National

CCTV: મુંબઈમાં બ્રેકઅપથી ગુસ્સે થયેલા પ્રેમીએ જાહેરમાં લોખંડના પાનાથી પ્રેમિકાની હત્યા કરી, લોકો જોતા રહ્યાં

મુંબઈ: મુંબઈના વસઈની એક હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં સુરતના ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. એક યુવકે તેની પૂર્વ પ્રેમિકાને લોખંડનું પાનું માથામાં મારીને તેની હત્યા નિર્મમ કરી છે. યુવક યુવતીને મારી રહ્યો હતો ત્યારે લોકો જોયા કરતા હતા. દિનદહાડે લોકોની સામે રસ્તાની વચ્ચે યુવકે યુવતીને રહેંસી નાંખી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરીની હત્યા પાછળનું કારણ બ્રેકઅપ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક પાછળથી યુવતી પર હુમલો કરે છે. યુવતી રસ્તાની વચ્ચે પડે છે ત્યાર બાદ આરોપી યુવક ઉપરાછાપરી યુવતીના માથા પર લોખંડના પાનાથી હુમલો કરે છે. યુવતીના માથામાંથી લોહી વહેવા લાગે છે. તેનું મૃત્યુ થાય છે ત્યાર બાદ પણ યુવક ત્યાંથી દૂર જતો નથી. યુવતીનું મૃત્યુ થયું છે કે નહીં તે ચેક કરે છે.

આ દરમિયાન છોકરો યુવતીને પૂછતો હોય છે કે, “તેં મારી સાથે આવું કેમ કર્યું?” ત્યાર બાદ આરોપી યુવકે ફરીથી મૃતક યુવતીના ચહેરા પર તેના હાથમાં રહેલા પાનું ફરી જોરથી મારે છે. પછી ગુસ્સામાં પાનું જમીન પર ફેંકી દે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે. આ છોકરાની આસપાસ અનેક લોકો છે અને આ ઘટના ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં બની હતી. આ વીડિયો સામે આવ્યા બાદ માત્ર લોકો જ નહીં પોલીસ પણ આઘાતમાં છે.

યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે યુવતીનો મૃતદેહ કબ્જામાં લીધો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હુમલાખોર અને પીડિતાની ઓળખ પરેડ પોલીસ કરી રહી છે.

Most Popular

To Top