નવી દિલ્હી: આ વર્ષે માર્ચમાં (March) જ્યારે ભારતની બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) આકસ્મિક રીતે પાકિસ્તાનમાં (Pakistan) જઈ પહોંચી હતી ત્યારે તે મોટો વિવાદ બની ગયો હતો. પાકિસ્તાને આ મામલે તપાસની (Enquiry) માંગ કરી હતી. હવે એક્શન (Action) લેતા ભારતે (India) એરફોર્સના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેમની સેવાઓ તાત્કાલિક અસરથી બરખાસ્ત કરી દીધી છે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલામાં જે અધિકારીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે તેમાં એક ગ્રુપ કેપ્ટન, એક વિંગ કમાન્ડર અને એક સ્ક્વોડ્રન લીડરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે અધિકારીઓ પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયામાં ભૂલ કરી ગયા હતા, જેના કારણે મિસાઈલ ભૂલથી છોડવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ઘટના 9 માર્ચ 2022 ના રોજ બની હતી.
શું છે ઘટના
જણાવી દઈએ કે 9 માર્ચ 2022ના રોજ, ટેકનિકલ ખામીઓને કારણે, ભૂલથી ભારત તરફથી પાકિસ્તાનમાં મિસાઈલ ફાયરિંગ થઈ હતી. આ મિસાઈલ હરિયાણાના સિરસાથી લોન્ચ કરવામાં આવી હતી અને સાંજે લગભગ 6.43 વાગ્યે સુરતગઢ થઈને પાકિસ્તાન સરહદની અંદર 124 કિમી અંદર પડી હતી. જો કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો
પાકિસ્તાને આ મામલામાં ભારત પર આરોપ લગાવ્યો હતો કે 9 માર્ચે ભારત તરફથી એક સુપરસોનિક અસ્ત્ર છોડવામાં આવ્યું હતું, જે પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે તેના ક્ષેત્રની 124 કિલોમીટરની અંદર પડ્યું હતું. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે આ સંવેદનશીલ ઘટનાની તપાસની માંગ કરી હતી. પાકિસ્તાને આ મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ભારતે ખેદ વ્યક્ત કર્યો હતો
આ ઘટના પછી ભારતે પાકિસ્તાનના આરોપો પર ખેદ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન સરકારે ભારત સરકારને ખુલાસો આપવા કહ્યું હતું. ત્યારે ભારત સરકારે જવાબ આપ્યો કે મિસાઈલ ભૂલથી છોડવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને ખેદજનક ઘટના નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. તે જ સમયે, ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો.