Comments

આટલા વર્ષોના વિકાસ પછી પણ લોકોને કે સરકારને પાણી વ્યવસ્થાપન ન આવડ્યું તે ન જ આવડ્યું

૧૯૪૭માં આઝાદ થયેલા ભારતને ૨૦૨૭માં૮૦ વર્ષ થશે. ભારત અત્યારેજ વિશ્વની ઊંચી રાષ્ટ્રીય આવક ધરાવતા મુખ્ય દેશોમાં છે. સરકાર ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમીમાં જવાનાં રસ્તા બનાવી રહી છે અને આ બધાની વચ્ચે દેશનાં વિકસિત રાજ્ય તરીકે મૉડેલ રાજ્ય તરીકે જેની ચર્ચા હતી તે ગુજરાતનાં મહાનગરોમાં વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા નથી! એક તરફ આજે પણ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં નળમાં પાણી નથી આવતું અને વરસાદ થાય ત્યારે ઘરમાં પાણી આવે છે જે જતું નથી.

વરસોથી સાંભળવા મળે છે કે ભારતમાં “પાણીની સમસ્યા નથી પાણીનાં વ્યવસ્થાપનની સમસ્યા છે” આટલી બધી નદીઓનો દેશ હોય અને લોકોને વરસમાં આઠ મહિના પાણી વગર તરસવું પડે! આજની તારીખે નર્મદા જીલ્લામાં નદીથી થોડે જ દૂર રહેતા ગરીબ આદિવાસી કુટુંબોની સ્ત્રીઓ માથે બેડા ઉચકી પાણી ભરવા જાય છે અને નર્મદામાં પૂર આવે ત્યારે કાદવ કીચડમાં ફસાય છે.

દેશમાં સર્જાયેલા પૂરે વ્યવસ્થાપનની ખામીઓ ફરી ઉઘાડી પાડી દીધી. ફરી એ જ વાત સાબિત થઇ કે આપણે વિદેશથી નવી ટેકનોલોજી અને નવી નવી વસ્તુઓ લાવી શકીએ છીએ પણ જાહેર વ્યવસ્થા લાવી શકતા નથી, કાયદાનું શાસન લાવી શકતા નથી. વળી કાયદાનાં શાસનનો અર્થ આપણે સંકુચિત કરી નાખ્યો છે. માત્ર ગુંડાઓ કાબુમાં રાખવા, રાષ્ટ્ર વિરોધી તત્વો ઝેર કરવા એ જ કાયદાનું શાસન નથી. સોસાયટી બંધાય ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થાય.

આખા શહેરની વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા મુજબ જ બધા બાંધકામ થાય અને સોસાયટીઓ બંગ્લાઓ બિલ્ડરોનાં બંધાય કે નેતાઓનાં નિયમ તો બધાએ પાળવા પડે. તે પણ કાયદાનાં શાસનનો ભાગ છે. છેલ્લા વર્ષોમાં આપણા નેતાઓ અને અધિકારીઓ વાર-તહેવારે પ્રજાના પૈસે વિદેશ ખાસ તો વિકસિત દેશોમાં પહોંચી જાય છે. શું તેઓ નહીં જોતા હોય કે આ યુરોપનાં દેશો કે પશ્ચિમનાં વિકસિત દેશોમાં રોજ બપોરે વરસાદ પડે છે. ભારે વાવાઝોડા આવે છે પણ પાણી ભરતા નથી. એક જ દિવસમાં બધું હતું એમનું એમ હોય છે, કોઈ ચમરબંધી જાહેર બાંધકામના નિયમો તોડી બાંધકામ કરી શકતો નથી.

