પરીક્ષાઓ ચાલે છે, પસાર થનાર કયાં તો આનંદ અનુભવે છે કયાં તો વ્યથિત થાય છે. હોંશે હોંશે પરીક્ષામાં જોડાવા બહુ ઓછાં લોકો ઉત્સુક હોય છે. ટેલિવિઝન પર એક કાર્યક્રમ માત્ર પ્રશ્નોત્તરી રૂપે દર્શાવાય છે અને તેમાં એક જ ‘હોટસીટ’ હોય છે. એક જ નિરીક્ષક, પરીક્ષક, માર્ગદર્શક પરીક્ષાર્થીની સામે જ પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય છે. પ્રત્યેક પ્રશ્ને વૃદ્ધિ થતું મૂલ્યાંકન પરીક્ષાર્થીનો ઉત્સાહ વધારે છે. તમામ પ્રશ્નો સ્થળ પર તત્કાળ જ પ્રસ્તુત થતા રહે છે. પરીક્ષાર્થીને ત્રણ તકો મદદરૂપ થાય છે. સામે બિરાજેલા પરીક્ષક આત્મીયતાપૂર્ણ વ્યવહાર કરે છે અને પરીક્ષાર્થી સાથે હસતા બોલતા રહી વાતાવરણને રસપ્રદ અને જીવંત રાખે છે.
સમગ્ર રીતે પરીક્ષા ભયરહિત, આનંદદાયક રહે છે. છેવટ સુધીના પ્રશ્ન લગી ન જવાય તો પણ જેટલાં પ્રશ્નોત્તરી સુધી ટકી રહી પ્રશ્નોત્તરીથી મુકત થવા ઇચ્છનારને ત્યાં સુધીના લાભ સાથે માનભેર વિદાય કરાય છે. વિશ્વનાં તમામ પ્રકારનાં જ્ઞાન, હકીકતો સમાચારોથી પરીક્ષાર્થી સહિત તમામ પ્રેક્ષકો લાભાન્વિત થાય છે. પરીક્ષાર્થીને બોનસરૂપ હોય તેવી પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. વય કે જાતિ મર્યાદા વગરની આવી મનોરંજક પરીક્ષાને સટ્ટા કે જુગારમાં ખપાવી શકાય નહીં. પણ વાસ્તવિક રીતે આવી પરીક્ષાઓ તો સ્વપ્નવત્ જ ગણાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
