Business

સપનાં આમ પણ રણકે…!

વડીલો પાસેથી  ઘણી વાર સાંભળ્યું છે: ‘ટીપે ટીપે સરોવર ભરાય..’ અને ‘ ઢીંકે ઢીંકે શ્વાસ જાય…’. આ કહેવત-ઉક્તિ બે જુદા જુદા પ્રાંતમાં વસતા બે યુવાનોએ  સાંભળી છે કે એનો અર્થ એ બન્ને જાણે છે  તે આપણે નથી જાણતા પણ એ બન્નેએ આ  વાત ખરા અર્થમાં ચરિતાર્થ કરી દેખાડી છે ખરી. વાત જરા વિગતે જાણીએ: અહીં આપણે બે યુવાનોની વાત કરવાની છે. એમાંથી એક તમિલનાડુના જાણીતા શહેર સાલેમનો છે અને બીજો આપણા ગુજરાતના મહેસાણા શહેરનો છે. સાલેમના યુવકનું નામ છે વી. બોબથી. આ બોબથી ગ્રેજયુએટ છે અને કમ્પ્યુટર ઑપરેટિંગનું કામ જાણતો હોવાથી સોશ્યલ મીડિયાનો જાણકાર. એમાંથી એને  ‘You Tube’નો ચસ્કો લાગ્યો. પોતાની વીડિયો ક્લિપ બનાવીને પોસ્ટ કરવા લાગ્યો. એમાંથી એને થોડી થોડી આવક થવા લાગી. યુવાનવયે દરેકનું સપનું હોય છે પોતાની પણ એક બાઈક હોય. 

યુવાન બોબથી કમાતો થયો ત્યારથી સપનું સાકાર કરવા આવકમાંથી એ રોજ થોડા થોડા સિક્કા -પરચૂરણ અલગ તારવવા લાગ્યો. જે બાઈક એ ખરીદવા ઈચ્છતો હતો એની 3 વર્ષ પહેલાં કિંમત ૨ લાખ રૂપિયા હતી, જે આજની તારીખે વધીને 2 લાખ 60 હજાર થઈ ગઈ હતી છતાં આ યુવાન હિંમત ન હાર્યો. બચત રૂપિયામાં બચે તો બોબથી પાસેની હૉટેલ -રેસ્ટૉરાં- મંદિરમાં જઈ એના સિક્કામાં બદલીને લઈ આવે પછી એક સંદુક-બેગમાં સંઘરી રાખે. બચતને એ રોકડા રૂપિયામાં ન પલટાવે કારણ કે એની ઘેલછા જેવી ખ્વાહીશ હતી કે ઢગલાંબંધ પરચૂરણ એકઠું કરી કોઈ વાહનના શો-રૂમમાં જઈ ત્યાં સિક્કાનો ઢગલો કરી બાઈક ખરીદે!  તાજેતરમાં એક દિવસ એને થયું કે કેટલી રકમ એકઠી થઈ એ જોવું જોઈએ.

એણે રાખેલા હિસાબ મુજબ એની બચત 2 લાખનો આંક વટાવી ચૂક્યો હશે એવું ધારીને એ પોતાના શહેરમાં વાહનો વેચતી એક જાણીતી કંપનીના માલિકને મળ્યો. ચેક-ડ્રાફ્ટ કે રોકડી રકમથી નહીં પણ એ રણકતા સિક્કાથી પોતાની મનપસંદ બાઈક ખરીદવા ઈચ્છે છે એ વાત બોબથીએ કહી. વાહન એજન્સીના માલિકે શરૂઆતમાં  ઘસીને ના પાડી દીધી કારણ કે બૅન્કવાળા આટલા બધા સિક્કા સ્વીકારે નહીં- સ્વીકારે તો 2 લાખથી વધુ સિક્કા ગણવાનો અલગ ચાર્જ લગાડે. ટૂંકમાં પેમેન્ટ તરીકે કરન્સીને બદલે રોકડા સિક્કા લેવામાં ઘણી કડાકૂટ હતી પણ પેલા યુવાન  બોબથીએ 3થી વધુ  વર્ષની કેવી જહેમત અને લગનથી બાઈકની રક્મ એકઠી કરી છે એ જાણ્યા  પછી વાહનવિક્રેતાએ હા પાડી.   બોબથી જે સિક્કા બેગ -કોથાળા લઈ આવ્યો હતો એ ગણવા માટે પોતાના પૂરા સ્ટાફને કામે લગાડી દીધો. 10 કલાકની જહેમત પછી સિક્કાનો સ્કોર 2 લાખ 60 હજારથી પણ ઉપર પહોંચી ગયો. જોઈતી રકમ રાખીને વાહનવિક્રેતાએ  સપનું રણક્તું થયું એથી ખુશખુશાલ યુવાન બોબથીને એની મનપસંદ બ્રાન્ડની બાઈકની ડિલિવરી આપી!  

