વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં એક રહસ્યમય વાયરસનો રોગ દેખાયો હોવાના અહેવાલ બહાર આવ્યા અને આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો હોવાનું જણાયુ અને તેનો રોગચાળો ૨૦૨૦ના વર્ષની શરૂઆતથી ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવા માંડ્યો ત્યારથી લઇને હજી સુધી આ રોગચાળાનો પ્રકોપ આખા વિશ્વમાં વધતે ઓછે અંશે ચાલુ જ છે અને આ રોગચાળાનો અંત આવવા બાબતે જાત જાતની ચર્ચાઓ થઇ રહી છે અને નિષ્ણાતોના અભિપ્રાયો રજૂ થઇ રહ્યા છે પરંતુ આ રોગચાળાનો અંત ક્યારે આવશે તે હજી સ્પષ્ટ રીતે સમજાતું નથી. ભારતમાં પણ ૨૦૨૦ની શરૂઆતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો હતો અને હાલમાં અહીં આ રોગચાળાનું ત્રીજું મોજું ચાલી રહ્યું છે.
બીજા મોજામાં તો દેશમાં ખાસ્સો હાહાકાર મચ્યો હતો. સદભાગ્યે હાલ ત્રીજા મોજામાં હજી સુધી એટલો હાહાકાર મચ્યો નથી. આ ત્રીજું મોજું મોટેભાગે નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી દોરવાયેલું મનાય છે અને આ વેરિઅન્ટથી અસર ઓછી થાય છે અને રોગ મંદ પડી રહ્યો છે તેવી ચર્ચાઓ વચ્ચે હવે દેશમાં આ રોગચાળાનો અંત આવશે તેવી અટકળો શરૂ થઇ છે. દુનિયાભરમાં પણ આ રોગચાળાનો અંત આવશે તેવી આશાઓ વ્યક્ત થઇ રહી છે, પરંતુ આ સાથે જ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે ઓમિક્રોન વેરિઅન્ટ એ છેલ્લો જ વેરિઅન્ટ છે એમ માનવું નહીં અને આ રોગચાળાનો અંત આવી ગયો છે એમ માનવું ભયંકર હશે.
હાલમાં ભારતના સંદર્ભમાં એક એવું વિશ્લેષણ રજું થયું છે કે જે સૂચવે છે કે ભારતમાં રોગચાળાનો અંત નજીક છે. ભારતની આર-વેલ્યુ જાન્યુઆરી ૧૪થી ૨૧ના સપ્તાહથી આ સપ્તાહમાં વધુ ઘટીને ૧.પ૭ થઇ છે જે સાથે આગામી બે સપ્તાહમાં દેશમાં કોવિડ-૧૯ના રોગચાળાની રાષ્ટ્રીય પિક આવી જવાની અપેક્ષા છે એ મુજબ આઇઆઇટી મદ્રાસ દ્વારા કરવામાં આવેલ એક પ્રાથમિક વિશ્લેષણ જણાવે છે. આર-વેલ્યુ એ એનો સંકેત આપે છે કે એક વ્યક્તિ આ રોગ કેટલો ફેલાવી શકે છે. જો આ વેલ્યુ ૧ની નીચે જાય તો રોગચાળાનો અંત આવેલો માનવામાં આવે છે.
આઇઆઇટી મદ્રાસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ જાન્યુઆરી ૧૪ અને જાન્યુઆરી ૨૧ વચ્ચે આર-વેલ્યુ ૧.૫૭ નોંધાઇ હતી. જાન્યુઆરી ૭થી ૧૩ના સપ્તાહમાં આ આંકડો ૨.૨ પર નોંધાયો હતો જ્યારે જાન્યુઆરી ૧થી ૬ના સપ્તાહમાં આર વેલ્યુ ૪ હતી અને ડીસેમ્બર ૨૫થી ૩૧ દરમ્યાન તે ૨.૯ હતી. આઇઆઇટી મદ્રાસના ડીપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ અને કોમ્પ્યુટેશનલ ગણિત અને ડેટા સાયન્સના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવેલ પ્રાથમીક વિશ્લેષણ પરથી આ માહિતી જાણવા મળે છે. આંકડાઓ મુજબ મુંબઇની આર વેલ્યુ ૦.૬૭, દિલ્હીની ૦.૯૮, ચેન્નાઇની ૧.૨ અને કોલકાતાની ૦.પ૬ છે.
