Entertainment

એશા દેઓલના છૂટાછેડા થયા, હેમા માલિનીએ 11 વર્ષ પહેલા કરાવ્યા હતા લગ્ન

નવી દિલ્હી: ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિનીની (Hema Malini) પુત્રી અને બોલીવુડ અભિનેત્રી એશા દેઓલે (Isha Deole) પતિ ભરત તખ્તાનીથી (Bharat Takhtani) અલગ થવાની જાહેરાત કરી છે. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે કપલ અલગ થઈ ગયું છે. દરમિયાન એશા અને ભરત લાંબા સમયથી કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં (Event) સાથે જોવા મળ્યા ન હતા. હવે અફવાઓને સમર્થન આપતા કપલે (Couple) જાહેરાત કરી છે કે તેઓ બંનેની પરસ્પર સંમતિથી અલગ (Divorce) થઈ ગયા છે.

દંપતીએ તેમના અલગ થવા વિશે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ‘અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં અમે અમારા બંને બાળકોની ભલાઇનો વિચાર કર્યો છે. બંને બાળકો અમારા માટે હંમેશા પ્રથમ રહેશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો.’

જાન્યુઆરી 2024માં એશા અને ભરતના છૂટાછેડા અંગે ચર્ચાઓ થઈ હતી. એશા દેઓલ અને ભરત તખ્તાની વચ્ચેના તૂટેલા સંબંધો વિશે બોલિવૂડના કોરિડોરમાં ઘણી ગપસપ હતી. જે Reddit પર વાયરલ પોસ્ટને કારણે શરૂ થઇ હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે કપલ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. ત્યાર બાદ યુઝર્સે જોયું કે વર્ષ 2023થી શરૂ થતી તહેવારોની સીઝનમાં એશા દેઓલ ફક્ત તેની માતા હેમા માલિની સાથે જોવા મળી હતી. તેમજ આમિર ખાનની દીકરી આયરા ખાનના રિસેપ્શનમાં પણ એશા માતા હેમા સાથે આવી હતી.

માતા હેમા માલિની સિવાય એશા દેઓલ તેણીની બે દીકરીઓ સાથે જોવા મળી હતી. તેમજ એશા નાની-મોટી ઈવેન્ટ્સમાં એકલી જ હાજરી આપતી જોવા મળી હતી. આ સાથે જ તેણી અલગ-અલગ દિવાળી પાર્ટીઓમાં પણ એકલી જ હાજરી આપતી હતી. જ્યારે હંમેશા એવું રહ્યું છે કે તેણી તેણીના પતિ ભરત તખ્તાની સાથે ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં હાજરી આપે છે. એટલું જ નહીં ભરત સાસુ હેમા માલિનીના 75માં જન્મદિવસની ઉજવણીમાં પણ હાજર રહ્યો ન હતો. જેનાથી અફવાઓને વધુ બળ મળ્યું કે દંપતી વચ્ચે બધું બરાબર નથી.

અભિનેત્રીએ જૂન 2023માં પતિ ભરત સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરીને તેની 11મી એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. એશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેઓલ પરિવારની ખુશી જોવા જેવી હતી. દીકરીને જતા જોઈ ધર્મેન્દ્ર રડી પડ્યા હતા. તેમજ તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દંપતીને આ લગ્નથી રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ છે.

Most Popular

To Top