Comments

ઉત્સાહ હોય કે આક્રોશ બધું જ પરાવલંબી?

“આ વર્ષે કોરોનાને કારણે અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા છે માટે આ વર્ષે હું દિવાળીની ઉજવણી નહી કરું.’’  “ પતંગ ચીનની શોધ છે, માંજાથી અનેક પક્ષીની આંખ કપાય છે અને મકરના સૂર્ય ભારતીય પંચાગ મુજબ થાય છે તો હું તારીખ મુજબ આ તહેવાર શા માટે ઉજવું? આ વખતે લાગણીથી કે વિચારથી, ના ઉજવણીના મેસેજ આવ્યા, ના વિરોધના …આપણે રાહ જોતા જ રહ્યા. આપણે ભારતીયો લાગણીશીલ છીએ કે આવેગશીલ તે હવે  સંશોધનનો વિષય છે. જો કે છેલ્લાં વર્ષોમાં આપણું એક સામુહિક લક્ષણ એ છે કે કોઈ પણ ઉત્સવ કે આક્રોશ માટે આપણે નર્યા પરાવલંબી છે.કોઈનું કોઈ કેમ્પેન કરીને આપણને ઉજવણી કે બોયકોટ માટે ઉશ્કેરવામાં ના આવે તો આપણે તો સાવ અસંવેદનશીલ! જુવો ને, આ વખતે હજુ મે મહિનામાં તો સ્મશાનગૃહમાં શબની લાંબી લાઈનો હતી ,દવાખાનાઓમાં અરાજકતા હતી, સાવ અકાળે મૃત્યુ પામતાં લોકોના સમાચાર હતા અને છાપાનાં પાનાં ભરાઈ જાય એટલી શ્રધ્ધાંજલિ છપાતી. અમને તો એમ કે આ વખતે જબ્બર મેસેજ ચાલશે કે આ દિવાળી મૃતકોની યાદમાં માત્ર દીવા જ અને તે પણ દિવાળીના દહાડે જ.

ના ફટાકડા, ના ઉજવણી,દરેક પોળ કે સોસાઈટીમાં કોઈ મા ગુમાવી ચૂક્યું હોય, કોઈને દીકરો ગુમાવ્યાનો આઘાત હોય અને આપણાથી નફફટ થઇ મઠિયાં સુવાળી ઝાપટી શકાય? આવા મેસેજો આવવાની રાહ હતી, પણ રે નસીબ!આમાંનું કાંઈ ના થયું. આપણા લાગણીશીલ નેતાઓ જેઓ કોઈના રાજ્યસભા કે વિધાનસભાના કાર્યકાળ પતવા સમયે પણ રડી પડે છે. તે તો આ બેસતા વર્ષે ધ્રૂસકે ધ્રૂસકે રડશે એમ ધાર્યું હતું  પણ ખોટું પડ્યું. કાંઈ જ ના થયું. લાગે છે આપણે હવે દુ:ખી થવા અને સુખી થવા કોન્ટ્રાક્ટ આપતાં થઇ જૈશું ..કોઈક રાખવું પડશે જે યાદ કરાવે કે યાર દુ:ખી થાવ ..દેશમાં અકાળે મોત થયાં છે.અરે આમ નીરસ કેમ છો?  ઉત્સવ મનાવો. આપણે કરોડો લોકોને રસી આપી દીધી છે. આપણે જાતે તો નક્કી જ નથી કરી શકતા કે શેનો બહિષ્કાર કરવો અને શેનું સ્વાગત કરવું!

