Comments

અત્યારના સમાજ પ્રમાણે પોતાને સજ્જ કરો અને અધિકારની લડાઈ લડો

આર્થિક સ્વાવલંબન વગર મહિલાઓનું સ્થાન કદી ઉન્નત બની શકવાનું નથી. રાજસ્થાનના અજમેર જિલ્લામાં મહિલાઓ દ્વારા રચાયેલા સ્વસહાય જૂથોની કામગીરી નારી ઉત્થાનની દિશામાં સીમાચિહ્ન કદમ દર્શાવે છે. ગામડાંની નારી, સ્વતંત્ર આવક ઊભી કરે પછી તેનામાં જે ગજબનો આત્મવિશ્વાસ આવે છે તે જોવા માટે અચૂક રાજસ્થાન જવું પડે. મહિલા અધિકારિતાના સમયમાં જોવા મળતું આ પરિવર્તન ગ્રામીણ મહિલાની આત્મસૂઝની ખાતરી આપે છે. અન્યથા નિરક્ષર મહિલા ભાંગ્યા તૂટ્યા અક્ષરે પણ હિસાબ લખતી હોય તેવું દૃશ્ય ક્યાં જોવા મળે?

ધિરાણનું માળખું ગામડાં સુધી પહોંચાડવા માટે બેંકની અનેક શાખાઓ ખોલવામાં આવી હોવા છતાં ગરીબ માણસને બેંક પાસેથી નાણાં મેળવતાં નાકે દમ આવી જતો હતો. આથી ધિરાણ તરીકે જરૂરી રકમ મેળવી, લાભાર્થીઓ સહિયારા ધિરાણને ધંધામાં ફેરવે તેવા આશયથી સ્વ-સહાય જૂથની રચના કરવાનો પ્રયોગ વર્ષ ૨૦૦રમાં રાજસ્થાનમાં અમલમાં મુકાયો હતો. આ સમયે રિઝર્વ બેંકે તમામ ગ્રામીણ બેંકોને આદેશ આપેલો કે સ્વ-સહાય જૂથ દ્વારા થતા ધિરાણને માન્યતા આપવી તથા તેમને જરૂરી રકમ પણ પૂરી પાડવી.

ગુજરાત પ્રયોગની વાત કરીએ તો રાજયમાં ૧.૫૭ લાખ ગ્રામીણ મહિલાઓ દ્વારા ૪૫૦૦ સ્વ-સહાય જૂથોની રચના થઈ. જેમની અંગત બચત રૂ. બે કરોડની થઈ. નાબાર્ડની મદદથી તેમને રૂ. ત્રણ કરોડનું પરોક્ષ ધિરાણ મળ્યું અને પછી તો ગામડાંની બહેનો સમજી ચૂકી કે પૈસાની જરૂર પડે ત્યારે તેમનાં ઘરેણાં ગિરવે મૂકવાના દિવસો ગયા. શરાફને હવે તગડું વ્યાજ ચુકવવાનું નથી. શ્રમ, ઉત્પાદન, બચત અને ધિરાણની સવલતનું પરિણામ બહેનોએ નજર સામે અનુભવ્યું છે.

ભારત સરકારની સ્વ-સહાય જૂથ યોજના અંતર્ગત ૧૫ થી ૨૫ બહેનો સાથે મળી મંડળ રચી શકે છે. જૂથના ખજાનચી તરીકે કોઈની સર્વાનુમતે વરણી થાય છે. દરેક મહિલા પોતાની પાસેથી થોડી રકમનો ફાળો જૂથમાં જમા કરાવે છે અને આવી એકત્રિત થયેલી કુલ રકમની સામે બેંકો પાસેથી ધિરાણ માંગી શકે છે. ત્યારબાદ જૂથ પોતાના સભ્યોને મધ્યમ કદનો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ આપી શકે છે. જૂથની આગેવાન તથા મહિલાઓને હિસાબ લખવાની તથા બેંક સાથે કામ પાડવાની તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તમામ જૂથમાં એક નિયમ સમાન છે કે મહિનામાં એક વખત અચૂક બેઠક યોજવી.

