Charchapatra

સમીકરણ સૂત્ર

સરખું ન હોય તેને સરખું  કરવાની ક્રિયા, સમાન કરવું એટલે સમીકરણ. ગણિતમાં બેઉ બાજુ કે પદો સરખાં કરવાની પ્રક્રિયા ઈકવેશન છે. ગણિતમાં સમીકરણ-સૂત્ર ખોટું પડે તો આખો દાખલો ખોટો પડે. અંતે બધી જ ગણતરી ખોટી પડી જાય. ગણિતમાં સિદ્ધાંતના મૂળમાંનું સ્વરૂપ, ફોર્મ્યુલા, નિયમ વાક્ય સારું, સાચું હોવું અનિવાર્ય. જીવન ગણિતમાં પણ સમીકરણ-સૂત્ર યોગ્ય હોય તે જરૂરી છે. જીવનમાં નિયમ મુજબ ન ચાલીએ અને પછી સફળતા મેળવવા દોરા, ધાગા, ત્રાગ, તંતુ અને કંદોરો વગેરે કરીએ એ કામ કરતાં નથી. જીવન ફોર્મ્યુલા સાચી હોય તો જ ઈકવેશન સાચું સાબિત થઈ શકે. ગણતરી ખોટી પડે પછી કોઈ કળા કસબ કામમાં ન આવે.

જેવું કરો તેવું ભોગવવું પડે. વર્તમાનમાં કે ભવિષ્ય માટે ગણતરી કરીને જ આગળ ચાલવું જોઈએ. નાણાં કમાવાની હોડમાં સંતાનોને સંસ્કાર આપવાનું ચૂકી જાય પછી સાચવેલી સંપત્તિ કામમાં આવતી નથી. કામ અને આરામ વચ્ચેનાં સમીકરણ પણ યોગ્ય રીતે ગોઠવવામાં સમજદારી છે. સફળતાની દોડમાં કુટુંબને ભૂલીને આગળ જવામાં સરવાળે બાદબાકી થઈ જાય એમ પણ બની શકે. ટૂંકમાં જમા અને ઉધારનાં સમીકરણ સૂત્રો સાચવવાની જરૂર છે. જીવનમાં ઉપજ-ખર્ચના સમીકરણ અયોગ્ય હોય તો જીવનનું પાકું સરવૈયું મળતું નથી. જીવનમાં સમીકરણો-સૂત્રો સાચવીએ.
નવસારી  – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુનાહિત પ્રવૃત્તિઓ વધવાનું કારણ
તમે રોજ વર્તમાનપત્રો વાંચો ત્યારે આંખે ઊડીને વળગે તેવી કોઈ વાત હોય તો ઘણા સમાચારો જુદા જુદા ગુનાઓ અંગેના જોવા મળશે અને તેમાં કેટલાક તો એવા ગુના હશે કે તે આપોઆપ પુરવાર થઈ જ જાય, જેમાં કેસ ચલાવ્યા વગર સીધેસીધી સજા સંભળાવી શકાય. પણ આપણા દેશમાં કાયદાઓનું સ્વરૂપ એવું છે કે દરેકે દરેક કાયદાઓમાં છટકબારીઓ છે અને એ છટકબારીઓનો ઉપયોગ કરીને વકીલો રીઢા ગુનેગારોને પણ છોડાવે છે. પરિણામ એ આવે છે કે કોઇ પણ ગુનેગાર બેરોકટોક ગુના આચરે છે કારણ તેને ખબર છે કે બહુ બહુ તો થોડો સમય જેલમાં વિતાવવો પડશે પણ છેવટે તો તે નિર્દોષ છૂટવાનો જ છે અને અમુક ગુનેગાર તો એવા પણ હોય જેમને ખાવાનાં ફાંફાં હોય એટલે ગુનો કરે અને જેલભેગો થાય તો બે સમય જમવાનું તો મળે.

રહી વાત વકીલોની. તો વકીલોનો તો ધંધો છે અસીલનો કેસ લડવાનો. પણ જો કાયદામાં જે છટકબારીઓ છે તે બંધ કરવામાં આવે તો જ કંઈ ફરક પડે. કાયદાઓમાં રહેલી છટકબારીઓ તાત્કાલિક અસરથી દૂર કરવાની જરૂર છે. બીજું, જ્યાં કેસ ચલાવ્યા વગર ચુકાદો આપી શકાતો હોય ત્યાં તેમ કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે હમણાં દિલ્હીમાં જાહેરમાં એક યુવકે એક મહિલાની ચપ્પુના ૨૦ ઘા મારી હત્યા કરી. આ બધું રેકોર્ડ પણ થયેલું છે. હવે જ્યારે યુવકે હત્યા કરી જ છે તેની સાબિતી પણ છે તો તેવા કિસ્સાઓમાં કેસ ચલાવ્યા વગર તાત્કાલિક આકરામાં આકરી સજા થવી જોઇએ. જો દેશમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો હોય તો આ પ્રકારનાં પગલાં અને કાયદાઓની છટકબારી દૂર કરવી જરૂરી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top