Business

ક્રિકેટનાંનામે એન્ટરટેઈનમેન્ટક્રિકેટનાંનામેિબઝનેસ

ન્ડિયન પ્રીમિયર લીગની IPL – (જેને આપણે ઇન્ડિયન પૈસા લીગ પણ કહી શકીએ) 18મી સીઝન 22 માર્ચ 2025ના રોજ ચાલુ થઇ અને એની ફાઇનલ તારીખ 25 મે 2025ના રોજ રમાશે. 2008માં IPL લગભગ શરૂ થઇ ત્યારથી નાના કે મોટા પ્રમાણમાં ક્રિકેટના નિષ્ણાતો દ્વારા તેનો વિરોધ થતો આવ્યો છે. તેને ક્રિકેટને બગાડવાનો અને મોટા પાયે વેપારીકરણ કરવાનો ખેલ કહેવામાં આવી રહ્યો છે. એ વાત અલગ છે કે આ આરોપો લગાવનારા પણ એમાંથી ખૂબ કમાયા છે કારણ કે, IPLમાં પૈસાની રેલમછેલ છે. આપણે એ સમજવાની કોશિશ કરીએ કે IPLમાં કરોડો રૂપિયાનો ખેલ કેવી રીતે થાય છે? કોણ કેટલું અને કેવી રીતે કમાય છે? એનો વ્યાપ કેવી રીતે વધતો જાય છે? બિઝનેસની રીતે જોઈએ તો આ એક ખૂબ જ સફળ બિઝનેસ મોડેલ છે. તો ચાલો સમજીએ આ ખેલનો ખેલ કેવી રીતે થાય છે?


બિઝનેસ મોડેલ
IPLમાં જે પણ ભંડોળ આવે છે તેમાંથી અમુક સેન્ટ્રલી એટલે કે BCCI પાસે આવે છે જ્યારે અમુક ટીમો પાસે આવે છે તો ચાલો જોઈએ એની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે.