લાઈટ, વીજળી, પાણી, ગેસ અંગેનાં જાહેર નિયમો પળાયા બાદ જ બાંધકામ થઇ શકે છે. યુરોપ, અમેરિકા જેવા દેશોના ફોટા જોઈએ કે ફિલ્મો જોઈએ તો દેખાય છે કે જાહેર માર્ગની બન્ને બાજુએ બંધાયેલા મકાનોની ડિઝાઈન એક જ સરખી હોય છે. બારી બારણાં એક જ સરખા એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય છે. શું ધનિક કે શું ગરીબ, હાર બંધ ઉભેલા મકાનો જોઈએ તો ઓળખી જ ના શકીએ કે આ ઘર ધનિકનું હશે અને આ મધ્યમ વર્ગનું. શું ત્યાં પ્રજા નહી ઈચ્છતી હોય પોતાને જુદા પડવાનું? ના, ઈચ્છે તો છે. પણ તે કરી નથી શકતી. તમારે નગરપાલિકાના પ્લાન મુજબ જ ઘર બનાવવું પડે છે.

આમ તો સાદો નિયમ એ છે કે જે શહેરમાંથી નદી પસાર થતી હોય ત્યાં પાણી ન ભરાય. હા નદીમાં પૂર આવે તો જ શહેરમાં પાણી આવે બાકી શહેરનાં પાણીનો નદીમાં કાયમી નિકાલ થાય. હવે ગુજરાતમાં હાલત એ છે કે અમદાવાદમાં સાદા વરસાદમાં રિવરર્ફ્રન્ટમાં પાણી ભરાય છે જ્યાં બાજુમાં જ સાબરમતી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીનાં બન્ને કિનારા દબાણથી ભરી દેવાયા છે અને પાણી જવાનો માર્ગ જ નથી તો પાણી સોસાઈટીમાં જ ભરાવાના. આજે ગુજરાતનાં મહાનગરોમાં શહેર બહાર મોટા બંગલા અને લક્ઝુરીયસ ફ્લેટનાં બાંધકામો થાય છે. જરા જાતે જઈને જુઓ તો સમજાશે કે આ તો ખેતરોમાં ઘાસ ઉગી નીકળે એમ બિલ્ડીંગો ઉગી નીકળી છે. આમાં ક્યાંય વરસાદી પાણીનો નિકાલ નથી. અરે જમીન પર પથરાતા પેવર બ્લોકે શહેરોને પથ્થરોનું જગલ બનાવ્યું છે. જ્યાં પાણી જમીનમાં ઉતરવાનો રસ્તો પણ નથી. સોસાયટીનાં ખુદનાં પાણીનો નિકાલ જોવા નહીં મળે.

એટલે નદીઓનાં દેશમાં જ ગરમીનાં દિવસોમાં પાણીની તંગી અને ખેતરોમાં પાણીનાં અભાવે સુકાતા પાકની ફરિયાદ અને વરસાદના બે મહિનામાં શહેરમાં ભરતા પાણી અને નિકાલની સમસ્યા આવ્યા જ કરે છે. એમાં અધૂરામાં પૂરું પ્લાસ્ટીકનો બેફામ ફેંકાતો કચરો. આ પ્લાસ્ટિક જાહેર ગટરને ચોકઅપ કરી દે છે. અને પ્લાસ્ટિક પાણીની સામે દીવાલ બની જાય છે. આ વાત સૌ જાણે છે પણ કોઈ જાહેરમાં પ્લાસ્ટિક ફેકવાનું બંધ કરતુ નથી.

સત્તાવાળા પણ આમાં કંઈ કરતા નથી પરિણામે શહેરના પાણીનો નિકાલ એ જાણે સફાઈ કામદારોની જવાબદારી હોય એમ એ લોકો ગટર સાફ કરે. પાણી સામેની આડશો સાફ કરે ત્યારે પાણી ખસે છે. છેલ્લે એક વાત સ્પષ્ટ છે કે પાણી જ્યાં પોલ છે ત્યાં ઘૂસે છે અને પોલ ખોલે છે. વરસાદી પાણીએ છેલ્લા દસ વર્ષમાં ઓછામાં ઓછી દસ વખત તંત્રની પોલ ખોલી છે પણ પાણી મતદાતાઓના મગજની પોલ ખોલી શકતું નથી માટે પરિસ્થિતિ ત્યાની ત્યાં જ છે. ગટર હોય કે મગજ, જામી ગયેલો કચરો જ પાણી ભરવાનું મૂળ કારણ છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top