બોલિવૂડમાં સફળતા મેળવવી એક વાત છે અને વૈશ્વિક સ્તરે નામના મેળવવી એક અલગ વાત છે. બોલિવૂડમાં એવા ઘણા એક્ટર્સ છે જેમણે હોલિવૂડમાં પણ પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હોય જેમકે, ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, મલ્લિકા શેરાવત અને હુમા કુરેશી. આ બધા એક્ટર્સએ હોલિવૂડમાં જવા માટે ઘણા પ્રયત્નો કર્યાં. તેમાના કેટલાક નિષ્ફળ રહ્યા, કેટલાક આંશિક સફળ રહ્યા, તો કેટલાકને થોડી સફળતા હાથ લાગી. તેમ છતાં, પ્રિયંકા ચોપરાએ જે સફળતા મેળવી તેની તોલે કોઈ આવી શકે નહીં. પ્રિયંકાએ ફક્ત બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં પણ પોતાનું નામ કર્યું છે.
પ્રિયંકાએ ‘હીરો:લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ અને ‘અંદાઝ’ જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યાર બાદ ‘ઐતરાઝ’ ફિલ્માં નેગેટીવ ભૂમિકા કરીને અને પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કરી દીધા. બોલિવૂડમાં પ્રિયંકાની સફર ઘણી રસપ્રદ રહી. તેણે ક્રિશ, ડોન, ફેશન, ૭ ખૂન માફ અને બર્ફી જેવી યાદગાર ફિલ્મો કરી જેમાં તેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઇ અને વળી, તે બધી હીટ પણ રહી. આમ, પ્રિયંકાએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું પરંતુ, પ્રિયંકા અહીં અટકી નહીં. પ્રિયંકાના લક્ષ્યનું આકાશ હજી દૂર હતું જ્યાં તેણે હજી પહોંચવાનું બાકી હતું. પ્રિયંકાએ લગભગ ૧૦ વર્ષ સુધી પ્રયત્નો કર્યાં અને આખરે તેને હોલિવૂડમાં એક બ્રેક મળ્યો. પ્રિયંકાને સૌ પ્રથમ ‘બે વોચ’માં એક્ટિંગ કરવાની તક મળી અને ત્યાર બાદ, ‘ઇઝંટ ઈટ રોમેન્ટિક’, ‘ધ વાઈટ ટાઇગર’, ‘ધ મેટ્રીક્સ રીઝરેકશન’ અને ‘લવ અગેન’ જેવી ફિલ્મ્સ મળી. એમેઝોનની થ્રીલર સીરીઝ ‘સિટાડેલ’માં પ્રિયંકાને લીડ રોલ મળ્યો જેના માટે તેની ઘણી પ્રશંસા થઇ અને આ રીતે તેણે હોલિવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું. ‘ક્વાંટીકો’ જેવી થ્રીલર વેબ સીરીઝથી તે અમેરિકન નેટવર્ક ડ્રામા સીરીઝમાં ટોચ પર આવનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ એક્ટર બની. એવું નથી કે પ્રિયંકા સિવાય બોલિવૂડના અન્ય કોઈ એક્ટરને હોલિવૂડમાં કોઈ તક મળી જ નથી. અગાઉ, ઐશ્વર્યા રાયને ‘બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડીસ’, ‘ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસીસ’ અને ‘ધ પિંક પેન્થર -2’ જેવી ફિલ્મમાં કામ કરવાની તક મળી. દીપિકા પદુકોણને ‘XXX :રીટર્ન ઓફ ઝાંડર કેજ’માં વિન ડીઝલ સાથે એક્ટિંગ કરવા મળી હતી. તે ઉપરાંત, મલ્લિકા શેરાવતને ‘હિસ્સ’ અને ‘પોલીટીક્સ ઓફ લવ’માં નજીવો રોલ મળ્યો. આમ, પ્રિયંકાની જેમ હોલિવૂડમાં કોઈનું પણ ફૂલ ફ્લેજ કરિયર બન્યું નથી. પ્રિયંકાનું નામ ઇન્ટરનેશનલ સ્ટાર્સ સાથે લેવામાં આવે છે.

