Madhya Gujarat

પર્યાવરણીય પરિવર્તનોની માઠી અસર મહિલાઓ પર પડી છે

આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા નેશનલ સેમીનાર યોજાયો હતો.જેમાં ત્રણ વિષય નિષ્ણાંત દ્વારા કી પેપર રજૂ થયા હતા. આ નેશનલ સેમિનારમાં બીજા ટેકનીકલ સેશનમાં બે ભાગમાં કુલ 17 સંશોધન પેપર આવ્યા હતા જેમાંથી 15 સંશોધકોને પોતાનું સંશોધન પેપર રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં પ્રો. યોગેશ સી. જોશી, પ્રો. મીતેશભાઇ જયસ્વાલ, પ્રો. એસ. એસ. કલમકર અને ડો. કામીનીબેન શાહે સેશનમાં ચેરપર્સન તરીકેની કામગીરી નિભાવી હતી.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યુજીસી સેન્ટર ફોર એડવાન્સ સ્ટડીઝ ફેસ 2 અંતર્ગત ઈકોનોમીક્સ ઓફ જેન્ડર પોલીસી,કન્ટેમપ્રરેરી નરેટીવ એન્ડ પ્રોસ્પેક્ટસ  વિષય પર એક દિવસીય  નેશનલ સેમીનાર યોજવામાં આવ્યો હતો.આ સેમિનારના ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ માનનીય કા. કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે અર્થશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. મહેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રો. મહેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, જે તે સમયે સેમિનારમાં એચ. એમ. પટેલનાં માર્ગદર્શનમાં શૈક્ષણિક નિષ્ણાંતો ઉપરાંત નીતિ ઘડનારાઓ રસ ધરાવી, સેમિનારના તારણો અમલમાં લાવવા પ્રયત્નો કરતાં હતા. આ ઉપરાંત રજીસ્ટાર ભાઈલાલભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ સેમીનારમાં શાબ્દિક સ્વાગત અને સેમીનાર થીમનો પરિચય અર્થશાસ્ત્ર વિભાગાધ્યક્ષ અને સેમિનારના ડાયરેક્ટર ડો. કિંજલબેન આહીર દ્વારા આપવામાં આવ્યો હતો. આ સેમીનારમાં ત્રણ વિષય નિષ્ણાંત દ્વારા કી પેપર  રજૂ થયા હતા. જેમાં પ્રથમ ભાવનગર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. કે. એમ. જોશી દ્વારા જેન્ડર અને એજ્યુકેશન વિષય ઉપર રજૂ કરવામાં આવ્યું હતું.

પ્રો. કે. એમ. જોશીએ આંકડાકીય માહિતીના આધારે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણમાં ભાગીદારીનાં સંદર્ભે તો જાતિલક્ષી સમાનતા છે, પરંતુ વિષય પસંદગી જેમાં ખાસ એન્જિનીયરીંગ અને ટેકનોલોજી વિષયોમાં પુરુષો તરફેણમાં સંખ્યા વધુ છે. ડો. વિકાસ દેસાઈ દ્વારા કી પપેર જેન્ડર અને હેલ્થ વિષય ઉપર રજૂ કરવામાં આવ્યું હતું. પ્રો. ડો. વિકાસ દેસાઈએ માહિતીને આધારે જણાવ્યું હતું કે, પર્યાવરણીય પરિવર્તનોની વધારે માઠી અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર વધુ વિપરીત થાય છે. ત્રીજું કી પેપર સેવા (સેલ્ફ એપ્લોઈડ વુમન એસોશીએટ) ના બહેનો દ્વારા સેવાની કામગીર અને બહેનો માટે સ્વ-રોજગારની તકો ઉપર રજૂ કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત સેવામાંથી આવેલ બહેનોએ તેની સંસ્થાની બહેનો દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવ્યું હતું.

સેવાની કામગીરીને બિરદાવતા પ્રો. પાઠકે જણાવ્યું કે એચ. એમ. પટેલની ઈચ્છા હતી કે, યુનિવર્સિટી ગરીબો અને જરૂરિયાતમંદો માટેનાં ઉત્પાદન માટે કાર્યનિષ્ઠ રહે તે સેવાની સેમિનારમાં હાજરીથી સાર્થક થયું છે. આ પ્રથમ સેશનમાં ચેરપર્સન તરીકેની કામગીરી પ્રો. દર્શનાબેન દવે એ નિભાવી હતી. આ કાર્યક્રમમાં રેપોર્ટીયર તરીકે વિભાગના પીએચ. ડી.ના વિધાર્થીઓ સાગર રોહિત, ઉર્વીશા મેતલિયા અને યુક્તા પરમારએ ફરજ નિભાવી હતી. સેમિનારમાં જુદી જુદી યુનિવર્સિટીઓનાં 100 જેટલા અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપકો, વિધાર્થીઓ વગેરે હાજર રહી સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. આ સમગ્ર સેમીનારને સફળ બનાવવામાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ, સ્ટાફગણ, વિધાર્થીઓએ અને કો-ઓડીનેટર ડો. આર. પી. પરસાણીયાએ પોતાનું યોગદાન આપ્યું હતું.

Most Popular

To Top