‘જાડિયો’, ‘ગોલુમોલુ’, ‘ખેંપટ’, ‘સુકલકડી’, ‘ચીંચપોકલી ઑફ બૉમ્બે’ જેવા અનેક શબ્દો શરીરસૌષ્ઠવ ધરાવતા કે ન ધરાવતાં લોકો માટે ઉપયોગમાં લેવાતાં આપણા કાને પડતા આવ્યા છે અને આપણે પણ કોઈકનો ઉલ્લેખ આ રીતે કરતા આવ્યા છીએ. આવામાં આજ કાલ અભ્યાસ માટે વિદેશ સ્થાયી થઈ રહેલી યુવા પેઢી પશ્ચિમી સમાજના વ્યક્તિસ્વાતંત્ર્યના વ્યવહારુ અમલને જુએ છે અને ભારતમાં રહેતા પોતાના વડીલોને સમજાવવા પ્રયત્ન કરે છે કે આને ‘બૉડી શેમિંગ’ કહેવાય અને કોઈને એના શારીરિક વર્ણન થકી ઓળખવું એ અસભ્યતા ગણાય.
વાત તો સાચી છે, પણ આમાં મૂળભૂત ફરક સંસ્કૃતિનો છે. કોઈને ઘણા લાંબા સમયે મળતા હોઈએ ત્યારે અનાયાસે જ ‘તમે બહુ દુબળા થઈ ગયા’ કે ‘તમારું વજન સહેજ વધ્યું જણાય છે’ જેવાં વાક્યોની આપ-લે આપણે ત્યાં સામાન્ય વ્યવહાર છે. આપણી સંસ્કૃતિનું આ એ હદે અભિન્ન અંગ બની રહ્યું છે કે આવું ન પૂછવામાં આવે તો લોકોને ખરાબ લાગી જાય છે. જીવનના ઉત્તરાર્ધમાં પશ્ચિમી દેશોમાં સ્થાયી થયેલાં વડીલો ત્યાંના તંત્ર અને તેની કાર્યપદ્ધતિની ભરપૂર અને વાજબી પ્રશંસા કરે છે, પણ તેમને ‘દેશ’ના ‘સામાજિક’ વાતાવરણની ખોટ બહુ સાલે એમ જોવામાં આવ્યું છે. આને જ કદાચ સંસ્કૃતિભેદ કહી શકાય.
હમણાં એપ્રિલ, 2025ના પૂર્વાર્ધમાં થાઈલેન્ડનું એક રેસ્તોરાં સાવ જુદાં જ કારણોસર સમાચારમાં ચમક્યું. આ રેસ્તોરાંવાળાએ બહાર પાંચ ઊભા સળિયા અલગ અલગ અંતરે ઊભા કરીને એક ફ્રેમ બનાવી હતી. સૌથી પહેલાં બે સળિયા વચ્ચેનું અંતર સાવ ઓછું, એ પછી એ અંતર સહેજસાજ વધતું જાય. સૌથી સાંકડી જગ્યા ધરાવતા સળિયાની વચ્ચેથી જે ગ્રાહક પસાર થઈ શકે એને વીસ ટકા વળતર, એ પછી વળતર પાંચ પાંચ ટકા ઘટતું જાય અને છેલ્લે પાંચ ટકા વળતર પછીના સળિયા વચ્ચે એકદમ પહોળી જગ્યા હોય. આનો અર્થ એટલો કે સાવ પાતળી વ્યક્તિ જે ઓછી જગ્યામાંથી નીકળી શકે એ 20 ટકા વળતરની હકદાર બને, એ પછી અનુક્રમે 15, 10 અને 5 ટકા વળતર મળે. એટલે કે શરીર વધુ એમ વળતર ઘટતું જાય. આ ચાર પૈકી એકેમાંથી પસાર થઈ ન શકે એને કશું વળતર ન મળે અને પૂરેપૂરું બીલ ચૂકવવાનું થાય. હતું તો આ ગતકડું, પણ જે રીતે એ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર પ્રસર્યું એ પછી તેની પર જાતભાતની ટીપ્પણીઓ થઈ અને વિચારસ્વાતંત્ર્યનો ગજબનો પરચો જોવા મળ્યો.
