બે દેશ સરહદના મામલે સામસામે લડે, ગોળીબાર કરે તેવું સાંભળ્યું હતું પરંતુ એક જ દેશના બે રાજ્યો વચ્ચે સરહદ માટે લડાઈ થાય તે નવાઈની વાત છે. ભારતમાં તાજેતરમાં આસામ અને મિઝોરમ, એમ બે રાજ્યો વચ્ચે સરહદના મામલે સંગ્રામ થયો અને હજુ સુધી તે થંભ્યો નથી. સંભવત: થંભશે પણ નહીં. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ હજુ સમજવા તૈયાર નથી તેમાં તો મિઝોરમ દ્વારા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા પર એફઆઈઆર પણ કરી દેવામાં આવી છે. બંને મુખ્યમંત્રીઓ દ્વારા હાલમાં એકબીજા સાથે ફોન પર વાત કરવામાં આવી છે. જેથી કોઈક ઉકેલ આવવાના એંધાણ મળ્યાં છે. પરંતુ આ બે રાજ્યો વચ્ચેની માથાકૂટનો કાયમી ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે. બે રાજ્યો વચ્ચે આ મડાગાંઠ કેમ છે અને કેટલા સમયથી ચાલી રહી છે તે પણ જાણવું ઘણું જ રસપ્રદ છે.
હકીકતમાં આસામ અને મિઝોરમનો આ વિવાદ એક સદી કરતાં પણ વધારે જૂનો છે. આ વિવાદ પાછળ અગાઉ વર્ષ 1875 અને 1933માં અંગ્રેજોએ બનાવેલા બે નિયમ જવાબદાર છે. હાલના આસામ અને મિઝોરમનો કછાર રાજ્યમાં સમાવેશ થતો હતો. 1830 સુધી કછાર એક સ્વતંત્ર રાજ્ય હતું, 1832માં અહીંના રાજાનું મૃત્યુ થતાં તેમનો કોઈ ઉત્તરાધિકારી નહીં હોવાને કારણે ડોક્ટ્રિન ઓફ લેપ્સ હેઠળ આ રાજ્યને ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કબજે કરીને બાદમાં તેને બ્રિટિશ રાજમાં ભેળવી દેવામાં આવ્યું હતું. બ્રિટિશરોની યોજના મિઝો હિલ્સની તળેટી પર ચાના બગીચા ઊભા કરવાની હતી પરંતુ સ્થાનિક મિઝો તેનો વિરોધ કરતાં હતાં. જેને કારણે બ્રિટિશરો દ્વારા ઘૂસણખોરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘૂસણખોરી વધી જતાં બ્રિટિશ સરકારે 1875માં ઇનર લાઇન રેગ્યુલેશન (ILR) લાગુ કરવામાં આવ્યું, જેથી આસામમાં પર્વતીય અને આદિવાસી વિસ્તારોને અલગ કરી શકાય. મિઝો ટ્રાઇબ્સ એનાથી ખુશ હતા.
તેમને એવું લાગ્યું કે કોઈ તેમની જમીન પર કબજો નહીં કરી શકે. પણ 1900માં બ્રિટિશ સરકારે કછાર અને મિઝો હિલ્સની વચ્ચે સત્તાવાર રીતે સરહદ રેખા બનાવી દીધી અને આ પ્રક્રિયામાં મિઝો ટ્રાઇબ્સને સામેલ કરવામાં આવ્યું ન હતું. મિઝોએ નવી સરહદનો વિરોધ કર્યો અને 1875માં ILRને ફરીથી લાગુ કરવાની માગ કરી. 1875ના કાયદાને કારણે આસામના જે કેટલાક વેપારીઓ પર્વતીય પ્રદેશમાં જઈને ત્યાં વસતા લોકો સાથે વેપાર કરતા હતા તેમના પર કેટલાંક નિયંત્રણો આવી ગયાં એટલે તેમણે સરકારમાં લાગવગ વાપરી 1933માં નવો કાયદો પસાર કરાવ્યો. આ કાયદા મુજબ આસામના કાચર જિલ્લાને લુશાઇ હિલ્સ ઉપરાંત મણિપુરનાં રજવાડાંથી અલગ પાડવામાં આવ્યો. તેમાં લુશાઇ હિલ્સનો કેટલોક ભાગ મણિપુરમાં અને કેટલોક ભાગ આસામમાં જતો રહ્યો.
