Columns

જીવનમાં ભલે બધું હારી જઈએ પરંતુ ‘હિંમત’ કયારે પણ હારશો નહિ

એક વખત ચાર મિત્રોએ એક ઊંચા પહાડ ઉપર આરોહણ કરવાની યોજના ઘડી. બધા ઉપડયા. રસ્તામાં એક નદી આવી. એકે કહ્યું “નદી ઊંડી છે. આપણે ડૂબી જઈશું.’’ તે ગભરાઈને ત્યાં જ રોકાઈ ગયો. બાકીના ત્રણ મિત્રો, હિંમત રાખીને આગળ વધ્યા. આગળ ગાઢ જંગલ હતું. ત્રણમાંથી એકે કહ્યું “અહીં તો ઘણા ખૂંખાર જનાવરો છે’, તે ત્યાંથી જ પાછો ફરી ગયો. બાકીના બે મિત્રો આગળ વધ્યા. સામે પર્વત દેખાયો. ઊંચો પર્વત જોઇને એકે કહ્યું “આના ઉપર આરોહણ કરવું બહુ મુશ્કેલ છે”, તે ત્યાં જ રોકાઈ ગયો. છેવટે, ચારમાંથી ફકત એક જ પર્વતના શિખરે પહોંચી શક્યો. મિત્રો, આપણે એમાંથી એક ગુણ શીખ્યા અને તે ગુણ છે ‘હિંમત’.

આપણે વારંવાર એવા સમાચાર વાંચીએે, સાંભળીએે કે જોઈએ છીએ કે એક જાંબાઝ પોલીસ ઓફિસરે એક ખૂંખાર ચોરને પકડયો, આજે હિંમતવાન ફાયર ફાઈટરોએ મોટી આગ ઓલવી નાંખી, આજે એક વ્યક્તિએ તળાવમાં ડૂબતા બાળકને બચાવી લીધો, આપણા પોલીસે, લશ્કરના જવાનોએ આજે આટલા આતંકવાદીઓને પકડી લીધા. ઉપરના કામો કરવા માટે હિંમતની જરૂર હોય છે. તમને ખબર હશે કે આ પ્રકારની બહાદુરી કે વીરતાના કામોને, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દરેક વર્ષે પ્રોત્સાહન આપે છે. તેમાં પણ ખાસ કરીને બાળકોનું ગણતંત્ર દિવસે સન્માન પણ કરે છે.

હિંમતપૂર્વક ઉઠાવેલું એક નાનું પગલું પણ જીવનમાં ખૂબ મહત્ત્વ રાખે છે. એક મોટું વટવૃક્ષ કેટલી ઊંચાઇઓ પર પહોંચવા છતાં એ એક નાના બીજમાંથી ઉત્પન્ન થાય છે. કેટલા માળની ઈમારતોના બાંધકામનો પ્રારંભ નાના માટીના કે સિમેન્ટના ઢગલાથી થાય છે. જ્યારે માનવીની સફળતાનો શુભારંભ તેના એક પગલાથી શરૂ થાય છે. હિંમતનો સાચો અર્થ એ છે કે માનવીના મનમાં ડર હોવા છતાં, નકકી કરેલું કાર્ય કે ક્રિયા કરવી, પાર પાડવી. આપણે ડર ઉપર પકડ જમાવી લેવી જોઈએ. હિંમત એટલે જોખમ ખેડવું, ખુલ્લા દિલથી જીવન જીવવું, પોતાના વિચારોને, વાતોને, લાગણીઓને, ગુણોને, શકિતઓને અને કળાને યોગ્ય સમયે સારી રીતે પ્રગટ કરવા. દરેક કાર્ય માટે ‘હા’ કહેવી, અસફળતા મળે છતાં વિજયની લાગણી થવી.

સર એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વ્યકિત હતા. ઘણા ઓછા લોકોને ખબર છે કે એ તેમનો બીજો પ્રયત્ન હતો. પોતાના પ્રથમ પ્રયત્નમાં તેઓ અસફળ રહ્યા હતા. આ વાત એમણે એમના ભાષણમાં કરતા કહ્યું હતું કે પહેલા પ્રયત્ન વખતે હું શિખરથી માત્ર 50-60 ગજ દૂર હતો પરંતુ એક ડગલું આગળ વધી ન શકયો. એ વખતે મેં શિખર સાથે વાત કરી ‘ઓ શિખર, તારી ઊંચાઈ તો વધવાની નથી પરંતુ મારી હિંમત તો વધી શકે છે ને.

