કેન્દ્ર સરકારે સોમવારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં 24 ટકાનો વધારો જાહેર કર્યો છે, જે 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવશે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ જાહેરનામામાં વર્તમાન સભ્યો માટે દૈનિક ભથ્થા અને ભૂતપૂર્વ સભ્યો માટે પાંચ વર્ષથી વધુ સેવાના દરેક વર્ષ માટે પેન્શન અને વધારાના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો. આગામી સાંસદોને હવે માસિક રૂ. 1.24 લાખ પગાર મળશે જે પહેલા તેમને મળતા રૂ. 1 લાખ હતો. સાંસદોના કે વિવિધ રાજ્યોની વિધાસસભાઓના ધારાસભ્યોના પગાર ભથ્થાઓ વધારવાની દરખાસ્તનો સંસદ કે વિધાનસભામાં ભાગ્યે જ વિરોધ થાય છે. એકલ દોકલ વિરોધના સૂર સિવાય કોઇ સાંસદ કે ધારાસભ્ય આવા પગાર વધારા અને પેન્શન વધારાનો વિરોધ કરતા નથી. જ્યારે પોતાના પગાર અને ભથ્થાઓ વધારવાની વાત આવે ત્યારે શાસકો અને વિપક્ષો એક થઇ જાય છે અને આ પગાર વધારાની દરખાસ્ત સહેલાઇથી પસાર થઇ જાય છે.
જાહેરનામા અનુસાર દૈનિક ભથ્થા 2,000 થી વધારીને રૂ. 2,500 કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ સાંસદો માટે પેન્શન 25,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે, એમ તેમાં જણાવાયું છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે પાંચ વર્ષથી વધુ સેવાના દરેક વર્ષ માટે વધારાનું પેન્શન 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે.
1961ના આવકવેરા કાયદામાં ઉલ્લેખિત ખર્ચ ફુગાવાના સૂચકાંકના આધારે સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને પગાર અને પેન્શનમાં વધારો સૂચિત કરવામાં આવ્યો હતો. સરકારો કેટલી સહજતાથી ફુગાવાના સૂચકઆંકના આધારે સાંસદોના પગાર ભથ્થાઓ વધારી નાખે છે. કોઇને પણ પ્રશ્ન થાય કે મોંઘવારી જો સાંસદોને નડે છે અને મોંઘવારીના સૂચકઆંકના આધારે સાંસદોના પગાર, ભથ્થાઓ વધારવામાં આવે છે તો સામાન્ય વ્યક્તિને પગાર કે આવકમાં વધારાની જરૂર નહીં હોય?
સામાન્ય જનતાની આવક વધે તેનો પ્રયાસ સરકાર કે જનપ્રતિનિધિઓ ગંભીરતાથી કરે છે ખરા? સાંસદો તેમના દરજ્જાને અનુરૂપ પગાર લે તેમાં વાંધો હોઇ શકે નહીં પણ તેનો કોઇ મર્યાદા હોવી જોઇએ. મહિનાનો સવા લાખ રૂપિયા પગાર ઉપરાંત રોજના અઢી હજાર રૂપિયા ભથ્થું! સાંસદોને ઘણુ બધુ મફતમાં મળતું હોય ત્યારે રોજના આ ૨પ૦૦ રૂપિયાના ભથ્થાને તેઓ શું કરતા હશે? અને પેન્શનની વાત તો બિલકુલ જ આશ્ચર્યજનક છે. દેશની વસ્તીનો ઘણો મોટો ભાગ વૃદ્ધાવસ્થામાં વાજબી પેન્શન મેળવી શકતો નથી.
હવે તો ઘણી સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાંથી પણ પેન્શ્ન યોજના કાઢી નાખવામા આવી છે ત્યારે સાંસદો ફક્ત પાંચ વર્ષ માટે સાંસદપદે રહીને જીવનભર માટે પેન્શનના હકદાર બની જાય છે! અને પાંચ વર્ષથી વધુ સેવાના દરેક વર્ષ માટે વધારાનું પેન્શન તો જુદું! અને આ પેન્શન પણ વધારીને રૂ. બે હજાર પ્રતિ માસ પરથી રૂ. અઢી હજાર પ્રથતિ માસ કરવામાં આવ્યું છે. આ બેશરમીની હદ છે! જો આ કહેવાતા લોકપ્રતિનિધિઓને લોકો માટે સહાનુભૂતિ હોય તો તેઓ આટલા બધા પગાર ભથ્થા તો નહીં જ લે.
ભારતમાં સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ ઉચ્ચ બેરોજગારી, વધતી જતી આવક અસમાનતા અને વસ્તીના નોંધપાત્ર ભાગની દૈનિક ઓછી આવક જેવા પડકારોથી પ્રભાવિત છે, જોકે દેશમાં આર્થિક વિકાસ થયો છે. ભારતની વસ્તીનો મોટો ભાગ ઓછી દૈનિક આવક પર જીવે છે, જેમાં એક અંદાજ પ્રમાણે વસ્તીનો એક ઘણો મોટો ભાગ રોજના ૫૦૦ રૂપિયાથી ઓછી આવક પર જીવે છે. ભારત નોંધપાત્ર આવક અસમાનતાનો સામનો કરી રહ્યું છે, જેમાં અમીર અને ગરીબ વચ્ચે વિશાળ અંતર છે. જ્યારે ભારે ગરીબીમાં ઘટાડો થયો છે, ત્યારે નોંધપાત્ર ગરીબી ચિંતાનો વિષય છે. ભારતમાં બેરોજગારીનો દર ઊંચો છે, જેમાં બેરોજગારી ખાસ કરીને શિક્ષિત વસ્તીને અસર કરે છે.
અનૌપચારિક ક્ષેત્ર, જે ભારતીય અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેમાં ઘણીવાર નોકરીની સુરક્ષા અને લાભોનો અભાવ હોય છે. ભારતમાં અસ્થિરતા અને દુઃખનું કારણ અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા છે. બંને વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. ભારતમાં સામાન્ય માણસનું જીવન અનેક પડકારોથી ઘેરાયેલું છે, જેમાં આર્થિક મુશ્કેલીઓથી લઈને માળખાગત સુવિધાઓની ખામીઓ શામેલ છે. ગરીબી, બેરોજગારી, ફુગાવા અને આરોગ્યસંભાળ, શિક્ષણ અને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સેવાઓની મર્યાદિત પહોંચ જેવા મુદ્દાઓ લાખો લોકો માટે રોજિંદા જીવનને એક સંઘર્ષ બનાવી મૂકે છે.
આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના વધતા ભાવ ઓછી આવક ધરાવતા પરિવારોના બજેટ પર વધુ દબાણ લાવી મૂકે છે. ૨૦૨૩-૨૪માં, શહેરી વિસ્તારોમાં કેઝ્યુઅલ કામદારોની સરેરાશ દૈનિક આવક પુરુષો માટે રૂ.૫૩૭ અને મહિલાઓ માટેરૂ.૩૬૪ હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં, પુરુષો માટે તે રૂ.૪૪૪ અને મહિલાઓ માટે રૂ.૨૯૯ હતી. એક અહેવાલ પ્રમાણે દેશના સો કરોડ લોકો પાસે રોજીંદી જરૂરિયાતો પછી ખર્ચવા માટે વધારાના નાણા બચતા જ નથી અને તેમના પ્રતિનિધિઓ અઢળક પગાર, ભથ્થાઓમાં મહાલે છે.