અગાઉ જે 1300 ચોરસ કિલોમીટર જેટલું જંગલ લુશાઇ હિલ્સમાં હતું તે આસામના કચાર જિલ્લામાં જતો રહ્યો. આ ફેરફાર મિઝોના વનવાસી નેતાઓને વિશ્વાસમાં લીધા વિના જ કરી દેવામાં આવ્યો હતો. આ ફેરફાર કરવા માટે મિઝોના વનવાસી જાતિના નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા. 1950ના વર્ષમાં આસામને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. તે સમયે આસામમાં ભારતના હાલના રાજ્યો અરૂણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમનો સમાવેશ થતો હતો.
1971માં નોર્થ ઈસ્ટર્ન એરિયા (રિઓર્ગેનાઈઝેશન) એક્ટ દ્વારા મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને આસામથી અલગ પાડી નવા રાજ્યો બનાવવામાં આવ્યાં. 1972માં મિઝોરમને આસામથી અલગ પાડીને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ નક્કી કરવા માટે 1875નો નહીં પણ 1933નો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 10 કિ.મી. જેટલો જંગલનો પટ્ટો આસામના કબજામાં આવતો હતો. 1987માં મિઝોરમનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે પણ આ પટ્ટો આસામના ફાળે આવ્યો હતો. મિઝોરમના નેતાઓ દ્વારા ત્યારે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ કેન્દ્રમાં આસામની વગ વધુ હોવાથી મિઝોરમની વાત કેન્દ્રે સાંભળી નહોતી.
1987માં મિઝોરમના મિઝો ટ્રાઈબ્સ અને કેન્દ્ર સરકાર વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. આ કરારને મિઝો પીસ રેકોર્ડ તરીકે નામ આપવામાં આવ્યું અને તેમાં 1933ના બ્રિટિશ શાસનના એગ્રીમેન્ટનો આધાર લેવામાં આવ્યો. જોકે, તે સમયે મિઝો ટ્રાઈબ્સ દ્વારા વિરોધ કરાયો અને કહેવામાં આવ્યું કે તેઓ 1875માં જે આઈએલઆર બોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો તે રીતે જ સરહદને માનશે. મિઝો પીસ રેકોર્ડ પર 30મી જૂન, 1986ના રોજ મિઝોરમના નેતાઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં. આ રેકોર્ડમાં સરહદ નક્કી કરવામાં આવી હતી પરંતુ મિઝોરમનું કહેવું એવું છે કે તે 1986 પ્રમાણેની સરહદ માનવા માટે તૈયાર નથી.
સરહદ માટે 1875ના નિયમોનું પાલન થવું જોઈએ. આસામ અને મિઝોમની સ્થિતિ એવી છે કે તેની સરહદ કાલ્પનિક જ છે. નદી, પર્વત, જંગલ પ્રમાણે આ સરહદ બદલાય છે અને સાથે સાથે સામાજિક સ્થિતિએ તેને વધુ વિકટ બનાવી છે. આસામના સરહદી વિસ્તારોમાં બંગાળી રહે છે. ખાસ કરીને મુસ્લિમ બંગાળી. સ્થાનિક લોકો તેને સ્થળાંતરિત લોકો તરીકે ઓળખે છે. આસામ અને મિઝોરમની સરહદ ત્રણ જિલ્લાથી જોડાયેલી છે. મિઝોરમના ત્રણ જિલ્લા-આઈઝોલ, કોલાસિબ અને મમિતની સાથે આસામના કછાર, કરીમગંજ અને હૈલાકાંડી જોડાયેલા છે. આ જિલ્લાઓ વચ્ચે 164 કિ.મી.ની સરહદ છે. આ સરહદ જ મોટા વિવાદનું કારણ છે.
