Columns

‘કોણ’ શબ્દ ભૂંસી નાખો

એક એકદમ મનમોજી બા.પહેરે ગુજરાતી સાડી અને કપાળે મોટો ચાંદલો અને એવું જ ચમકતું સ્મિત. હોઠો પર હંમેશા ખુશ રહે.હસતા રહે અને હસાવતાં રહે.કમ્પ્યુટર પણ વાપરી જાણે અને ટેબ્લેટ અને સ્માર્ટ ફોન પણ.સેલ્ફી લેતાં થાકે નહિ અને ક્યારેય કોઈ વસ્તુની ના નહિ.જે ન આવડે તે શીખવા તૈયાર અને પોતાને આવડતું બીજાને શીખવવા પણ તૈયાર.કરાઓકે માં ગીત ગાય અને અંતાક્ષરીમાં પણ જીતી જાય.આ બાનુ નામ નીલા બહેન બધાને એકદમ આનંદમાં રાખે એટલે આનંદી બા તરીકે કુટુંબમાં સોસાયટીમાં સમાજમાં બધે જ ઓળખાય.અરે, ટ્રેનમાં મુસાફરી કરે તો  ત્યાં સાથી મુસાફરો અજાણ્યાં હોય તેમનાં પણ પ્રિય થઇ જાય.

એક દિવસ ઘરમાં બધાએ સાથે મળીને પીકનીકનો પ્રોગ્રામ બનાવ્યો.ટ્રેનમાં સાથે મળીને મજાક મસ્તી કરતાં બધાં મોજ માણી રહ્યાં હતાં. આજુબાજુ પણ બીજાં મુસાફરોને મજા આવી રહી હતી.આનંદી બાએ તેમને પણ સાથે જોડાવા કહ્યું અને બધાં મસ્તીમાં જોડાયાં.થોડો વખત જોક્સ…મિમિક્રી..બાદ અંતાક્ષરી પછી અલકમલકની વાતો શરૂ થઇ. એક લેખક મુસાફરે આનંદી બાને પૂછ્યું, ‘બા , તમારી તો દરેક વાત અનોખી છે.તમારી પાસે જીવનનો અનુભવ છે. શું તમે અમને જણાવશો કે જીવનમાં ખુશ અને હંમેશા શાંત રહેવા માટે તમે શું કરો છો? કે શું કરવું જોઈએ?’ બા હસ્યાં અને પછી બોલ્યાં, ‘મેં વર્ષો પહેલાં મારા જીવનમાંથી એક શબ્દ કાઢી નાખ્યો છે અને જ્યારથી તે શબ્દ કાઢ્યો, હું બહુ ખુશ છું. આનંદમાં રહું છું અને આનંદ વહેંચું છું અને મન પણ એકદમ શાંત રહે છે.’

એક જણે પૂછ્યું,‘કયો શબ્દ?’બધા તે શબ્દ જાણવા આતુર બન્યાં. બા એ કહ્યું,‘ એ શબ્દ છે- ‘કોણ?’ મેં જીવનમાં કોણ શબ્દ સાવ ભૂંસી જ નાખ્યો છે. એટલે કોણ શું કહેશે? કોણ શું બોલે છે?  કોણ મારું અપમાન કરે છે? કોણ મારું ધ્યાન રાખે છે? કોણ શું વિચારે છે? કોણ શું કરે છે? કોણ કયાં જાય છે? કોણ કોણ એકબીજા સાથે છે કે એકબીજાના દુશ્મન છે? કોણ શું કહેશે? કોણ આવશે? કોણ જશે? બાજુમાં કોણ આવ્યું? મારા ઘરે કોણ ન આવ્યું? કોણ મારી સાથે ના બોલ્યું? કોણ મજાક ઉડાડશે? આવા અનેક મનની શાંતિ અને દિલનો આનંદ ચોરી લેતાં ‘કોણ શબ્દ સાથે જોડાયેલા બધા જ પ્રશ્નો વિષે તેના જવાબ વિષે મેં વિચારવાનું જ છોડી દીધું છે.મને અને મારા મનને જે ગમે તે કરું છું. આનંદમાં રહું છું અને બધાને આનંદમાં રાખું છું.’ બા નો જવાબ સાંભળી લેખક બોલ્યા, ‘બા તમારા અનુભવો અને વાતો તો ડાયરીમાં લખી લેવા જેવી છે. આજથી હું પણ જીવનમાંથી કોણ શબ્દ ભૂંસી નાખીશ.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top