હવે પછી હું પૂરેપૂરી તૈયારી સાથે આવીશ અને તારી પર વિજય મેળવીશ’. એક કવિએ પોતાની પંકિતમાં લખ્યું છે કે ‘‘મરતા હૈ આદમી, સો બાર જનમ લેતા હૈ, હિંમત કી કુખસે અવતાર જનમ લેતા હૈ’’. હિંમતહીન બનાવનાર વિચારો કદી ન કરવા. જેવા કે, મારાથી આ નહીં થાય, ન જાણે લોકો શું વિચારશે?, મારામાં આ ક્ષમતા નથી, ન જાણે હું કરી શકીશ કે નહીં?, જો ન કરી શકીશ તો લોકો હાંસી ઉડાવશે, આ કામ તો મને આવડતું નથી, મારામાં આટલી લાયકાત નથી, આ કામ કરવામાં હું એકલો પડી જઈશ આવા નકારાત્મક વિચારો માનવીને હિંંમતહીન બનાવે છે, માટે આવા વિચારોને મનબુધ્ધિમાં પ્રવેશ આપવો નહિં.

હિંમત વધારવા માટે આપણે જુદી જુદી વિચારધારાને અપનાવીએ છીએ. (૧) કોઈ પણ કામને માટે ના પાડશો નહીં, ભલે એ કામ તમને આવડતું હોય કે ન આવડતું હોય પણ એ કામ માટે ઝંપલાવવું જરૂરી છે. ભલે નિષ્ફળ જઈએ, બીજી વખત, ત્રીજી વખત પરંતુ અંતે સફળતા અવશ્ય મળશે. (૨) પોતાની સાથે વાત કરતા શીખો. “આ કામ હું જ કરી શકું છું, મારાથી જ થશે, હું નહીં કરું તો બીજું કોણ કરશે? પોતાની જાતમાં વિશ્વાસ કેળવો. હું સારું કામ કરી શકું છું અને પોતાને સાક્ષી બનીને એ કાર્ય કરતા નિહાળો”,

(૩) તમે તમારા કાર્ય માટે જ્યારે હિંમતની જરૂર હોય છે ત્યારે તમારા માતા-પિતા, શિક્ષક, મિત્ર અને શુભચિંતકો પાસેથી પ્રોત્સાહન મેળવો. (૪) નકારાત્મક વિચારો વાળી વ્યકિતથી હંમેશાં દૂર રહો. જે તમને તમારા કાર્યમાં નિરૂત્સાહી બનાવે, તમારું મનોબળ ઘટાડે, તમારી હાંસી ઉડાવે એવી વ્યકિતઓથી દૂર રહો, એમની વાતો ધ્યાનમાં લેશો નહીં. (૫) અસફળતામાંથી પણ પ્રેરણા મેળવી હિંમતનો ધ્વજ હાથમાંથી છોડશો નહીં. અસફળતા આપણને શીખવે છે કે મારામાં કંઈ કસર રહી ગઈ, એમાં મારે કંઈક પરિવર્તન લાવવાનું છે. એને માટે કઈ રીત અપનાવવી જોઈએ. આમ અસફળતા આપણને ઘણું બધુ શીખવીને આપણા અનુભવમાં વધારો કરે છે.

(૬) જ્યારે જ્યારે હિંમતથી કામ કરવાનું હોય છે ત્યારે ઈશ્વરનો સહારો અવશ્ય લો. “ભગવાન મારો સાથી છે’’ અરે આ વિચાર જ તમારામાં હિંમત ભરશે અને ઈશ્વરને સાથે રાખીને કાર્ય કરશો તો – એકદમ સરળ કાર્ય બની જશે. એટલે જ ગવાયું છે કે “હિંમતે મર્દા તો મદદે ખુદા’’ મિત્રો, આપણા રોજબરોજના જીવનમાંથી પ્રત્યેક વિચારધારામાં ફકત સકારાત્મક વિચારોને જ પ્રવેશ આપીએ. નકારાત્મક વિચારોને દૂરથી જ નમસ્કાર કરીએ અને વિચારો કે “ભલે બધું હારી જઈશ પરંતુ હિંમત કયારેય પણ નહીં હારીશ’’ અને આવી પ્રેરણા આપણા સ્નેહીજનોમાં, મિત્રમંડળમાં ભરતા રહીએ અને તેઓની પ્રેરણાસ્ત્રોતમાં વધારો કરતા રહીએ એ જ અભ્યર્થના સાથે…. ઓમ શાંતિ…..

Most Popular

To Top