સુરત : સુરત મહાપાલિકા (SMC)માં ભાજપ (BJP) છઠ્ઠી વખત શાસન સંભાળશે, ભાજપના ગત વખત કરતાં પણ વધારે 93 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યાં છે પરંતુ ખાટલે મોટી ખોડ હવે એ છે કે ભાજપની ઉમેદવારોની પસંદગીની ફોર્મ્યુલાને કારણે ભાજપને અભ્યાસુ અને અનુભવી કોર્પોરેટરની ખોટ પડી ગઈ છે. જે અનુભવી હતાં તેમને ત્રણ ટર્મ અને 60 વર્ષની ઉંમરના નિયમને કારણે ટિકીટ (TICKET) આપી નથી અને જેમને ટિકીટ આપીને જીત્યાં છે તેવા તમામ એટલા અભ્યાસુ કે અનુભવી નથી. જે અમુક અનુભવી કે વહીવટમાં પ્રભાવ પાડી શકે તેવા નેતાઓને ટિકીટ મળી હતી તે આમ આદમીના વાવાઝોડામાં હારી ગયા છે. સામે વિપક્ષમાં બેસનાર આપમાં મોટાભાગના ભણેલા અને ચળવળકારો જેવા યુવાઓ છે. હવે જ્યારે આ કોર્પોરેટરોનો સામનો કરવાનો ભાજપે આવશે ત્યારે ભાજપે લોઢાના ચણા ચાવવા જેવો ઘાટ થવાનો છે.
વર્ષ 2015માં ભાજપ સામે પહેલી વખત કોંગ્રેસના 36 સભ્યો વિપક્ષમાં આવ્યા ત્યારે પણ ભાજપની હાલત કફોડી જ હતી. મેયરથી શરૂ કરીને સ્થાયી ચેરમેન સુધીના નેતાઓ અનુભવી નહીં હોવાને કારણે શરૂઆતના મહિનાઓમાં ભાજપની હાલત સતત બેકફુટ પર રહી હતી. બાદમાં ડો. જગદીશ પટેલ, વિનોદ મોરડીયા, કાંતિ ભંડેરી, નિરવ શાહ, અનિલ ગોપલાણી, શંકરલાલ ચેવલી, રાજેશ દેસાઇ વગેરે અનુભવી નેતાઓએ મોરચો સંભાળવામાં સફળતા મેળવી હતી પરંતુ આ વખતે સ્થાયી સમિતિના સભ્યોથી માંડીને ચારેય પદાધિકારીઓ સુધીના ચહેરા નકકી કરવામાં ભાજપને પરસેવો પડશે. સાથે સાથે સામાન્ય સભામાં પણ ભાજપની હાલત કફોડી થાય તેવી સ્થિતી છે. તેમાં પણ મેયર મહિલા હોવાથી પસંદગી સહેલી બનશે પરંતુ અન્ય પદ પર પસંદગી કરવામાં ભાજપને મુશ્કેલી પડી જવાની છે.
મેયર માટે દર્શિની કોઠિયા અથવા હેમાલી બોઘાવાલા વચ્ચે સ્પર્ધાની સંભાવના
સુરત મનપામાં આ વખતે મેયરપદ મહિલા માટે અનામત હોવાથી મોટાભાગે સીનિયર મહિલા કોર્પોરેટરમાં દર્શિની કોઠિયા અને હેમાલી બોઘાવાલા વચ્ચે સ્પર્ધા થાય તેમ છે. દર્શિની કોઠિયા અને મુળ સુરતી દેસાઇ પરિવારની પુત્રી અને સૌરાષ્ટ્રવાસી પાટીદાર પરિવારની વહુ હોવાથી બે સમીકરણો સચવાઈ જાય છે. હેમાલી બોઘાવાલા મુળ સુરતી છે. સાથે સાથે જો અન્ય કોઇ મહિલા કોર્પોરેટર પર નજર દોડાવવામાં આવે તો રાજકીય વગ ધરાવતા ઉર્વશી પટેલ, સોનલ દેસાઇ, કોટ વિસ્તારમાંથી સીનિયર કોર્પોરેટર આરતી પટેલ કે પછી સમાજ સેવા સાથે જોડાયેલા કૈલાશ સોલંકી વગેર રેસમાં આવી શકે છે.
સ્થાયી સમિતીના ચેરમેનપદ માટે પણ અનેક ચહેરા રેસમાં
સુરત મહાપાલિકાની તિજોરીની ચાવી જેની પાસે રહેવાની છે તેવા સ્થાયી સમિતીના ચેરમેનપદ માટે ભાજપ માટે અનુભવીની ખોટ છે. જોકે, તેમ છતાં પણ હાલમાં જે કોર્પોરેટર ચૂંટાયા છે તેમાં પરેશ પટેલ, દિનેશ જોધાણી, કેયુર ચપટવાલા, રાજન પટેલ, રાકેશ માળીના નામો ચર્ચામાં આવી શકે તેમ છે.
ડે.મેયર અને શાસક પક્ષના નેતા માટે પરપ્રાંતિયો વચ્ચે રેસ થાય તેવી સંભાવના
આ વખતે ડેપ્યુટી મેયર પદ અને શાસકપક્ષ નેતા પદ માટે જો મહારાષ્ટ્રિયન નેતાઓ પર નજર દોડાવવામાં આવે તો સીનિયરમાં સોમનાથ મરાઠે, રોહિણી પાટીલ, ઉતર ભારતીયોમાં ઉર્મિલા ત્રિપાઠી, અમિત રાજપુત સહિતના નેતાઓ રેસમાં છે.