સરકારે જે 10 કિ.મી.નો જંગલનો પટ્ટો આસામને આપી દીધો પરંતુ મિઝોરમના લોકો આ જમીનને પોતાની જ ગણીને તેની પર ખેતીવાડી કરે છે. આ જગ્યા પર મિઝોરમના જ જંગલ ખાતા દ્વારા કુટિરો પણ બનાવવામાં આવી છે. 2019માં આસામ અને મિઝોરમ દ્વારા આ જમીનનો ‘નો મેન્સ લેન્ડ’ તરીકે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ મિઝોરમના લોકો તેના પરથી હટવા તૈયાર નથી. બીજી તરફ આસામમાં રહેતા બાંગ્લાદેશી મુસ્લિમોનો આ જગ્યા પચાવી પાડવા માટે મથી રહ્યાં છે. અગાઉ પણ આ મામલે માથાકૂટ થઈ હતી અને ત્યારે 2020માં આસામના લોકો દ્વારા મિઝોરમની જીવાદોરી સમાન હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
આસામ સરકાર દ્વારા વિધાનસભામાં એવું કહેવાયું છે કે મિઝોરમના લોકો દ્વારા બરાક ખીણ પ્રદેશના આસામના ત્રણ જિલ્લામાં 1,777.58 હેક્ટર જમીન પર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો છે. એમાં સૌથી વધુ હેલાકાંદી જિલ્લામાં 1000 હેક્ટર , કછારમાં 400 હેક્ટર અને કરીમગંજમાં 377.58 હેક્ટર જમીન પર ગેરકાયદે કબજો છે. સામે મિઝોરમે 16 જુલાઈએ આરોપ લગાવ્યા હતા કે આસામ તેની જમીન પર દાવો કરી રહ્યું છે. આ સરહદી ગામોમાં 100 વર્ષથી વધુ સમયથી મિઝો રહે છે. જ્યારે પણ વિવાદ થાય છે ત્યારે આસામ દ્વારા હાઈવે બંધ કરીને મિઝોરમના લોકોનું નાક દબાવવામાં આવે છે.
આસામનો માત્ર મિઝોરમ સાથે જ સરહદનો ઝઘડો હોય તેવું નથી. આસામને પોતાની સાથે જોડાયેલા અન્ય ચાર રાજ્યો સાથે પણ સરહદનો ઝઘડો છે. આ રાજ્યો અગાઉ આસામનો જ ભાગ હતાં. આસામનો અન્ય રાજ્યો સાથેનો ઝઘડો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બાઉન્ડરી કમિશનની રચના કરવા માટે જણાવ્યું છે પરંતુ મિઝોરમ દ્વારા બાઉન્ડરી કમિશનની રચના કરી દેવામાં આવી છે પરંતુ આસામ બાઉન્ડરી કમિશન રચવા કરવા માંગતું નથી. જેથી હજુ સુધી સરહદના વિવાદનો ઉકેલ આવી શક્યો નથી.
કેન્દ્ર સરકારે પણ હજુ સુધી એવો કોઈ રસ બતાવ્યો નથી. હકીકતમાં કેન્દ્ર સરકારે આ મામલે રસ લઈને બાઉન્ડરી કમિશનની રચના કરી તેનો ઉકેલ લાવવો જોઈએ. હાલમાં આસામ અને મિઝોરમ, બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર છે. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે ત્યારે આ વિવાદનો ઉકેલ આવી શકે તેમ છે. બાઉન્ડરી કમિશન દ્વારા નક્કી કરીને નવી સરહદ નિયત કરી દેવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી જાય. ઉલ્લેખનીય છે કે, ભારત દેશને આઝાદ થયાને 74 વર્ષ પુરા થશે પરંતુ એ વિટંબણા છે કે ભારતના જ રાજ્યો સરહદ મામલે લડી રહ્યાં છે.