તેના વિડિયોમાં એક ગ્રાહક પંદર ટકા વળતર ધરાવતા અવકાશમાંથી પ્રવેશવાનો પ્રયત્ન કરે છે અને તેના મિત્રો પાનો ચડાવે છે. જો કે, એ આમાંથી પસાર થઈ શકતો નથી અને આખરે પાંચ ટકા વળતરવાળી ફ્રેમમાંથી પસાર થાય છે. પહેલી વાર જોતાં આ દૃશ્ય રમૂજ પ્રેરે છે, પણ અનેક લોકોએ પોતાની અકળામણ ઠાલવી છે. આ રેસ્તોરાંના માલિકોને તેમણે અસંવેદનશીલ ગણાવ્યા છે. કેટલાકે તેમની પર ‘બૉડી શેમિંગ’નો તેમજ વજન બાબતે નકારાત્મક અભિપ્રાયને દૃઢ કરવાનો આરોપ મૂક્યો છે. એક જણે લખ્યું, ‘અમેરિકા હોત તો આની પર કોઈકે દાવો માંડી દીધો હોત.’ તો કોઈકે કહ્યું, ‘આમાં ખોટું શું છે? આને કારણે ભોજનસંબંધી સમસ્યાઓ વધી શકે છે. લોકોને ખાવાની મજા લેવા દો અને તગડા થવા દો.’ એક જણે એમ કહ્યું કે આ એક જ શારીરિક કસોટી છે કે જેને હું પસાર કરી શક્યો છું.
આમ જોઈએ તો, સામાન્યપણે કોઈ સ્વાસ્થ્યના હેતુથી બહાર ભોજન લેતું નથી. શોખ, આદત કાં જરૂરિયાતથી એમ થતું જોવા મળે છે. અમસ્તો પણ રજાઓમાં બહાર ભોજન લેવાનો પ્રવાહ આપણે ત્યાં હવે વધેલો જણાય છે. રેસ્તોરાંથી માંડીને શેરીના નાકે ઊભેલી લારીઓ પર ગ્રાહકોનાં ટોળેટોળાં જોવા મળે છે. ઘણાં ભોજનસ્થળોએ મૂળભૂત સ્વચ્છતાનો જ પ્રશ્ન હોય છે, ત્યાં ગ્રાહકના સ્વાસ્થ્ય અને શારીરિક બાંધાને લક્ષમાં કોણ લે? રેસ્તોરાં કે લારી ન કરી શકે એવાં લોકો ‘ક્લાઉડ કીચન’માં એટલે કે પોતાના ઘેર જ ‘બહારનું’ ભોજન તૈયાર કરી-કરાવીને ગ્રાહકોને પહોંચાડે એ ચલણ પણ પુષ્કળ વધ્યું છે. આવી ગળાકાપ સ્પર્ધા વચ્ચે કોઈ પણ રીતે ગ્રાહકોને આકર્ષવા માટે અવનવાં ગતકડાં વિચારીને અમલી બનાવાતાં હોય છે. તેનો મૂળભૂત આશય જ એ હોય છે કે એના વિશે વાત થાય, એ વધુ ને વધુ ચર્ચાય, એની પર સામસામા મતનો મારો થાય, કેમ કે, સાદા પ્રચારનો વ્યાપ અને અસર મર્યાદિત હોય છે.
પ્રવર્તમાન સમયમાં ‘નેટીઝન’ એટલે કે ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરતાં લોકોની સંખ્યા વધી છે. જગતની જ નહીં, બ્રહ્માંડની એકે એક બાબત પર, શક્ય એટલી ત્વરાએ પોતાનો મત આપવાને તેઓ પોતાનો મૂળભૂત અધિકાર ગણે છે. ઘણાને માટે આમ કરવું સમય પસાર કરવાનું સાધન છે, તો ઘણાં તેને પોતાની ફરજ પણ સમજે છે. આની સામે એક વાસ્તવિકતા એવી છે કે આ માધ્યમ પર ચર્ચાયેલા મુદ્દાનું ટકાઉપણું ખાસ નથી. આજે એક તો કાલે બીજો મુદ્દો ચર્ચાવા લાગે છે અને એની પર ‘નેટીઝન’ પોતાનો મત પ્રગટ કરવા માંડે છે. અપવાદ સિવાયના મોટા ભાગના કિસ્સે આવી ચર્ચા ‘ચાના કપમાં વાવાઝોડા’ સમી પુરવાર થાય છે. પોતાની મતિને સ્થિર રાખવાની, ભિન્ન મતનો આદર કરવાની તેમજ અધૂરી જાણકારી થકી અભિપ્રાય ફેંકવાથી બચવાની અઘરી કવાયત કરી શકનારા ઓછા ‘નેટીઝન’ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.