Columns

કેલિફોર્નિયાની આગમાં અમેરિકા જેવી મહાસત્તા પણ લાચાર પુરવાર થઈ

વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી હોય તો પણ કુદરતના ખોફ સામે કાળાં માથાંનો માનવી લાચાર બની જાય છે. અમેરિકાની ખ્યાતિ દુનિયામાં મહાસત્તા તરીકેની છે, પણ તે હજુ સુધી કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લેશે ત્યારે તેમની સમક્ષ સૌથી મોટો પડકાર આગ પર કાબૂ મેળવવાનો અને તેનાથી થયેલું નુકસાન ભરપાઈ કરવાનો હશે. કેટલાંક લોકો આ આગને કુદરતી ઘટના બતાવી રહ્યા છે, પણ કેટલાંક લોકોને શંકા છે કે આ આગ જાણીબૂઝીને લગાડવામાં આવી છે. આગ લગાડનારાં લોકો કદાચ દુનિયાને ક્લાઈમેટ ચેન્જના ખતરા બાબતમાં જાગ્રત કરવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવશે તે પછી તેમણે આગનું રહસ્ય પણ ઉકેલવું પડશે.

અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં રહેતાં લગભગ ૧,૭૯,૦૦૦ લોકોને તેમનાં ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.લોકો ગમે તેટલી વસ્તુઓ લઈને ઘર છોડી રહ્યાં છે.આ ઉપરાંત બે લાખ લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે તેઓએ પણ ટૂંક સમયમાં ઘર ખાલી કરવું પડશે.પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં ઓછામાં ઓછાં સાત લોકોનાં મોત થયાં છે. લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લુનાએ કહ્યું છે કે તેઓ મૃત્યુઆંક વધવાની અપેક્ષા રાખે છે.ખાલી કરાયેલા કેટલાક વિસ્તારોમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી છે અને આ કેસોમાં ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આગ સંપૂર્ણપણે નિયંત્રણની બહાર છે.હોલીવુડ હિલ્સ વિસ્તારમાં ફેલાયેલી આગ ઓછી થવા લાગી છે પરંતુ હજુ સુધી તે સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી.હોલીવુડ હિલ્સ વિસ્તારમાં ૫,૩૦૦ થી વધુ ઇમારતો નાશ પામી છે. આમાં પ્રતિષ્ઠિત સનસેટ બુલવર્ડ પર સ્થિત ઘરો, શાળાઓ અને વ્યાવસાયિક ઇમારતોનો પણ સમાવેશ થાય છે.ફાયર બ્રિગેડના જવાનોના તમામ પ્રયાસો છતાં આ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. કહેવાય છે કે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે કુદરત પણ સજા કરતી હોય છે. હોલિવૂડના સિતારાઓ તેમના વ્યભિચારી જીવનની સજા ભોગવી રહ્યાં હોય તેવું આગને જોઈને લાગ્યા વિના રહેતું નથી.

આ આગમાં પોતાનું ઘર ગુમાવનાર સેલિબ્રિટીઓમાં થોડા દિવસો પહેલાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારંભમાં હાજરી આપનાર લેઇટન મીસ્ટર અને એડમ બ્રોડી સિવાય, પેરિસ હિલ્ટન પણ છે.અમેરિકન વીમા કંપનીઓને ડર છે કે આ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોંઘી જંગલી આગ સાબિત થશે, કારણ કે આગમાં આવરી લેવામાં આવેલી પ્રોપર્ટીની કિંમત ઘણી વધારે છે.આ આગને કારણે લગભગ આઠ અબજ ડોલરની વીમાધારક મિલકતને નુકસાન થવાની આશંકા છે.

દરમિયાન, દક્ષિણ કેલિફોર્નિયા માટે આગની આગાહી અત્યંત ગંભીરતાથી ઘટાડી દેવામાં આવી છે.જો કે, હવામાન આગાહી કરનાર સારાહ કીથ-લુકાસ કહે છે કે આ વિસ્તારમાં ઓછામાં ઓછા આવતા સપ્તાહ સુધી વરસાદની કોઈ આગાહી નથી.આ આગના કારણે લોસ એન્જલસના મોટા ભાગોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. શહેરમાં ભારે ટ્રાફિક જામ પણ છે. આ સંજોગોમાં કેલિફોર્નિયાની ઘણી શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે.

દરમિયાન આગ સામે લડવાની તૈયારીઓને લઈને રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. એવું પણ બહાર આવ્યું છે કે કેટલાંક ફાયર ફાઇટરો પાસે તેમની પાઇપમાં પાણી પણ ન હતું.નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ આ મહિનાની ૨૦મી તારીખે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે, તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો.ફાયર વિભાગના વડા એન્થોની મેરોને ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે તેમને અગ્નિશામકો પાસે પાણીની અછત હોવાના કોઈ અહેવાલ મળ્યા નથી,પરંતુ પડોશી પાસાડેનાના ફાયર ચીફ ચાડ ઓગસ્ટીને જણાવ્યું હતું કે આ ત્યાં કેટલાક હાઇડ્રેન્ટ્સ પાસે પાણી ઓછું હતું. હવે તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે.એક સાથે અનેક ટેન્કરોમાં પાણી ભરવાને કારણે આવું બન્યું છે. પાણીના છંટકાવની પાઈપોમાં ઓછા દબાણનું કારણ પાવર કટ હોવાનું કહેવાય છે.