એક અભ્યાસથી જોવા મળ્યું છે કે સામાન્ય રીતે સ્વ-સહાય જૂથની ૬ર% મહિલા સભ્ય ધિરાણની રકમનો ઉપયોગ પોતાના ઢોરઢાંખર માટે ઘાસચારો તથા પશુદાણ ખરીદવા માટે યોજે છે. દૂધની આવક ઊભી કરી ધિરાણની રકમ પરત ચુકવતી બહેનોની સંખ્યા ૪૭% છે. જૂનું દેવું ચૂકવવા માટે કે સામાજિક ખર્ચ માટે પણ મહિલાઓ ધિરાણ મેળવી શકે છે. શાકભાજી-ફળોની લારી, માટીકામ પ્રકારે લઘુ વ્યવસાયોમાં પણ ૩૧% બહેનો ભંડોળમાંથી લોન મેળવી રહી છે.

સ્થળ સ્થિતિની વિગતો જોઈએ તો ભૂજનાં રતનબહેનને બિમારીના ઈલાજ માટે તાબડતોબ પૈસાની જરૂર પડી, નાણાં ધીરધાર કરતા શરાફ પાસે જમીન ગીરો રાખીને ઊંચા વ્યાજે રૂપિયા લીધા વગર છુટકો નહોતો. આવા કપરા સમયે ‘સ્વ-સહાય જૂથે’ રૂ.૮૦૦૦ની સહાય કરી ને સ્વમાનભેર ઈલાજ થયો અને શરાફની વ્યાજખોરીમાંથી બચી શકાયું. આજે રતનબહેન શાંતિથી પોતાની કમાણીમાંથી હપ્તા ચૂકવી રહ્યાં છે.

ગણપતપુરા મંડળની સ્થાપના કરનાર જમુનાબહેન ગૌરવથી કહે છે કે રૂ.૪,૦૦૦ની મૂડી મહિલા સભ્યો પાસેથી એકઠી કરી બેંક પાસેથી રૂ. ૧૫ હજારનું ધિરાણ મેળવી બતાવ્યું હતું. સ્વ-સહાય જૂથમાંથી લોન લઈ સિલાઈ મશીનની ખરીદી કરી હતી. હવે તે કપડાં સીવીને ૧૦૦% રકમ ચૂકતે કરી છે. આવા અસંખ્ય સફળ દાખલાઓ વિવિધ જિલ્લાઓમાં મોજૂદ છે. ધિરાણની રકમ અર્ધશિક્ષિત મહિલાઓ સુધી પહોંચાડી બહેનોના નિજી વિકાસમાં મદદરૂપ થતી આ યોજનાનું સૌથી સબળ પાસું એ છે કે બહેનો દ્વારા લોનની રકમ કદી ડૂબી નથી. હપ્તાઓ પણ નિયમિત રીતે મળતા રહે છે.

વર્ષ ૨૦૧૦-૨૦૨૧ દરમિયાન ગુજરાતના ૨૭ જિલ્લાઓના ૮૫૬ તાલુકાનાં ૧.૫ લાખ ગામડાંઓમાં મહિલા સ્વ-શક્તિકરણની સુવિધા પહોંચી છે. ગ્રામીણ વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી મહિલાઓને માહિતી અને તાલીમ દ્વારા સક્ષમ બનાવવી અને તેઓના સંગઠન ને પ્રાકૃતિક સંસાધનોની મદદથી આર્થિક રીતે સક્ષમ કરવાના હેતુ સબબની આ કામગીરીમાં ૧૭.૭ લાખ મહિલાઓ જોડાઈ છે. જે પૈકીની ૬.૧૮ લાખ બહેનો આત્મનિર્ભર અને પોતાના કુટુંબનો આધાર બની છે, જે રાજય સરકારના અહેવાલથી સ્પષ્ટ થાય છે.

