સુરત: રાજ્ય સરકારે (GUJARAT GOVT) સુરત (SURAT), અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં દુબઇ અને સિંગાપોર (SINGAPORE)ની જેમ 70 માળની ગગનચુંબી ઇમારતો (SKYSCRAPERS) બનાવવા જીડીસીઆર (GDCR)માં સુધારાઓ કર્યા છે પરંતુ સુરતમાં આવેલા એરપોર્ટ (AIRPORT)ને જોતાં સુરતના આશરે 90 ટકા વિસ્તારોમાં 35 માળથી મોટી ઈમારત બની શકે તેમ જ નથી. એરપોર્ટનું ફનલ મોટાભાગના વિસ્તારોને આવરી લેતું હોવાથી જીડીસીઆરના આ સુધારા સુરત શહેર માટે એટલા કામના રહેશે નહીં. જે બિલ્ડરે 70 માળની ઈમારતો બનાવવી હશે તેણે સુરતના છેવાડાના વિસ્તારો પકડવા પડશે.
સુરત શહેરનો ડુમસથી ભીમરાડ સુધી, ઓલપાડથી રાંદેર અડાજણ સુધી, કઠોર અમરોલીથી વરાછા રોડ સુધીનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોનથી અઠવા ઝોન સુધીનો વિસ્તાર એમ સુરત શહેરનો છેલ્લા મહાનગર પાલિકાના વિસ્તરણ સહિતનો 90 ટકા વિસ્તાર એરપોર્ટની ફનલમાં આવવા સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ‘નોકાસ’ પ્લાનમાં આવી જાય છે. આ કારણે આ વિસ્તારોમાં કોઈપણ સંજોગોમાં 70 માળની ઈમારત બનાવવા માટે મંજૂરી મળી શકે તેમ નથી. આ વિસ્તારોમાં મહત્તમ 35 માળની ઈમારતને જ મંજૂરી મળી શકે તેમ છે.
સુરત શહેરના આ વિસ્તારોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 49 મીટર થી લઇ કેટલાક વિસ્તારમાં 69, 89 અને મહત્તમ 109 મીટરની મંજૂરી આપી શકશે. રાજ્ય સરકારના સીજીડીસીઆરના સુધારા પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત શહેરમાં ખોટી રીતે બાંધકામ ન થાય અને પાછળથી તોડવા ન પડે તે માટે ‘નોકાસ’નો મેપ જાહેર કરી દીધો છે. આ નક્શા પ્રમાણે એરપોર્ટ ફરતેનો કેટલાક વિસ્તારોમાં તો બિલ્કુલ બાંધકામ મળશે નહીં.
વેસુ, વીઆઈપી રોડ, સિટીલાઈટ, અલથાણમાં 12થી 14 માળ અને કામરેજ, કડોદરા અને મોટા વરાછામાં 70 માળ મળશે
એરપોર્ટની નજીકના વેસુ, વીઆઇપી રોડ, સિટીલાઇટ, અલથાણ, ભીમરાડ જેવા વિસ્તારોમાં 12થી 14 માળના બાંધકામ થઇ શકશે. જ્યારે સરકારે કરેલા સુધારા પ્રમાણે 70 માળનું બાંધકામ કામરેજ, કડોદરાની પેરી ફેરીમાં મળી શકશે. જોકે હાઇરાઇઝ બિલ્ડિંગના જે ભાવ અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાં મળે છે તે ભાવ કામરેજ, કડોદરા અને આઉટર રિંગરોડના ભાવ મળશે નહીં.
વેસુમાં 20-22 માળના સાત પ્રોજેક્ટને એએઆઇએ એનઓસી આપી નહી
એરપોર્ટની ફનલમાં આવતા વેસુ, વીઆઇપી રોડ પર બિલ્ડરો દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એનઓસી મેળવવા માટે 20-22માળના પ્રોજેક્ટ મુક્યા હતા. પરંતુ એએઆઇએ 12થી 14 માળના પ્રોજેક્ટ માટે એનઓસી આપવા તૈયાર દર્શાવતા સાત પ્રોજેક્ટની એનઓસીની ફાઇલ પરત ખેંચી લઇ પ્રોજેક્ટ પડતા મુકવામા આવ્યા હતા.
ઉભરાટમાં ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નવુ બનાવવામા આવે તો જ સુરતમાં દુબઇ-સિંગાપોર જેવી ગગનચુંબી ઇમારતો શક્ય છે
એવિયેશન સેક્ટરના નિષ્ણાંતોનું કહેવુ છે કે સુરતનું વર્તમાન એરપોર્ટ તાપી નદી અને દરિયા કિનારાના વસવાટના એરિયામાં આવેલુ હોવાથી એરપોર્ટની ફનલનો ઇશ્યુ કાયમ માટે રહેશે. સુરતમાં ભવિષ્યની આવાસની અછત દૂર કરવી હોય તો ટ્વીનસિટી નવસારી અથવા ઉભરાટમાં ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બની શકે છે. જો આ નિર્ણય લેવામાં આવે તો સુરતમાં દુબઇ-સિંગાપોર જેવી ગગનચુંબી ઇમારતો શક્ય છે. 3500 વર્ગમીટરનો મોટો પ્લોટ હશે ત્યાંજ હાઇરાઇઝ બિલ્ડિંગને મંજૂરી મળશે.
સુરતના આ વિસ્તારોમાં 70 માળ સુધીની બિલ્ડિંગો શક્ય છે
પલસાણા, કડોદરા, અંત્રોલી, કામરેજ, અબ્રામા, મોટા વરાછા, ઉત્રાણ, સારોલી, પરિયા-સાયણથી ઓરમા સરસ ગામ સુધીનો વિસ્તાર
એએઆઇના ‘નોકાસ’ પ્લાનમાં મહત્તમ ઉચાઇ 35માળની એટલેકે 109 મીટર સુધીજ મળશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડીજીસીઆરના સુધારા પછી સ્પષ્ટ કરી દીધું છે કે એએઆઇના નોકાસ પ્લાનમાં મહત્તમ ઉચાઇ 35 માળની એટલેકે 109 મીટર સુધી જ મળશે. એટલું જ નહીં તેનાથી વધુ મંજૂરી કે એનઓસી એએઆઇ આપશે નહીં. અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 49 મીટર અડાજણ પાલ, પાલનપુર પાટિયા એલપી સવાણી રોડ, જહાંગીર પુરા વિસ્તારમાં 69 મીટર અને આભવાથી ખજોદ સુધીના વિસ્તારમાં 49થી 69 મીટર સુધીની ઉંચાઇ જ મળશે.