સ્થાનિક અધિકારીઓએ લોસ એન્જલસમાં આગના કારણ તરીકે તીવ્ર પવન અને શુષ્ક હવામાન તરફ ધ્યાન દોર્યું છે.જેના કારણે વૃક્ષો અને છોડ સુકાઈ ગયાં અને તેમની વચ્ચે આગ ફેલાવી સરળ બની ગઈ.પરંતુ અધિકારીઓએ કહ્યું છે કે આગનું કારણ સ્પષ્ટ નથી અને તેની તપાસ ચાલુ છે.કેલિફોર્નિયા ફાયર સર્વિસ બટાલિયનના ચીફ ડેવિડ એક્યુના અનુસાર, આ પ્રદેશમાં લગભગ ૯૫% જંગલી આગ મનુષ્યો દ્વારા લાગે છે.જો કે અધિકારીઓએ હજુ સુધી જણાવ્યું નથી કે વર્તમાન આગ કેવી રીતે શરૂ થઈ તે બાબતમાં તેઓ શું માને છે.જો કે ભારે પવન અને વરસાદની અછત હાલની આગનું કારણ બની રહી છે.નિષ્ણાતો કહે છે કે હવામાન પરિવર્તન પરિસ્થિતિને બદલી રહ્યું છે, જેના કારણે આગ લાગવાની સંભાવના સતત વધી રહી છે.

અમેરિકી સરકાર દ્વારા કરવામાં આવેલ સંશોધન સ્પષ્ટપણે જણાવે છે કે પશ્ચિમ અમેરિકામાં મોટા પાયે જંગલોમાં લાગેલી આગ આબોહવા પરિવર્તન સાથે સંબંધિત છે. અમેરિકાનું મહાસાગર અને વાતાવરણીય વહીવટીતંત્ર કહે છે કે વધતી ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને સૂકા વાતાવરણ સહિત આબોહવા પરિવર્તન, પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી આગના જોખમ અને ફેલાવાનાં મુખ્ય કારણો છે.તાજેતરના મહિનાઓમાં અત્યંત ગરમ ઉનાળો અને વરસાદના અભાવને કારણે કેલિફોર્નિયા ખાસ કરીને સંવેદનશીલ છે.દક્ષિણ કેલિફોર્નિયામાં આગની મોસમ સામાન્ય રીતે મે થી ઓક્ટોબર સુધીની માનવામાં આવે છે, પરંતુ ગવર્નર ગેવિન ન્યૂઝમે પહેલાંથી જ કહ્યું છે કે આગ આખું વર્ષ સમસ્યા બની ગઈ છે.આગની કોઈ મોસમ હોતી નથી. આખું વર્ષ આગ લાગે છે.કેલિફોર્નિયા ફાયર સર્વિસ બટાલિયનના ચીફ ડેવિડ એક્યુનાએ કહ્યું કે પાલિસેડ્સની આગ છેલ્લાં ૩૦ વર્ષમાં જાન્યુઆરી મહિનામાં ત્રીજી મોટી આગ છે.

આ આગ ફેલાવાનું મુખ્ય કારણ સાંતા આનાપવન છે, જે જમીનથી દરિયાકાંઠે ફૂંકાય છે. એવું માનવામાં આવે છે કે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાતા આ પવનને કારણે આગ લાગી હતી.સાન્ટા આના પવન પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાંથી અમેરિકાના કિનારે ફૂંકાય છે. આ પવન વર્ષમાં ઘણી વખત ફૂંકાય છે.લોસ એન્જલસ અને દક્ષિણ કેલિફોર્નિયાના ભાગોમાં સાન્ટા એના પવન રોજિંદા જીવનમાં વિક્ષેપ લાવે છે, પરંતુ જ્યારે આ પવન જંગલની આગ સાથે જોડાય છે, ત્યારે મોટા પાયે વિનાશ થાય છે.સાન્ટા એના પવન સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતથી મે સુધી ફૂંકાય છે. સામાન્ય રીતે આ પવન થોડા દિવસો માટે જ ફૂંકાય છે, પરંતુ કેટલીક વાર તે કેટલાંક અઠવાડિયાં સુધી ફૂંકાતા રહે છે.આ વખતે આ પવન તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે.

લોસ એન્જલસના ઈતિહાસમાં સૌથી વિનાશક કહેવાતી આ આગમાં અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. ૬૦,૦૦૦ અન્ય ઇમારતો જોખમમાં છે. વીમા દ્વારા આવરી લેવામાં આવેલી મિલકતની કુલ રકમ ૮ અબજ ડોલરને વટાવી જવાનો અંદાજ છે, કારણ કે ઘણી વૈભવશાળી મિલકતોને નુકસાન થયું છે.જેમનાં ઘરો નાશ પામ્યાં હતા તે સેલિબ્રિટીઓમાં એન્થોની હોપકિન્સ, મેલ ગિબ્સન, લેઇટન મીસ્ટર, એડમ બ્રોડી એક્ટર, જેમ્સ વુડ્સ અને પેરિસ હિલ્ટનનો સમાવેશ થાય છે.પેરિસ હિલ્ટને આ આગમાં પોશ વિસ્તાર ગણાતા માલિબુમાં પોતાનું ઘર ગુમાવ્યું છે. તેણે આગને કારણે વિસ્થાપિત થયેલાં લોકોની મદદ માટે ઈમરજન્સી ફંડ બનાવવાની જાહેરાત કરી છે અને તેના માટે એક લાખ ડોલરનું દાન આપ્યું છે.   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top