Comments

તમે કોઈ સંપ્રદાયના સ્વામી હો તો ભલે પણ સ્ત્રીઓના મૂળભૂત અધિકારનું કોઈ માન જાળવવાનું કે નહીં?

પરિવર્તનશીલતા પ્રગતિની નિશાની છે. કોઈ પણ સમાજની પ્રગતિ ત્યારે થાય કે જ્યારે વૈજ્ઞાનિક સમજ કેળવાતાં સામાજિક પ્રથાઓ બદલાય અને સમય સાથે સુસંગત થાય. જે સમય અને સંજોગો પ્રમાણે બદલાતું નથી એના તૂટવાની શક્યતા વધુ રહે છે. પરિવર્તન સરળ તો નથી અને એક સીધી લીટીમાં ચાલતી પ્રક્રિયા પણ નથી. એમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે. નવા સંજોગો સાથે સમાજ અનુરૂપ થઈ રહ્યો હોય ત્યારે એને પાછળ ખેંચતાં પરિબળો પણ હોવાનાં. જૂની પ્રથા અને વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર એમાંથી સત્તા ભોગવનાર ખાસ પડવાની. આવી ખેંચતાણ કેટલી ટકે છે એ સમાજની સામુહિક પ્રતિક્રિયા પર રહેવાની. 

મહિલાઓના સામાજિક દરજ્જા સંદર્ભે વાત કરીએ તો વિશ્વભરમાં ઘણી પ્રગતિ થઈ છે. સમાજની પ્રગતિ માટે સ્ત્રીઓનું બરોબરીનું યોગદાન છે એ હવે સ્વીકૃત વાત છે, એટલે જો સ્ત્રીઓની આર્થિક, રાજકીય કે સામાજિક પ્રવૃત્તિ અવરોધાય તો કેટલું આર્થિક નુકસાન થાય એની ગણતરી પણ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ થાય છે. જ્યાં કટ્ટર ધાર્મિક શાસન છે એ દેશોના અપવાદ સિવાયના દેશોની સરકાર સ્ત્રીઓને મુખ્ય ધારામાં લાવવા પ્રયત્નો કરતી રહે છે. અલબત્ત જૂનવાણી પ્રતિક્રિયા અવારનવાર અડચણ ઊભી કરવાની. આવા સંજોગોમાં સમાજની પ્રતિક્રિયા સમાજનો વૈજ્ઞાનિક અભિગમ અને પ્રગતિ માટેનો મુડ દર્શાવે છે.

દા.ત. 22 અને 23 જૂન 2024ના રોજ સી.એ. કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા કલક્તામાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં બનેલ પ્રસંગ. આ કોન્ફરન્સમાં આશરે 3600 લોકો ભાગ લઈ રહ્યાં હતાં. અતિથિવિશેષ તરીકે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી જ્ઞાનવાત્સલ્યને આમંત્રિત  કરાયા હતા. જેમણે કાર્યક્રમમાં પહોંચતાં પહેલાં આયોજકોને સ્થળ પરથી મહિલાઓને દૂર કરવાની તાકીદ કરી! નહીં તો તેઓ કાર્યક્રમ છોડીને જતાં રહેશે એવી ધમકી આપી! પરિણામે પ્રેક્ષકોના આશ્ચર્ય વચ્ચે માઇક ઉપર મહિલાઓને  પહેલી પાંચ  હરોળ ખાલી કરી પાછળ જતાં રહેવા માટેની સૂચના આપતી જાહેરાત થઈ.

મહિલા સ્વયંસેવકોને પણ સ્ટેજ પરથી ઊતરી જવાનું કહેવાયું.  21મી સદીમાં, ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI) જેવી  પ્રોફેશનલ સંસ્થાના, કલકત્તા જેવા શહેરમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં આ બન્યું, કારણકે કાર્યક્રમમાં આમંત્રિત અતિથિ માટે મહિલાઓનો ચહેરો પણ જોવો વર્જિત હતો!  માનવામાં ન આવે એવી વાત છે,  પણ, આવું બન્યું. આયોજકોએ સ્થળ પર મોજૂદ મહિલાઓના સન્માનને બદલે અતિથિશ્રીનું સન્માન જાળવ્યું! કદાચ પ્રસંગ સાચવી લેવા માટે ત્યાં મોજૂદ મહિલાઓએ પણ ખાસ વિરોધ ના કર્યો!