આ ઘટનાની સમાંતરે જ મહેસાણામાં પણ એક યુવાને પોતાના મનપસંદ વાહન માટે તમિલનાડુના બોબથીની જેમ જ સિક્કાઓની બચત કરી હતી. છૂટક દૂધના વેપારની કમાણીમાંથી એણે એક-બે-પાંચના સિક્કાનું પરચૂરણ અલગ તારવ્યું હતું. પોતાનું નામ ન પ્રગટ કરવા ઈચ્છતા આ યુવાને રૂપિયા 90 હજારનાં એ પરચૂરણથી  ‘એક્ટિવા’ ખરીદ્યું. વાહન શો-રૂમના સ્ટાફે ચાર કલાકની જહેમત પછી આ 90 હજારનું પરચૂરણ આનંદથી ગણી આપ્યું હતું ..કોઈનાં સપનાં પૂરાં કરવામાં આવો સાથ આપવો કોને ન ગમે?!

જોડિયાંની જોરદાર એન્ટ્રી…

છેલ્લાં કેટલાંક વર્ષથી જોડિયાં બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આવું તારણ હમણાં અમેરિકાના તબીબી જર્નલ: ‘હ્યુમન રિપ્રોડકશને’ રજૂ કર્યું છે. આ જર્નલ કહે છે કે લગ્ન પછી અમુક વર્ષ સુધી સંતાનની પળોજણમાં ન અટવાઈ જવાની દંપતીની વૃત્તિ અથવા પાછલી આયુએ લગ્ન કે પછી કોઈ શારીરિક સમસ્યા હોય તો નિ:સંતાન લોકોની સંખ્યા વધી રહી છે એટલે સંતાનઈચ્છુક યુગલો કૃત્રિમ ગર્ભાધાનની ટ્રીટમેન્ટ કરાવી રહ્યાં છે અને આવી સારવારમાં ટિવન્સની શક્યતા વધી જાય છે. 80ના દાયકામાં પ્રતિ 1000 નવજાત શિશુમાં 10 થી 12 જોડિયાં જન્મતાં. આજે આ સરેરાશ ઘણી વધી છે. દર વર્ષે હવે 16 લાખ જોડિયાંનો જન્મ થાય છે. બીજા શબ્દોમાં કહો તો દર 42 શિશુમાં 1 ટવિન્સ હોય છે. આ વધતી જતી જોડિયાં બાળકોની સંખ્યા જોઈને કવિ શોભિત દેસાઈ હળવા મિજાજમાં કહે છે કે આજના અશાંત જગતમાં પ્રવેશતાં નવું બાળક હેબતાઈ ન જાય એટલે ઈશ્વર પણ એની હિંમત વધારવા – એને કંપની આપવા એક વધારાનું બાળક જોડીદાર તરીકે મોકલે છે…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
મોટરકારની શોધ થઈ. એનો નિયમિત વપરાશ શરૂ થયો એ સૈકાઓ પૂર્વે મહાનગરોની વસતિ પાંખી ને એમાંય કાર ધરાવનારાય ઓછાં છતાં ય એ વખતની  લંડન મહાપાલિકાને થયું કે કારને કારણે અમુક-તમુક રસ્તાઓ પર ટ્રાકિક જામ થઈ જતાં એવી અંધાધૂંધી ફેલાય છે કે રાહગીરોને માર્ગ પર ચાલવાની મુશ્કેલી વધી જાય છે. આ નિવારવા ત્યાંના સત્તાવાળાએ લંડનના અમુક માર્ગને ‘વન-વે સ્ટ્રીટ’ જાહેર કર્યા હતા. વિશ્વનો આ સૌ પ્રથમ ‘એકતરફી માર્ગ’નો નિયમ અમલમાં આવ્યો 11 ઑગસ્ટ, 1611માં! જો કે, આ પહેલાં ‘અમુક રસ્તા જોખમી છે’ એવા ખતરો દર્શાવતાં ખોપડીની આકૃતિ સાથે  સ્ટ્રીટ સાઈનબોર્ડ લંડનમાં સૌ પ્રથમ લગાડવામાં આવ્યાં હતાં છેક ૧૮૭૯માં…. મજાની વાત એ હતી કે આવાં સાઈનબોર્ડ કારચાલકોને ચેતવવા માટે નહીં પણ બાઈસિકલ-  સવારો માટે હતાં!
* ઈશિતાની એલચી *
હવે તો શિયાળ સુદ્ધાં માનવા લાગ્યાં છે કે ખંધાઈમાં પાવરધા થવું હોય તો માણસ જેવો ઉત્તમ ગુરુ કોઈ નથી!!

Most Popular

To Top