ઘણા એવી દલીલ કરે કે પ્રિયંકાએ અમેરિકન પોપ સિંગર નીક જોનાસ સાથે લગ્ન કર્યાં તે માટે તેને આટલી લાઇમલાઈટ મળે છે, તેના કારણે તેને હોલિવૂડમાં ઓળખતા થયા છે. પરંતુ, આ વાતમાં કોઈ તથ્ય નથી. ખરેખર તો નીક જોનાસ સાથે લગ્ન થયા તે પહેલાં જ પ્રિયંકાએ હોલિવુડમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. પ્રિયંકાએ જેટલું નક્કર કામ હોલિવૂડમાં કર્યું છે તેવું અત્યાર સુધી કોઈ પણ અભિનેત્રી એ કર્યું નથી. હાલમાં, સુત્રોના જણાવ્યા પ્રમાણે, અનન્યા પાંડે પણ હોલિવૂડમાં કામ મેળવવા માટે પ્રયત્ન કરી રહી હતી. તેણે ઘણા વિદેશી પ્રોજેક્સ માટે ઓડીશન આપ્યા. પરંતુ, મોટાભાગે તેને દરેક જગ્યાએથી સારો પ્રતિસાદ મળ્યો નથી. અનન્યા ભારતમાં ભલે ખૂબ પ્રસિદ્ધ હોય અને યુવાનોમાં તેનું કામ ગમતું હોય પણ, આંતરરાષ્ટ્રીય સ્તરે હજી તેણે ઘણું કામ કરવાનું બાકી છે. સ્ત્રોત કહે છે કે, હાલમાં જ અનન્યા એ એક હોલિવૂડના મોટા પ્રોજેક્ટ માટે ઓડીશન આપ્યું અને તેનું પરફોર્મન્સ ઘણું ખરાબ ગયું. તે એટલું ખરાબ હતું કે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેની મજાક ઉડાવી દીધી. આ વાતથી અનન્યા દુઃખી થઇ ગઈ અને તે અપમાનિત થયાની લાગણી અનુભવવા લાગી. તે લગભગ રડી પડી અને તેને પોતાની ટીમ પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેની ટીમના એક સભ્યને પણ કાઢી મુક્યો. કારણ એ હતું કે તેણે અનન્યાની તાકાત અને નબળાઈ સમજ્યા વિના જ તેને ઓડીશન માટે મોકલી દીધી. આના પછી તેની ટીમ વધારે સાવધ રહીને કામ કરી રહી છે અને સમજી વિચારીને કરારો કરે છે. આ બધું એટલા માટે કે અનન્યા તેની આંતરરાષ્ટ્રીય છબી સારી બનાવી શકે. તે એક ખાસ પ્રકારની સુંદર અને મહત્વાકાંક્ષી ઈમેજ બનાવવા માંગે છે જેથી વિદેશી ડાયરેક્ટરો તેને નોટીસ કરે. તેની ટીમ પણ આ વાતને સમર્થન આપે છે . અનન્યા નવા શોનું ટાઈટલ પણ અંગ્રેજીમાં રાખવાનો આગ્રહ રાખે છે. તેનું વિચારવાનું છે કે અંગ્રેજી ટાઈટલથી આ શો વિશ્વભરના લોકો જોઈ શકશે. આનાથી તેને વિદેશી કામ મેળવવાની તક વધશે. શોનું કન્ટેન્ટ પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું રાખવાની તૈયારી ચાલી રહી છે. અનન્યા ગમે તેટલા પ્રયત્ન કરે પણ જે સફળતા પ્રિયંકા ચોપરાએ મેળવી છે તે સફળતાથી અનન્યા કે અન્ય કોઈ પણ એક્ટ્રેસ હજી ઘણી દૂર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવી એ કઈ નાની સુની વાત નથી, તેના માટે ઘણી મહેનત લાગે છે, ઘણા પ્રયત્નો કરવા પડે છે. પ્રિયંકાને તેની મહેનતથી આ આંતરરાષ્ટ્રીય સ્થાન મળ્યું છે અને હાલના તબક્કે જોતા એમ લાગે છે કે કઈ બધા જ પ્રિયંકા ચોપરા જેવી સફળતા ન મેળવી શકે, બધા જ પ્રિયંકા બની શકતાં નથી! •