ડાંગ: ગુજરાતમાં પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો મતદાન કરવા માટે મતદાન મથકે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક મતદાન મથકો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ વોટ કરવા નથી આવ્યું. જી હા ડાંગનાં આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીં લોકો પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી અમારા ગામમાં રોડ અને પુલ નહીં થાય ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ. ડાંગનાં મોટીદબાસ ગામનાં લોકોએ મતદાન મથક સુધી ફરકયા પણ નથી. તંત્ર દ્વારા સમજાવવા કોશિશ નિષ્ફળ રહી છે.
મોટીદબાસ ગામમાં 442 મતદારો
આહવાના મોટીદબાસ ગામમાં 442 મતદારો છે. જેમને રસ્તાનું નવિનીકરણ અને પુલ બનાવી આપવાની માંગણી સાથે મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેમને પાર્ટીના પ્રચાર કરનારાઓએ સમજાવવા છતાં ચૂંટણી બહિષ્કાર બાબતે આજે પણ અડગ રહ્યાં છે. જ્યાં સુધી રસ્તા અને પુલના બાંધકામ માટે ગામમાં મટિરિયલ આવી નહીં જાય ત્યાં સુધી અમારો ચૂંટણી બહિષ્કાર રહેશે. ગ્રામજનોનાં અડગ આત્મવિશ્વાસ વચ્ચેમતદાન મથક સવારથી ખાલીખમ દેખાઈ રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં મતદાનનાં આંકડા
પ્રથમ તબક્કાના મતદાનમાં તાપી જિલ્લામાં સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં સવારના 8 થી 11 વાગ્યા સુધી કુલ 133864 મતદાન એટલે કે 26.47 ટકા મતદાન નોંધાયું છે. 171 – વ્યારા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-30805 પુરુષ અને કુલ-26325 મહિલાઓ, અન્ય 3 મળી કુલ-57133 મતદારો મળી 25.61 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 172-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-38256 પુરુષ અને કુલ-38475 મહિલાઓ મળી કુલ-76731 મતદારો મળી 27.15 ટકા મતદાન નોંધાયું છે. 173 -ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગમા સવારે 8:00 થી 12:30 વાગ્યા દરમિયાન જિલ્લાનુ સરેરાશ 30.15 % મતદાન નોંધાયુ છે.