Charchapatra

અંગ્રેજી ભાષાનો મોહપાશ

29મી ડિસે.ના ‘ગુજરાતમિત્ર’ દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં કિરણભાઈ સૂર્યાવાલાએ અંગ્રેજી ભાષા પ્રત્યેનો આપણો મોહ રજૂ કરી વ્યથા વ્યક્ત કરી એ વિચારશીલ મુદ્દો છે. આમ આપણે ગુજરાતી ભાષાના ભવિષ્ય માટે ચિંતા દર્શાવીએ છીએ. પરંતુ આપણે સૌ અંગ્રેજીના મોહપાશમાં જકડાયેલાં છીએ એ કોઇ વિચારતું નથી. બાળકને અંગ્રેજી માધ્યમમાં જ શિક્ષણ અપાવવાનો હઠાગ્રહ, દુરાગ્રહ અને અતિઆગ્રહ વર્તમાન સમયમાં લગભગ પ્રત્યેક માતા-પિતામાં દૃશ્યમાન થાય છે. (પછી ભલે સ્વયં અલ્પશિક્ષિત હોય કે પરિવારમાં ગુજરાતી જ બોલાતું હોય) સ્વગ્રહે મહેમાન આવે કે બાળકની પરીક્ષા શરૂ થઇ જાય. પેલી પોયમ (કવિતા) અંકલ-આન્ટીને (!) સંભળાવો! બાળક પઢાવેલા પોપટની જેમ બોલે. પછી ટ્યુશનનો દોર શરૂ થઇ જાય. શાળાએથી ખાનગી ટ્યુશન એનું બાળપણ છીનવાઇ જાય. આ માતા-પિતાની મહત્ત્વાકાંક્ષાઓમાં અંગ્રેજી સર્વવ્યાપી ભાષા છે.

વિદેશમાં પણ એવું જ ચલણ છે એ સર્વવિદિત વાત છે પણ માતૃભાષા તો આવડવી જ જોઇએ. આપણા જ શહેરમાં લગભગ તમામ ભોજનાલય, રુગ્ણાલય, દુકાનો, શાળા વિ. અનેક સ્થળે અંગ્રેજીમાં જ નામ લખ્યાં હોય છે. કોઇ ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિને કદાચિત અંગ્રેજી વાંચતાં ન પણ આવડતું હોય. અંગ્રેજીમાં દુકાનનું નામ પાટિયા પર હોય એનો વાંધો નહીં પણ સાથે સાથે ગુજરાતીમાં પણ નામ હોવું આવશ્યક. જેથી કોઇ અંગ્રેજી ન જાણનારને તકલીફ ન થાય. ગુજરાતી ભાષાના ચિંતકે કહ્યું કે માતૃભાષામાં કહેવાય અને અન્ય ભાષા (અંગ્રેજી) માસી કહેવાય તો માસીને કારણે માને અન્યાય ન થાય. અંગ્રેજી ભાષા શીખવી આવશ્યક જ છે પણ સાથે ગુજરાતીને પણ પ્રાધાન્ય અર્પણ થવું જ જોઇએ.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top