Editorial

ક્લાઈમેટ ચેન્જને કારણે યુરોપમાં ગરમીના પ્રકોપથી ભારતે પણ ચેતવા જેવું છે

પ્રકૃત્તિ સાથે છેડછાડ કરવાનું શું પરિણામ આવી શકે છે તે જોવું હોય તો તેનો તાદ્રશ્ય દાખલો યુરોપનો છે. જે યુરોપમાં મોટાભાગે ઠંડી પડતી હતી. જે યુરોપમાં મોટાભાગે સ્નોફોલ જોવામાં આવતો હતો, તે યુરોપમાં હવે ગરમીએ માઝા મુકી છે. ગરમી પણ એવી કે યુરોપમાં ઠેકઠેકાણે આગ લાગી. રેલવે ટ્રેક પહોળા થઈ ગયા. જંગલોમાં દાવાનળ દેખાયો અને રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યો. હિટવેવને કારણે યુરોપની હાલત ખરાબ થઈ ગઈ. અત્યાર સુધીના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે યુરોપની આ હાલત ખરાબ થઈ ગઈ છે. આનું મુખ્ય કારણ ક્લાઈમેટ ચેન્જ છે. યુરોપમાં એટલી હદે પ્રદૂષણ કરાયું છે કે યુરોપને હવે બચાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. છેક ઉત્તર યુરોપથી શરૂ કરીને પૂર્વ યુરોપ સુધીની હાલત ખરાબ છે. મોટાભાગના પ્રદેશોમાં ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને જે યુરોપે અગાઉ ઠંડીથી બચવા માટે ઉપાયો કરવા પડતા હતા તે યુરોપમાં હવે ગરમીથી બચવા માટેના ઉપાયો શોધવા માટે ત્યાંની સરકાર મંડી પડી છે.
યુકેની સાથે ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન, પોર્ટુગલ દેશમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકાશમાંથી થઈ રહેલી અગનવર્ષાને કારણે એક અંદાજ પ્રમાણે યુરોપમાં 2000 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધારે 1000થી પણ વધુ મોત એકલા પોર્ટુગલમાં થયા છે. બ્રિટનમાં ઘરો બળી રહ્યા છે.

રન વે ઓગળી રહ્યા છે. લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીને કારણે બ્રિટનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. ગરમીને કારણે રેલવે લાઈનોમાં તિરાડો પડી ગઈ છે. જેને કારણે રેલ વહેવાર ખોરવાઈ જવા પામ્યો છે. ઘરોની સાથે ખેતરોમાં પણ આગ લાગી રહી છે. છેલ્લા 30 વર્ષમાં ક્યારેય લાગી નહીં હોય તેવી આગ દારૂનું ઉત્પાદન કરતાં ફ્રાન્સના દક્ષિણ અને પશ્ચિમ વિભાગમાં ગિરોન્ડે વિસ્તારમાં લાગી છે. આશરે 20 હજાર હેકટર જેટલા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ છે. યુરોપની સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઓછા તાપમાને રહે તેવી વસ્તુઓ તેમણે બનાવી છે. ઉંચા તાપમાને રહે તેવી વસ્તુઓ બનાવી નથી. જેને કારણે યુરોપને મોટી મુશ્કેલી થઈ રહી છે.

ગરમીને કારણે એન્ટવર્પ પાસે બે પરમાણુ રિએક્ટર બંધ કરી દેવાની ફરજ પડી છે. ગરમીની સીધી અસર ખેતી પર પણ પડી છે. ખેતીને 25 ટકાથી વધુ અસર થઈ છે. ગરમીને કારણે સમગ્ર યુરોપમાં દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે ચિંતાજનક છે. ગરમી ક્યારેય પડતી નહીં હોવાથી ફાયર ફાઈટિંગની એટલી મજબૂત સીસ્ટમ પણ યુરોપ પાસે નથી. ફ્રાન્સમાં ઠેરઠેર આગ ઓલવવા માટે મોટી સંખ્યામાં અગ્નિશામકો તેમજ ફાયર ફાઈટર દોડી રહ્યા છે. ઉપરથી સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ એવું કહી રહ્યો છે કે, જળવાયુ પરિવર્તનને કારણે આગામી 28 વર્ષમાં ગરમી, દુકાળ તેમજ જંગલની આગમાં 30 ટકાનો વધારો થશે. પોર્ટુગલના શાસકો આ ગરમીથી ચોંકી ઉઠ્યા છે. તેમણે ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે ગરમીનો શિકાર પોર્ટુગલ થશે. હવે ગરમી માટે તૈયાર રહેવાની સાથે તેની સાથે લડવા માટેના આયોજનો પણ વિચારવાનું પોર્ટુગલમાં શરૂ થઈ ગયું છે.

યુરોપમાં માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ગરમી જોવા મળી રહી છે. જેને કારણે લોકોની તબિયત પણ બગડી રહી છે. ઈટાલીના બુટ, પુગલિયા, સાર્ડિનિયા અને સિસિલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ વધારે નોંધાયો છે. ગરમીને કારણે જ ઈટલીના 9 શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્પેનમાં અનેક જંગલોમાં આગ લાગી છે. જેને કારણે 70 હજાર હેકટરથી પણ વધુ જમીન બળીને ખાખ થઈ ગઈ છે. ભારતે પણ એ જોવાનું છે કે, ક્લાઈમેટ ચેન્જ ગમે તે કરી શકે છે. જે દશા યુરોપની હાલમાં થઈ છે તે આપણી પણ થઈ શકે છે. ભારતીયોને જોકે, ગરમીનો અનુભવ છે જ પરંતુ મોટાપાયે પ્રદૂષણ કરવાથી ગરમીનો પ્રકોપ વધી શકે છે. જે યુરોપમાં ભારે ઠંડી પડતી હતી તે યુરોપમાં ગરમીને કારણે હાહાકાર હોય તો ક્લાઈમેટ ચેન્જ ભારતની શું દશા કરી શકે છે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. ભારત સરકારે યુરોપની આ સ્થિતિ પર ગંભીરતાથી વિચારવાની જરુરીયાત છે. ભારતમાં એટલી હદે ગંભીર સ્થિતિ છે કે ગમે ત્યાં ગમે ત્યારે જોખમી કચરો ઠાલવી શકાય છે. ભારત સરકારે તાકીદના ધોરણે ક્લાઈમેટ ચેન્જ મુદ્દે વધુ ગંભીરતા બતાવીને પગલાઓ લેવાનો સમય છે. જો તેમ નહીં થાય તો ભારતની દશા યુરોપ કરતાં પણ ખરાબ થશે તે નક્કી છે.

Most Popular

To Top