Charchapatra

અંગ્રેજી માધ્યમનો દબદબો

21 મી ફેબ્રુઆરીના રોજ અનેક શાળા અને કોલૅજોમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી સંદર્ભે ગુજરાતી માતૃભાષા બચાવો સંદર્ભે અનેકવિધ કાર્યક્રમો થઈ ગયા. અખબારમાં એ અંગેના સમાચાર પણ પ્રસિદ્ધ થયા. એક બાજુ ગુજરાતી બચાવવાની બૂમરાણ વચ્ચે વાસ્તવિકતા એ છે કે ગુજરાતી માતૃભાષા પરત્વે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ઉદાસીનતા જોવા મળે છે. અંગ્રેજી માધ્યમના આક્રમણ સામે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ પડી રહી છે અથવા એ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. અંગ્રેજી માધ્યમના વધી રહેલા ક્રેઝને કારણે ધોરણ 10મા છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રયત્નો થતા ગુજરાતી માધ્યમ પ્રત્યે ઘટી રહેલો રસ ચિંતાનો વિષય છે. વિશ્વ જ્યારે એક ગામડું બની ચૂક્યું છે ત્યારે અંગ્રેજી જાણવું ખૂબ જ જરૂરી બની ગયું છે. એની અવગણના થઈ શકે એમ નથી. ગુજરાતી સાહિત્ય પ્રેમીઓના મંતવ્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અલગ અલગ છે. ગુજરાતી બચાવવા માટે ઝુંબેશ ચાલે છે તેવી અંગ્રેજી માધ્યમ માટે કોઈ ઝુંબેશ ચાલતી ન હોવા છતાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ સતત વધતો જાય છે.
નવસારી ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મધ લ્યો…મધ
આયુર્વેદ અનુસાર સામાન્ય મધ શીત, લઘુ, સ્વાદુ, રુક્ષ, ગ્રાહક, નેત્રોને હિતાવહ, અગ્નિદીપક, વ્રણશોધક, નાડીની શુદ્ધિ કરનારું, સૂક્ષ્મ, રોપણ, મૃદુ, વર્ણકારક, મેધાકર, વિશદ, વૃષ્ય, રુચિકારક, આનંદકારક અને તૂરું છે તથા સહેજ વાતકર અને કોઢ, અર્શ, ઉધરસ, પિત્ત, રક્તદોષ, કફ, મેહ, કૃમિ, મદ, ગ્લાનિ, તૃષ્ણા, ઊલટી, અતિસાર, દાહ, ક્ષતક્ષય, મેદ, ક્ષય, હેડકી, ત્રિદોષ, આધ્માન, વાયુ, વિષ અને મળબંધનો નાશ કરે છે. સર્વ જાતિનું મધ, વ્રણરોપણ, શોધક અને અસ્થિને સાંધનાર છે. ઔષધોમાં જૂના મધનો ઉપયોગ કરવામાં આવે છે. ઘી અને મધ સરખે ભાગે લેવાથી તે વિષ સમાન થાય છે.

તે કાન વહેતો હોય તે માટે, કાનમાં બગાઈ કે અન્ય જંતુ ગયું હોય તે ઉપર; વીંછીના વિષ, મેદોરોગ, મુખરોગ, અગ્નિદગ્ધ વ્રણ, રક્તપિત્ત, તૃષારોગ અને ખરસાણી તેમ જ ઝેર કોચલાના વિષ ઉપર ઉપયોગી છે. ખેર, કુદરતી રીતે મળતા મધ ઉપરાંત હવે તો મધમાખીઓનો ચોક્કસ વાતાવરણમાં મધપેટીઓમાં મોટા પાયા પર ઉછેર કરી મધ પ્રાપ્ત કરવામાં આવે છે. મધ મેળવવા ઉપરાંત મધમાખી ઉછેર કેન્દ્રો ફળો-ઉદ્યોગ અને કૃષિ-ઉદ્યોગની ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદરૂપ બને છે. ભારતમાં ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ અને બીજી ઘણી સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રમાં ખેડૂતો અને ઉદ્યાનધારકોને સુંદર માર્ગદર્શન અને સહાય પૂરાં પાડી અમૂલ્ય સેવા બજાવે છે. અલબત, મધની વિશેષ માહિતી જાણકાર અને પીઢ અનુભવી વૈદું કરનારા વૈદ્યરાજો, હકીમો પાસેથી પ્રાપ્ય તે હિતાવહ!
સુરત     –  સુનીલ રાજેન્દ્ર બર્મન      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.ઁ

Most Popular

To Top