વધુ સ્પષ્ટતા કરતા આઇઆઇટી મદ્રાસના ડીપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના એક નિષ્ણાત કહે છે કે મુંબઇ અને કોલકાતાની આર-વેલ્યુ દર્શાવે છે કે ત્યાં કોવિડના કેસોની ટોચ પુરી થઇ ગઇ છે અને તે હવે ત્યાં એન્ડેમિક બની રહ્યો છે જ્યારે દિલ્હી અને ચેન્નાઇમાં આર-વેલ્યુ હજી પણ ૧ની નજીક છે. જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આનુ કારણ એ પણ હોઇ શકે છે કે આઇસીએમઆરની નવી ગાઇડલાઇન્સમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની જરૂરિયાત દૂર કરવામાં આવી છે અને તેથી ત્યાં અગાઉ કરતા ઓછા ચેપો નોંધાઇ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાવાયરસની પીક ૬ ફેબ્રુઆરી સુધીમાં આગામી ૧૪ દિવસમાં આવી જાય તેવી શક્યતા છે. આ અગાઉની આગાહી જણાવતી હતી કે દેશમાં ત્રીજા મોજાની પીક ૧ ફેબ્રુઆરી અને ૧૫ ફેબ્રુઆરી વચ્ચે આવી જવાની શક્યતા છે. જો કે આ ત્રીજું મોજુ સમાપ્ત થવાની સાથે રોગચાળાનો પણ અંત આવી જશે અને તે એક સ્થાનિક પ્રકારનો રોગ બનીને રહી જશે એવી ધારણા યોગ્ય છે કે કેમ? તે હાલ સ્પષ્ટ કહી શકાય તેમ નથી.
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ હવે સામુદાયિક સંક્રમણના તબક્કામાં છે અને તે ઘણા મહાનગરોમાં મુખ્ય પ્રભુત્વ ધરાવતો વેરિઅન્ટ બની ગયો છે જે મહાનગરોમાં કોવિડ-૧૯ના કેસો ઝડપથી વધી રહ્યા છે એમ ઇન્સાકોગે તેના હાલના બુલેટિનમાં જણાવ્યું છે. કોવિડ-૧૯ના રોગ માટે જવાબદાર કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુના વેરિઅન્ટો જાણવા માટે સેમ્પલોનું જિનોમ સિકવન્સિંગ કરતા લેબોરેટરીઓના સંગઠનનું ટૂંકુ નામ ઇન્સાકોગ છે. આ લેબોર઼ેટરીઓના વાયરસના વિવિધ વેરિઅન્ટો માટેનો અભિપ્રાય મહત્વનો માનવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના મોટા ભાગના કેસો લક્ષણ વિહોણા કે મંદ રહ્યા છે અને આ ઓમિક્રોન હવે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં છે અને તે અનેક મોટા શહેરોમાં ડોમિનન્ટ બની ગયો છે એ મુજબ આ બુલેટિનમાં જણાવાયું છે. ઓમિક્રોન વેરિઅન્ટનો ફેલાવો વધી જાય અને આ વેરિઅન્ટથી થતો રોગ મંદ પ્રકારનો રહે છે તે જોતા પણ કોવિડનો રોગચાળો મંદ પડી જવાની આશા સેવવામાં આવે છે પરંતુ આ રોગચાળાનો અંત ક્યારે આવશે તે હાલ કદાચ કોઇ ચોક્કસ કહી શકે તેમ નથી. એક સદી પહેલા સર્જાયેલો સ્પેનિશ ફ્લુનો વૈશ્વિક રોગચાળો ત્રણેક વર્ષ ચાલ્યો હતો ત્યારે હવે આ રોગચાળો કેટલો લાંબો ચાલશે તે તો સમય જ જણાવશે.