Entertainment

એશા ટકી રહેવાનો કસબ જાણે છે

એક વાત એટલી તો સાચી છે કે મહેશ ભટ્ટની ફિલ્મોમાં જેને અભિનયની તક મળી હોય તે ફિલ્મજગતમાં ભુલાઇ તો નથી જ જતી. સામાન્યપણે તે ઝુઝારુ મિજાજની હોય છે ને સંજોગોને લડી લે છે. અત્યારે એશા ગુપ્તાનું નામ લઇ શકો. 2007ની ફેમિના મિસ ઇન્ડિયા એશાએ મોડલીંગથી જ શરૂઆત કરેલી ને પછી ટી.વી. પર પણ કામ કરી જોયું. મહેશ ભટ્ટની ‘જન્નત-2’ એકદમ સફળ રહી.

તેમાં તેનો હીરો ઇમરાન હાશ્મી હતો પણ મૂળ વાત તો પરદા પર અભિનયની હતી. એ ફિલ્મ પછી વળી મહેશ ભટ્ટના બેનરની જ ‘રાઝ થ્રીડી’માં તે આવી. પ્રકાશ ઝાની ‘ચક્રવ્યૂહ’માં તે અર્જુન રામપાલ, અભય દેઓલ સાથે આવી. ફિલ્મોદ્યોગના લોકોને સમજાય ગયું કે એશા કામની છે. જે ટકી રહેવાનો કસબ જાણે છે. તે કામ મેળવી લે છે. એશાને આ કારણે જ ‘હમશકલ્સ’, ‘ટોટલ ધમાલ’ અને ‘રૂસ્મત’, ‘બાદશાહો’ પણ મળી. થ્રીલર હોરરથી આગળ વધી તે કોમેડી ફિલ્મોમાં ય સક્સેસ થઇ.

દહેરાદૂન,હૈદ્રાબાદ, દિલ્હીમાં મોટી થયેલી એશાના પિતા એરફોર્સ અધિકારી હતા એટલે ઉડાન અને લડાયક મિજાજ તો તેના લોહીમાં છે. જે ફિલ્મી કુટુંબમાંથી નથી આવતા તે આપોઆપ પ્રયોગશીલ હોય છે. તેમને ખબર નથી હોતી કે ફિલ્મોમાં સેઇફ ઝોન કયો હોય છે. કામ કરતા જવાનું અને સફળ થયા તો તેમાંથી જ રસ્તો મળે. એશા એવું જ કરતી આવી છે. ટોપ ફાઇવ હીરોઇનમાં હું આવીશ એવું તેણે કદી વિચાર્યુ નથી કારણે દરેક ફિલ્મને અહીં સ્ટેટસ બદલાતું હોય છે.

ટોપ સ્ટાર સાથે ફિલ્મો મળે તો જ કામ કરવું એવું ય તેણે નથી રાખ્યું અને મોટી ભૂમિકા ન મળે તો નાની ય કરી લેવી એવું તે માને છે. મોટા બેનરની ફિલ્મો જ મોટા બનાવે તેવું તે ધારતી નથી. આ કારણે જ તે ‘કમાંડો-2’માં વિદ્યુત જામવાલા સાથે આવી હતી. ‘બાદશાહો’માં અજય દેવગણ, ઇમરાન હાશ્મી, ઇલિયાના ડિક્રુઝ હતા પણ એશાએ પોતાની જગ્યા મેળવી લીધેલી.

છેલ્લા 5-7 વર્ષથી તે તમિલ-તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી લે છે. અલબત્ત 2019 પછી દોઢેક વર્ષમાં ‘હેરાફેરી-3’, ‘દેસી મેજીક’, ‘ટિપ્સી’, ‘મિસમેચ ઇન્ડિયા’માં તે કામ રહી છે. ‘હેરાફેરી’ની ત્રીજી સિક્વલ અટવાયેલી છે. એટલે હમણાં એ ફિલ્મ પાસે આશા નથી રાખતી પણ ‘દેસી મેજીક’ તો અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ છે જેમાં તે ઝાયેદ ખાન સાથે આવી રહી છે. ‘ટિપ્સી’ ફિલ્મ દિપક તિજોરી બનાવી રહ્યો છે.

અગાઉ તે નિષ્ફળ ગયો છે. પણ ફરી કાંઇક કરવા માંગે છે. ત્રણ છોકરીઓ લંડનમાં બેચલર પાર્ટી માટે જાય છે ને ધારણાથી જૂદું જ બને છે તેની આ વાર્તા છે. ‘મિસ મેચ ઇન્ડિયા’માં અનુપમ ખેર, જેક્લીન ફર્નાન્ડિસ છે. ઘણીવાર નાના નિર્માતા અને ઓછી જાણીતા દિગ્દર્શકો વિષયથી માંડી ટ્રીટમેન્ટથી ફરક પાડી દેતા હોય છે. દરેક ફિલ્મ કોઇ ‘શોલે’ કે ‘દિલવાલે દુલ્હનીયાં લે જાયેંગે’ યા ‘હમ આપકે હે કોન’ નથી હોતી. ફિલ્મોમાં કામ કરતા રહેવાથી જે સફળતા મળે તે સિલકમાં ઉમેરતા જવી. એશા આ અભિગમથી ટકી છે ને ટકવા ધારે છે. ગયા વર્ષે તે એક વેબસિરીઝમાં ય આવી હતી. જોકે તેનું વલણ ફિલ્મોનું જ છે ને એમાં જ ટકવું છે.

Most Popular

To Top