વિરોધાભાસ તો જુઓ, આ જ મંચ પરથી સ્વામીજીએ 2047 સુધી ભારતને ‘વિકસિત’ અને ‘વિશ્વગુરુ’ બનાવવાની વાત કરી! મહિલાઓનું  જાહેરમાં સન્માનભંગ કરી ‘વિશ્વગુરુ’ બનવાનું ધ્યેય? બીજો વિરોધાભાસ જુઓ. આ જ પ્રસંગે, ICAI ના પ્રેસિડન્ટ શ્રી રણજીત કુમાર અગ્રવાલે કહ્યું કે ભારતમાં સી.એ. તરીકે કારકિર્દી પસંદ કરતી મહિલાઓની સંખ્યા વધતી જાય છે. 2023માં સી.એ.ની પદવી  મેળવનારમાં 43 ટકા મહિલા હતી. દેશના આર્થિક-નાણાંકીય અને બેંકિંગ ક્ષેત્રે વધુ સ્ત્રીઓ યોગદાન આપે એ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ  ICAIનું ધ્યેય હોવાનું જણાવ્યું!

મહિલાઓની જાહેર પ્રવૃત્તિમાં ભાગીદારીને અવરોધવાને સમર્થન આપીને ICAI આ ધ્યેય કઈ રીતે હાંસલ કરશે? માનવ સભ્યતાનો વિકાસ આજે એ મુકામે છે કે આવો એકાદ પ્રસંગ ટ્રેન્ડ સેટર નથી બનવાનો. છતાં એની નોંધ લેવી અને પ્રતિકાર કરવો જરૂરી છે કારણકે એ સમાજના સામુહિક મૂલ્યો અને માનસિકતાને અસર કરે છે. જ્ઞાનવાત્સલ્ય સ્વામીએ આવું પહેલી વાર નથી કર્યું. 2019માં ઇંડિયન મેડિકલ એસોસીએશનની જયપુરમાં યોજાયેલી કોન્ફરન્સમાં પણ એમણે આ શરત મૂકી હતી. જ્યાં પ્રારંભિક વિરોધ પછી મહિલા ડોક્ટરો ત્રણ હરોળ પછી બેસવા તૈયાર થયાં છતાં નારાજ થયેલા સ્વામી પ્રવચન આપ્યા વિના સ્થળ છોડી જતાં રહ્યા હતા. તેઓ જાહેર પ્રવચન માટે આ શરત હમેશાં મૂકે છે. તો સવાલ એ થાય છે કે મેડિકલ એસોસીએશન કે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવી પ્રોફેશનલ સંસ્થાઓએ એમને શા માટે આમંત્રણ આપવું જોઈએ?

ધર્માચરણ માટે બ્રહ્મચર્યનો સ્વીકાર અને પાલન એ વ્યક્તિની અંગત પસંદગીનો વિષય છે. સ્ત્રીનું મોઢું ના જોવાનો નિયમ ભલે પ્રતિગામી અને પ્રગતિને અવરોધક હોય, પણ જો એના આચરણનો દાયરો અંગત રહે ત્યાં સુધી એનો આદરપૂર્વક સ્વીકાર પણ થાય. પણ, જ્યારે એની અસર અન્ય લોકોના જાહેર જીવન પર પડતી હોય તો એ અંગત વિષય નથી રહેતો. અહીં તો મહિલાઓના મુક્ત રીતે હરવા ફરવાના તેમજ જાહેર જીવનમાં ભાગીદાર બનવાના પર અસર પડે છે, જે તેમનો મૂળભૂત અધિકાર છે.  વ્યક્તિગત નિયમના પાલન માટેની સગવડ ઊભી કરવાની જવાબદારી મહિલાઓ પર થોપવામાં આવે તો એ મહિલાઓ વિરુધ્ધનો ભેદભાવ જ ગણાય.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top