શું આપણને આપણી શક્તિઓ માટે કે નબળાઈઓ માટે ખબર પડતાં વાર લાગે છે?
હા, આમ તો એવું લાગે છે, જુવો ને ભારતમાં વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં 1600 માં આવી .પછી 157 વર્ષ તો એણે માત્ર વેપાર કર્યો. તેને આ વર્ષોમાં સમજાયું કે આ દેશમાં માત્ર વેપાર નહીં શાસન  પણ થઇ શકે છે અને તેણે જે તે રાજ્યના જ ગદ્દારો ,લાલચુઓનો સાથ લઈ ૧૭૫૭ માં પલાસીનું યુદ્ધ જીતી લીધું. પછી તો ફટાફટ વિસ્તાર થયો. એક પછી એક રાજ્યો જીતતાં ગયાં તો છેક 1857 માં પહેલી વાર ભારતીય રાજાઓ ભેગા મળીને આ વિદેશી શાસકો સામે યુદ્ધ કર્યું.જરા જુવો, 1757 થી 1857 કેટલાં વર્ષ થયાં 100 .હા આપણે ગુલામ છીએ તે ખબર પડતાં આપણને 100 વર્ષ થાય છે અને ગુલામી રાજકીય કે ભૌતિક હોય તે કરતાં માનસિક હોય એ વધારે ખરાબ ગણાય. ધોળે દિવસે સુરતમાં એક દીકરીની છેડતી કરનારાને રોકવા જતાં એક વૃદ્ધની વીસથી વધુ ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવે છે. પણ આપણે ઉશ્કેરાતા નથી, કારણ આપણને કોઈ કહેતું નથી કે અરેરે જુવો જુવો, આ કેવું થયું. ગુજરાતની કેટલીય યુનિવર્સિટીઓમાં બીજી ટર્મ પતવા આવી, પણ હજુ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ થઇ નથી, પણ વાલીઓ કે વિદ્યાર્થીઓ કશું પૂછતાં નથી કે પરીક્ષા ક્યારે? ભણાવશો ક્યારે? રાજ્યની અનેક હોસ્પિટલોમાં કોરોના કાળમાં દિવસ રાત  મહેનત તો ફિક્સ પગાર વાળા,કોન્ટ્રાકટવાળા યુવાનોએ કરી છે. એમાં ઘણાને છેલ્લા ઘણા સમયથી પગાર નથી મળ્યા, પણ કોઈએ હજુ સ્ટેટસ નથી મૂક્યું કે આઈ સપોર્ટ ધેમ.

રામાયણમાં સીતા માતાની  શોધમાં નીકળેલા વાનરો સમુદ્ર કાંઠે આવી અટકી જાય છે, હવે સમુદ્ર પાર તપાસ કોણ કરે?

કેવી રીતે જાય? ત્યારે જાંબુવાનને યાદ આવે છે કે આ કાર્ય હનુમાન કરી શકે! પણ હનુમાનજી તો એક ચટ્ટાન પર બેઠા છે .પછી જાંબુવાન હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવે છે. હનુમાનજીને જુસ્સો આવે છે અને તે સમુદ્ર પાર કરી દે છે. મહાભારતમાં પણ નિરાશ થયેલા અર્જુનને ભગવાન કૃષ્ણ તેનું કર્તવ્ય યાદ અપાવે છે પછી અર્જુન ગાંડીવ ઉઠાવે છે.

આપણને આપણી શક્તિઓ હમેશાં બીજાએ યાદ અપાવવી પડે છે તેવું આ પ્રસંગોમાંથી જાણવા મળે છે.લાગે છે આ કામ હવે સોશ્યલ મીડિયામાં કેટલાંક લોકો કરે છે. પણ આ લોકો જાંબુવાન કે ભગવાન શ્રીકૃષ્ણ જેવા નિષ્ઠાવાન નથી. આ લોકો પગારદાર નોકરો છે. જે પોતાના આકાઓના લાભાર્થે  તમને ઉશ્કેરે છે કે ઉજવણીમાં સામેલ કરે છે. વાંક એમનો નથી, વાંક આપણો છે. આપણે આપણી સમજણથી આનંદ  અને ગુસ્સો નક્કી કરવો જોઈએ. કોઈક પકડાવે એ ઘુઘરા વગાડવા ના મંડાય.
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top