  1. સેન્ટ્રલ પૂલ
    સામાન્ય રીતે, તેમાં બ્રોડકાસ્ટિંગ અધિકારો અને કેન્દ્રીય સ્પોન્સરશિપ ડીલ્સનો સમાવેશ થાય છે, જે ટીમોની કુલ આવકના લગભગ 70 થી 80 % જેટલો હિસ્સો ધરાવે છે. BCCI એકંદર સેન્ટ્રલ પૂલની આવકના 50 % જાળવી રાખે છે અને બાકીના 45% ફ્રેન્ચાઈઝીઓમાં સમાનરૂપે વહેંચવામાં આવે છે. બાકીની રકમ ઇનામી રકમ તરીકે પ્લેઓફમાં સ્થાન મેળવનારી ચાર ટીમો દ્વારા પ્રાપ્ત થાય છે, જેમાં સૌથી મોટી રકમ વિજેતાને આપવામાં આવે છે. બ્રોડકાસ્ટિંગ અધિકારોના સોદાની વાત કરીએ તો તેમાં અધધ વૃદ્ધિ થઇ છે. 2007-17 દરમ્યાન સોની પાસે બ્રોડકાસ્ટિંગ અધિકારો હતા જેના માટે તેમને રૂ. 8200 કરોડ ચૂકવ્યા હતા. 2018-22 દરમ્યાન ડિઝની સ્ટાર દ્વારા બ્રોડકાસ્ટિંગ અધિકારો માટે રૂ. 16348 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે 2023-27 માટે વાયકોમ અને ડિઝની સ્ટાર દ્વારા રૂ. 48390 કરોડ ચૂકવવામાં આવનાર છે. ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા વિવોએ એક્ઝિટ પ્લાનના ભાગ રૂપે BCCIને રૂ. 1124 કરોડ ચૂકવીને, સમાપ્તિના બે વર્ષ પહેલાં તેનો સોદો સમાપ્ત કરવાનું પસંદ કર્યું છે. IPLને સત્તાવાર ભાગીદારો, સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ પાર્ટનર્સ અને ઓન-ગ્રાઉન્ડ પાર્ટનર્સ, અન્યોમાંથી સહયોગી સ્પોન્સરશિપ ડીલ્સ દ્વારા રૂ. 300 કરોડથી વધુની રકમ પણ મળી છે.
  2. ટીમ સ્પોન્સરશિપ
    BCCIના સેન્ટ્રલ પૂલમાંથી થતી આવક સિવાય આ ફ્રેન્ચાઇઝીની પોતાની આવક છે. જે ટીમના વિશિષ્ટ પ્રાયોજકો (સ્પોન્સર્સ) છે અને ટુર્નામેન્ટના નહીં. તેમાં શર્ટ સ્પોન્સર્સ, રેડિયો અને ડિજિટલ પાર્ટનર્સનો સમાવેશ થાય છે. જો કે, આ ફ્રેન્ચાઇઝની આવકની થોડી ટકાવારી બનાવે છે પરંતુ એ પૂરેપૂરી તેમની જ છે. તેમની જર્સી, હેડગિયર અને ટીમ કિટ્સ પર તેમના લોગોને સમર્થન આપીને બ્રાન્ડને દૃશ્યતા પ્રદાન કરવા માટે ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ્સ સાથે જોડાણ કરે છે. લોગો જેટલો મોટો છે, તેટલી વધુ રકમ ચાર્જ કરવામાં આવે છે. ટીમો તેમના પ્રાયોજકો દ્વારા આયોજિત અન્ય ટુર્નામેન્ટ-સંબંધિત માર્કેટિંગ પ્રવૃત્તિઓમાંથી પણ કમાણી કરે છે. સ્પોન્સરશિપની આવક કથિત રીતે IPL ટીમની આવકના 20-30 % જેટલી હોય છે.
  3. ટિકિટનું વેચાણ
    દરેક સિઝનમાં 7-8 ઘરેલુ મેચો સાથે, ‘ડોમિસાઇલ’ ફ્રેન્ચાઇઝી માલિક ટિકિટના વેચાણમાંથી અંદાજે 80 % આવક મેળવે છે અને બાકીના 20 % BCCI (10 %) અને પ્રાયોજકો (10 %) વચ્ચે વહેંચવામાં આવે છે એટલે કે ગુજરાત ટાઇટન્સને અમદાવાદમાં રમનારી મેચોમાંથી અને RCBને બેંગ્લોરમાં રમનારી મેચોમાંથી આ આવક મળે છે. એટલે જ IPLનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે દરેક ફ્રેન્ચાઈસીને પોતાના ઘરેલુ મેદાનોમાં પણ સરખા ભાગે મેચો રમાડવા મળે. ટિકિટના ભાવ સ્ટેડિયમની બેઠક ક્ષમતા, ઇવેન્ટની આસપાસનો ઉત્સાહ, શહેરમાં જીવનધોરણ વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે. IPL ટીમોની આવકના આશરે 10 % ટિકિટની આવક હોય છે. કથિત રીતે ટિકિટના વેચાણમાંથી થતી આવક ટીમની આવકના 10-15 % બનાવે છે. વધુમાં, ટીમો હોમ સ્ટેડિયમમાં મેચ-ડે ફૂડ અને બેવરેજના વેચાણમાંથી પણ કમાણી કરે છે.
    બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સને શું મળે?
    સેન્ટ્રલ પૂલ હેઠળ 2023-27 માટે વાયકોમ અને ડિઝની સ્ટાર દ્વારા રૂ. 48390 કરોડ ચૂકવવામાં આવનાર છે. તો આટલી મોટી રકમ સામે તેમને શું મળશે? તેઓ જાહેરાતોમાંથી કમાણી કરે છે. સ્ટાર ઈન્ડિયા (હવે ડિઝની સ્ટાર) એ 2018 થી 2022 સુધીની પાંચ સીઝનના પ્રસારણ અધિકારો માટે રૂ. 16300 કરોડથી વધુ ચૂકવ્યા હતા.
    જાહેરાતકર્તાઓએ એક મેચ દરમિયાન દસ-સેકન્ડના એડ સ્લોટ માટે બ્રોડકાસ્ટરને રૂ. 14 લાખ જેટલી ચૂકવણી કરી હતી.
