Madhya Gujarat

ચારૂસેટમાં કર્મી માટે ‘અર્ગોનોમિક વર્કપ્લેસ પ્રોજેકટ’ લોન્ચ કરાયો

આણંદ : ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓના હિતલક્ષી નવતર પહેલ અતર્ગત એમ્પ્લોય કેર પ્રોગ્રામ ‘અર્ગોનોમિક વર્કપ્લેસ પ્રોજેકટ’ લોન્ચ કરાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં અર્ગોનોમિક્સ એન્ડ મેન્યુઅલ હેન્ડલિંગ ટ્રેનીંગ સેશન શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મસ્ક્યુલોસ્કેલેટલની સમસ્યાઓથી પીડાતા સ્ટાફ માટે ફ્રી ફિઝીયોથેરાપી સારવાર કરવામાં આવશે. ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓની સુવિધા માટે નવતર અને અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત એમ્પ્લોય કેર પ્રોગ્રામ ‘અર્ગોનોમિક વર્કપ્લેસ પ્રોજેકટ’ લોન્ચ કરવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને અર્ગોનોમિકસ વિજ્ઞાનનો ઉપયોગ કરીને સુચારુ વર્કપ્લેસ આપવાનો આ અનોખો પ્રયોગ છે.

આ પ્રોજેક્ટનું સંયોજન ચારૂસેટ બિલ્ડીંગ કમિટીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષનો અનુભવ ધરાવનાર અર્ગોનોમિસ્ટ/ ફિઝીયોથેરાપીસ્ટ ડો. નીલમ પટેલ, દીપલ સુખડિયા અને મૌલિક પટેલ દ્વારા કરવામાં આવે છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં જુલાઇ 2020માં એઆરઆઈપીના પ્રિન્સિપાલ ડો. બાલાગણપતિની મદદથી સ્ટાફ દ્વારા 3 કોલેજોમાં અર્ગોનોમિક સર્વે કરાયો હતો. આ સર્વેના તારણ મુજબ બહાર આવ્યું કે મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી ડેસ્ક જોબ પર ખરાબ પોશ્ચરથી કામ કરતાં હતા. 88 ટકા લોકોએ સ્ક્રીન સેટઅપ, 96ટકા લોકોએ ચેર સેટઅપ, 52 ટકા લોકોએ ડેસ્ક સેટઅપ બરાબર કર્યા નહોતા.

આ ઉપરાંત ફર્નિચર ડિઝાઇન-જોબ ડેસ્ક વચ્ચે પણ બિનસાતત્ય જોવા મળતું હતું.આ સર્વેના આધારે સ્ટાફમાં અર્ગોનોમિક અને પોશ્ચરિંગ વિશે જાગૃતિ ફેલાવવાની તેમજ વર્ક સ્ટેશન એસેસમેન્ટ કરવાની, પોશ્ચરિંગના લીધે શારીરિક તકલીફ પડે છે કે નહીં અને તેમાં યુનિવર્સિટી કઈ રીતે મદદરૂપ થઈ શકે તેની જરૂરિયાત જણાઈ હતી. જેના આધારે અર્ગોનોમિકના અનુભવને ધ્યાનમાં લઈ ડો. નીલમ પટેલને આ પ્રોજેક્ટની જવાબદારી અપાઈ હતી. આ જરૂરિયાતોના આધારે ચારુસેટ દ્વારા અર્ગોનોમિક્સ વર્કપ્લેસ પ્રોજેકટ 2020માં લોન્ચ કરાયો અને પ્રથમ તબક્કામાં અર્ગોનોમિક્સ એન્ડ મેન્યુઅલ હેન્ડલિંગ ટ્રેનીંગ સેશન શરૂ કરવામાં આવ્યા હતા.

દરેક સેશનમાં લગભગ 20 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સેશનમાં સ્ટાફને તાલીમ યોગ્ય ડેસ્ક સેટ અપ, મેન્યુઅલ હેન્ડલિંગના સિદ્ધાંતો, પોશ્ચર સુધારવા કેટલીક કસરતો વગેરે વિષે માહિતી અપાઈ. ટ્રેનીંગ લીધા સ્ટાફે આ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં કહ્યું કે આ પ્રોજેકટની માહિતીથી અમે ડેસ્ક સેટ અપ ચેન્જ કર્યા છે અને પોશ્ચરમાં ફેરફાર કર્યો જેનાથી અમારા કમ્ફર્ટ લેવલમાં સુધારો થયો છે.

એમ્પ્લોય કેરની બીજી બ્રાન્ચ ‘મસ્ક્યુલોસ્કેલેટલ વેલબીઇંગ પેકેજ’ છે. આ પેકેજમાં મસ્ક્યુલોસ્કેલેટલની સમસ્યાઓથી પીડાતા સ્ટાફ માટે ફ્રી ફિઝીયોથેરાપી સારવાર કરવામાં આવે છે. જેમાં સ્ક્રીનીંગ/ નિદાન/ સારવાર અને વર્કસ્ટેશનમાં બદલાવ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મે 2022 સુધીમાં 160 કલાક ફ્રી ફિઝીયોથેરાપી સારવાર સ્ટાફને આપવામાં આવી છે. નોંધનીય છે કે ચારુસેટ હંમેશા પોતાના કર્મચારીઓનું હિત અને આરોગ્યલક્ષી બાબતોનું ધ્યાન રાખે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે જેના ભાગરૂપે સ્ટાફમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ પ્રોજેકટ કાર્યરત છે.

Most Popular

To Top