કંઈક નવું શીખવાની તત્પરતા કોઈ પણ રીતે શહેરી વિસ્તારની મહિલાઓ કરતાં ઓછી ન હોવાના કારણે ગુજરાતની આદિવાસી પટ્ટી ઉપર પણ બહેનો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભળીને સ્વશક્તિકરણ કાર્યક્રમમાં ભાગીદાર બની છે. પોતાના ઘરખર્ચ માટે કે આકસ્મિક માંદગી માટે ઉછીના-પાછીના કરતી બહેનોની થોડી-ઘણી કમાણીને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. પરંતુ ઘર ખર્ચમાં મહિલાઓ ઉપયોગી થવા લાગતાં પુરુષોના વલણમાં હવે સહકાર વધ્યો છે. પોતાની પત્ની, બહેન કે ભાભી કમાણી કરતી સ્ત્રી બનતાં તેમના તરફ સામાજિક આદર વધ્યા છે. એટલું જ નહીં પણ કુટુંબની નિર્ણયપ્રક્રિયામાં કમાતી સ્ત્રીઓનો મત વજનદાર બન્યો છે. ગુજરાતની ૧૩૨ થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી પ્રારંભાયેલ આ ચળવળના છેલ્લાં ૧ વર્ષ દરમિયાન બહેનો પોતાનાં બાળકોનું ભરણપોષણ કરી શકે તેટલું કમાતી તો થઈ છે.ઉપરાંત ગ્રામસભાઓમાં ભાગ લઈ પોતાની સમસ્યાઓ નિડરતાથી રજૂ કરતી થઈ છે. ૧૨,૭૦૦ થી વધુ બહેનો પંચાયત રાજયની સંસ્થાઓમાં પદાધિકારી તરીકે બિરાજમાન થઈ છે જે નોંધનીય છે.

બહેનો પોતે બચત કરતી થાય, ૬ માસ પછી બચતનાં કુલ એકત્રિત નાણાં જેટલું જ બીજું ભંડોળ સરકારમાંથી મળે, ત્યાર બાદ બેંક જે તે સ્ત્રીને ધિરાણ આપી આર્થિક વિકાસને આગળ વધારવા પહેલ કરે તેવી મૂળ યોજના છે. પરંતુ ગરીબ માણસના જામીનમાં ભરોસો ન બેસતાં બેંકોના નબળા સહકારના લીધે સ્વશક્તિકરણ યોજનાનાં જૂથોને બેંકો સાથે જોડવાનું કામ કંઈક અંશે કપરું થઈ પડ્યું છે. આમ છતાં બહેનો ઘર આંગણાનાં વાડોલિયામાં શાકભાજી કરી, મરઘાં ઉછેરી, વનપેદાશોને એકત્ર કરી બજારમાં વેચે છે તો શહેરી કેન્દ્રો સૌંદર્ય પ્રસાધનનાં સાધનો વિકસાવી ઉદ્યોગો માટેની નાની જરૂરિયાતો તૈયાર કરી પૂરક રોજગાર મેળવે છે.

આર્થિક વિકાસની પ્રથમ હરોળમાં ગુજરાતી ગ્રામીણ સ્ત્રીઓ પણ અગ્રેસર રહે તે દિશાનો પ્રયોગ દેશનાં અન્ય રાજયો માફક સુખદ અને અનુકરણીય રહ્યો છે. વિકાસની વાટ સાથે સ્વ વિકાસની વાત જોડી દેતો આ પ્રયોગ સફળ રહેતાં એક વાત સાબિત થાય છે કે આર્થિક સ્વાવલંબન વગર મહિલાઓનું સામાજિક સ્થાન કદી ઉન્નત બની શકવાનું નથી. આધુનિક સમયમાં હવે પૈસો પરમેશ્વર બની બેઠો છે ત્યારે તો આર્થિક રીતે સ્વાવલંબી બહેનો જ પોતાના શિક્ષણ, અંગત પસંદગી, લગ્ન કે માતૃત્વ ધારણ કરવાના નિર્ણયો ગૌરવથી લઈ શકે છે. એટલું જ નહીં પણ સામાજિક રીતે સન્માન પામવા અધિકારિક રહે છે. ત્યારે વિકાસના વાહક તરીકે પ્રથમ હરોળમાં આવવા સ્ત્રીઓ વધુ શિક્ષિત બને, સ્વાવલંબી બને તે સમયની માંગ છે. 
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top