીજનક અસર પડી શકે છે.

એવરગ્રાન્ડ સામે હાલમાં આ પ્રોસ્પેકટ છે. તેના સ્થાપક અને ચેરમેન હુઇ કા યાન દારૂણ ગરીબીમાં જન્મીને મોટા થયા છે. સખત મહેનતથી અભ્યાસ કર્યો. ધાતુવિદ્યામાં સ્નાતક બન્યા. હોંગકોંગની પડખે શેનઝેનમાં આવ્યા. આયાત – નિકાસનો ધંધો કર્યો અને પછીથી પ્રોપર્ટી માર્કેટમાં પ્રવેશ્યા. 2016 સુધીમાં એ ચીનના સૌથી મોટા પ્રોપર્ટી ડેવલપર બની ગયા. અગાઉ ચીનની કેન્દ્ર સરકારે એવરગ્રાન્ડને આગળ વધવામાં ઘણી મદદ કરી હતી. જમીનની કિંમતો ખૂબ વધતી હતી તેથી હુઇ કા યાન માટે બેન્કોમાંથી લોન લેવાનું આસાન બની ગયું હતું. વધુ લોન મળે એટલે વધુ જમીન પ્રાપ્ત.

વધુ જમીન એટલે વળી સસ્તા દરની વધુ લોન. આમ આ ફુગ્ગો ફૂલાતો ચાલ્યો. ભારતના ડેવલપર્સને આ સ્થિતિ જ નડી ગઈ. ભારતમાં તો બીજી મોટી તકલીફ દર પ્રાઈવેટ લેન્ડર્સ પાસેથી ખૂબ ઊંચા વ્યાજદરે લોન મેળવવાની રહે છે. એવા પારાવાર ડેવલપર્સ ભારતમાં છે જે ઊંચા વ્યાજદર ભરવામાં તારાજ થઇ ગયા. વળી ભારતમાં ડેવલપર્સ પ્રોપર્ટી બિઝનેસમાં સફળ થાય તો છાપાં, મેગેઝિન શરૂ કરવાથી માંડીને અનેક ધંધામાં હાથ નાખે છે. એ જ પ્રમાણે એવરગ્રાન્ડે ફૂટબોલ ટીમ, થીમ પાર્ક, મિનરલ વગેરે અનેક ધંધાઓમાં ઝંપલાવ્યું. હવે માર્કેટ બેસી ગઈ છે તેથી પાણી વગર તમામ પાક બળી જાય તેમ એવરગ્રાન્ડના તમામ ધંધાઓ બંધ થઇ ગયા છે. એવરગ્રાન્ડ પોતે અને બીજી ચીની પ્રોપર્ટી કંપનીઓ પોતે જ ઉપાડેલા બોજની નીચે દબાઈ ગઇ છે. તેઓને હતું કે સરકાર બચાવી લેશે પણ શી જીનપિંગ અલગ માટીનો  છે.

Most Popular

To Top