    મનીકંટ્રોલ મુજબ, IPL 2021માં ટેલિવિઝન અને ડિજિટલ (સ્ટ્રીમિંગ) જાહેરાતના વેચાણમાંથી કુલ આવક લગભગ રૂ. 3500 કરોડ હતી. ધ હિન્દુ બિઝનેસલાઈનનો અંદાજ છે કે નવી મીડિયા રાઈટ્સ ડીલ સાથે, 30-સેકન્ડના ટેલિવિઝન સ્લોટ માટે જાહેરાત દર રૂ. 1 કરોડ સુધી પહોંચી શકે છે. IPLના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ધારકો માટે સબ્સ્ક્રિપ્શન્સ પણ આવકમાં વધારો કરે છે.
  4. મર્ચેન્ડાઇઝ અને અન્ય
    આજે દરેક ટીમના ચાહકોનો એક મોટો વર્ગ છે. આ ચાહકો પોતાની મનપસંદ ટીમ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે તેમના જેવાં કપડાં, ટી-શર્ટ, ટોપી અને અન્ય એસેસરીઝ પહેરવાનું પસંદ કરે છે. દરેક ટીમ જર્સી, ટોપીઓ અને અન્ય એસેસરીઝ જેવી સત્તાવાર ટીમ મર્ચેન્ડાઇઝ વેંચીને પણ એક સારી એવી કમાણી કરી લે છે જો કે તે ફ્રેન્ચાઇઝની આવકનો એક નાનો હિસ્સો ધરાવે છે. ટિકિટના વેંચાણની જેમ જ ફ્રેન્ચાઇઝી માલિક મર્ચેન્ડાઇઝ વેંચાણમાંથી અંદાજે 80 % આવક મેળવે છે અને બાકીના 20 % BCCI (10 %) અને પ્રાયોજકો (10 %) વચ્ચે વહેંચવામાં આવે છે.
  5. ફ્રેન્ચાઇઝ હરાજી
    ટુર્નામેન્ટના વિસ્તરણ અને લીગમાં નવી ટીમો પ્રવેશવા સાથે, ફ્રેન્ચાઇઝી હરાજી BCCI માટે આવકના અન્ય પ્રવાહ તરીકે ઉભરી રહી છે. 2021માં, આરપી-સંજીવ ગોએન્કા જૂથે નવી લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે લગભગ 940 મિલિયન ડૉલર (રૂ. 7090 કરોડ) ખર્ચ્યા, જ્યારે CVC કેપિટલ જૂથે ગુજરાત ટાઇટન્સ માટે આશરે 740 મિલિયન ડૉલર ચૂકવ્યા. નવી મીડિયા રાઇટ્સ ડીલના સ્કેલ સાથે, કેટલાકને આશા છે કે BCCI 2027 સુધીમાં ટીમોની સંખ્યા 10 થી વધારીને 12 કરશે. આ પૂરેપૂરા પૈસા BCCIને મળે છે.
  6. પ્રાઈઝ મની
    BCCI વિજેતા ટીમને મોટી રકમની ઈનામી રકમ આપે છે. આ રકમના 50 % ટીમના માલિકને મળે છે જ્યારે બાકીના 50% બધા ખેલાડીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે છે.
    એક ઉદાહરણ જોઈને તો મુંબઈ ઇન્ડિયન્સ ટીમને રૂ. 219 કરોડ બ્રોડકાસ્ટિંગ અધિકારોના ભાગમાંથી, રૂ. 13.3 કરોડ સ્પોન્સરશિપમાંથી, રૂ. 50 કરોડ મેચ ડે એટલે કે ટિકિટ અને અન્ય વસ્તુઓમાંથી અને રૂ. 54 કરોડ અન્ય આવકમાંથી મળ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આ આંકડાઓ અનુક્રમે છે: રૂ. 185 કરોડ, રૂ. 59.6 કરોડ, રૂ. 3.2 કરોડ અને રૂ. 5.86 કરોડ.
    કોવિડની શું અસર થઇ?
    રોગચાળાની શરૂઆતથી રમતગમતની દુનિયાને નવી અનિચ્છનીય વાસ્તવિકતાઓ સામે આવી. કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે ક્લબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ મુખ્ય રમતગમતની ટુર્નામેન્ટને અસ્થાયી રૂપે સ્થગિત કરવી પડી હતી. મર્ચેન્ડાઇઝ સેલ્સ, ટિકિટિંગ અને બ્રોડકાસ્ટિંગ એવેન્યુમાંથી થતી આવક તમામ બંધ થઇ ગઈ હતી કારણ કે, મેદાનમાં કોઈ પ્રવૃત્તિ નહોતી. ત્રણ IPL ટીમોનું ઉદાહરણ લઈએ તો (એટલે કે, મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)ની સંચિત આવકની સરખામણી દર્શાવે છે કે 2018-19ની સરખામણીમાં 2020-21માં એકંદર આવક લગભગ 24.5% ઘટી ગઈ હતી.
    મેચ ડેની કમાણી, ટિકિટ અને મર્ચેન્ડાઇઝના વેચાણમાંથી ઉપાર્જિત સમયગાળામાં 67 % આવક ઘટી ગઈ હતી.
    સ્પોન્સરશિપ અને સેન્ટ્રલ પૂલ (કેન્દ્રીય અધિકારો)માંથી આવક અનુક્રમે 14.5 % અને 25.6 % ઘટી હતી.
    ઈન્ડિયન પ્રીમિયર લીગ કદાચ ભારતના કેટલાક એવા વ્યવસાયોમાંથી એક છે જે ફુગાવો, વૈશ્વિક રોગચાળો અને વધતા વ્યાજદરોથી અપ્રભાવિત રહેશે. IPL સમાવિષ્ટ બધી જ પાર્ટીઓ માટે IPL ‘પૈસા હી પૈસા’ પુરવાર થઇ રહ્યું છે.
    કદાચ એક પાર્ટીને છોડીને એ છે દર્શકો. જો તમે આંખ ખેંચીને, ઉજાગરા કરીને કે બીજા શહેરમાં જઈને મેચ જોતા હો તો ખાલી ચેક કરજો આ બિઝનેસ મોડેલમાં તમે કેટલું કમાયા? ખરેખર આ જ છે ઈન્ડિયન પૈસા લીગ.

Most Popular

To Top