નલિની જયવંતને યાદ કરનારા હવે ઓછા થઇ ગયા છે, પણ કોઇ ઓછું યાદ કરે એટલે કળાકાર મટી જતા નથી. દરેક પ્રેક્ષકોનો પોતાનો સમય હોય છે ને એ સમયના અભિનેતા-અભિનેત્રી તેમને પોતાના લાગતા હોય છે. અત્યારની પેઢીને દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ ગમે એ જ રીતે એ પેઢીને એમના સમયના કલાકારો ગમતા. આ નલિની જયવંતના વ્યકિતત્વનો એ જાદુ હતો કે અશોકકુમાર જેવા અભિનેતા તેમના પ્રેમમાં પડયા વિના રહી ન શકેલા. તેઓ બંને એકબીજાના પ્રેમમાં હતા. અશોકકુમાર તો શોભાદેવીને પરણેલા હતા એટલે નલિની જયવંતને પરણી ન શકયા. તેમની પ્રેમ કહાણીનો અંત આવ્યો પછી નલિની જયવંત આપણા ગુજરાતી દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇને પરણી ગયેલાં. આ નલિની જયવંત નૂતન-તનુજાની મમ્મી અને અભિનેત્રી શોભના સમર્થની કઝીન સિસ્ટર હતી. નલિનીને યાદ કરનારા તેની ‘કાફિલા’, ‘નાસ્તિક’, ‘જલપરી’, ‘લકીરેં’, ‘મિસ્ટર એકસ’ અને ‘કાલાપાનીદ જેવી ફિલ્મોથી યાદ કરે છે.
નલિની જયવંતનો દબદબો 1950થી ’60 દરમ્યાન હતો. 1941ની ‘રધિકા’થી કારકિર્દી આરંભ્યા પછી ‘બહેન’, ‘નિર્દોષ’, ‘આંખ મિચૌલી’ વગેરે ફિલ્મો આવતી ગઇ પણ ‘અનોખા પ્યાર’, ‘સંગ્રામ’, ‘સમાધિ’, ‘નૌ જવાન’, ‘નૌ બહાર’, ‘કાફિલા’થી તેને સ્ટારની ઓળખ મળવા માંડી. રમેશ સાયગલે તેને દિલીપકુમાર સાથે ‘શિકસ્ત’માં નાયિકાની ભૂમિકા આપી. અશોકકુમાર સાથેની ‘સંગ્રામ’ તો આજની રીતે કહીએ તો બ્લોક બસ્ટર પુરવાર થયેલી. પછી તો તેમની જોડી ‘સમાધિ’, ‘નૌબહાર’, ‘નાઝ’, ‘લકીરેં’, ‘સલોની’, ‘જલપરી’ અને ‘કાફિલા’ સુધી આગળ વધી. પરંતુ દેવ આનંદ સાથેની ‘મુનીમજી’, અજીત સાથેની ‘આનબાન’, ‘દુર્ગેશ નંદિની’, ‘ઇન્સાફ’, ‘નાસ્તિક’ પણ યાદ કરી શકો. ભારતભૂષણ સાથેની ‘આંખે’ અને ‘કવિ’ પણ યાદ કરી શકો.
‘અનોખા પ્યાર’માં તે ફરી દિલીપકુમાર સાથે આવી ત્યારે તેમાં નરગીસ પણ હતી. ‘આવાઝ’માં અને ‘અમર રહે યે પ્યાર’માં તે રાજેન્દ્રકુમાર સાથે છે તો ‘મુકિત’માં મોતીલાલ સાથે. અહીં એક બીજી વાત યાદ અપાવવી જોઇએ કે અશોકકુમાર-નલિની જયવંતે ‘નાઝ’ ફિલ્મમાં કામ કરેલું જેનું શૂટિંગ વિદેશમાં થયેલું અને કોઇ હિન્દી ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થયું હોય એવી એ પ્રથમ ઘટના હતી. દિગ્દર્શક અશોકકુમાર-નલિનીને લઇ કેરો અને ઇજિપ્ત ગયેલા. થોડું શૂટિંગ લંડનમાં પણ થયેલું. અશોકકુમાર સાથેની દસ ફિલ્મોમાં આ જરા જૂદી મહત્તા ધરાવે છે.
મહેબૂબ ખાન, જ્ઞાન મુખરજી, બિમલ રોય અને રાજ ખોસલા જેવા દિગ્દર્શકો સાથે કામ કરનાર નલિની જયવંતે 14 વર્ષની ઉંમરે ‘રાધિકા’થી કારકિર્દી શરૂ કરેલી. નલિની જયવંતને સફળતાનો એક દાયકો મળ્યો. સુનીલ દત્ત જેવા યુવાન અભિનેતા સાથે ‘રેલવે પ્લેટફોર્મ’ અને શમ્મી કપૂર સાથે ‘હમ સબ ચોર હે’માં કામ કર્યું. નલિની જયવંતે ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરવું પસંદ નહોતું કર્યું પણ અમિતાભ બચ્ચન અભિનીત ‘નાસ્તિક’માં અંધ માતાની ભૂમિકા કરેલી.
એ દુ:ખદ છે કે 20 ડિસેમ્બર, 2010માં તે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામી ત્યારે ઘરમાં કોઇ ન હતું. વીરેન્દ્ર દેસાઇ સાથેના પ્રથમ લગ્ન તૂટયા પછી તે બીજી વાર પ્રભુ દયાલને પરણેલી. બે લગ્ન છતાં પણ તે મા નહોતી બની શકી અને તેનું દુ:ખ તેને કાયમ કરેલું. ચેમ્બુરના યુનિયન પાર્કમાં તેનો આલીશાન બંગલો હતો પણ આખરી સમયે એ બંગલામાં તે એકલી હતી. 84 વર્ષે મૃત્યુ પામી ત્યારે પડોશીઓને પણ ખબર નહોતી. જયારે ખબર પડી ત્યારે એમ્બ્યુલન્સ આવીને લઇ ગઇ. મતલબ તેના અંતિમ સંસ્કાર પણ એકલા એકલા જ થયા. એક વખતે લાખો ચાહકો ધરાવતી અભિનેત્રીની આ હકીકત આજે પણ દુ:ખ જગાડે છે.