ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસરન-તેન્ડુલકર ટ્રોફી ટ્રુનામેન્ટની બીજી ટેસ્ટ મેચ બુધવારે 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટનમાં શરૂ થઈ છે. મેચના બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલ 150 પ્લસ અને રવિન્દ્ર જાડેજા 50 પ્લસ રમી રહ્યાં છે. આ બેટ્સમેનોએ અંગ્રેજ બોલરોને પરસેવો પડાવ્યો છે. ઈંગ્લેન્ડના બોલર, ફિલ્ડર થાકી ગયા છે, ત્યારે હવે અંગ્રેજ બોલરોની અકળામણ દેખાવા લાગી છે.
વિકેટ ન મળતા અકળાયેલા ઈંગ્લિશ બોલરે ડીઆરએસના નિયમમાં જ બદલાવની માંગણી કરી દીધી છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે એજબેસ્ટન ટેસ્ટના પહેલા દિવસ પછી DRS (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) નિયમોમાં ફેરફાર વિશે વાત કરી હતી. ઇંગ્લિશ સ્પીડસ્ટર વોક્સ કહે છે કે જો કોઈ બેટ્સમેન શોટ ન રમે અને બોલ સ્ટમ્પ પર અથડાય ભલે તે ફક્ત ક્લિપિંગ હોય, તો તેને આઉટ આપવો જોઈએ પછી ભલે તે અમ્પાયરનો નિર્ણય ગમે તે હોય.
હવે જાણો વોક્સ કેમ ગુસ્સે છે. ખરેખર, પહેલા દિવસે ‘અમ્પાયર કોલ’ ના કારણે વોક્સ બે વાર વિકેટ મેળવી શક્યો નહીં. યશસ્વી જયસ્વાલ 7મી ઓવરમાં LBW અપીલથી બચી ગયો હતો.
ડીઆરએસમાં બોલ સ્ટમ્પને ‘ક્લિપ’ કરી રહ્યો હતો પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો અને અમ્પાયરના કોલને કારણે નિર્ણય બદલાયો નહીં. ત્યારબાદ ટીમ ઇન્ડિયાના ઓપનર જયસ્વાલે 87 રન બનાવ્યા. 11મી ઓવરમાં કરુણ નાયરે શોટ રમ્યો નહીં અને બોલ સીધો પેડ પર વાગ્યો. ફરીથી અમ્પાયરના કોલને કારણે, બેટ્સમેન નોટ આઉટ રહ્યો. નાયરે 31 રન બનાવ્યા હતા.
વોક્સે કહ્યું જો બેટ્સમેન શોટ ન રમે અને બોલ સ્ટમ્પ પર અથડાવે, ભલે તે ક્લિપિંગ હોય તો પણ તેને આઉટ આપવો જોઈએ. વોક્સે મેચના પહેલા દિવસે બે વિકેટ લીધી. તેની પહેલી સફળતા ઓપનર કેએલ રાહુલ અને બીજી વિકેટ નીતિશ રેડ્ડીની રહી. રેડ્ડી બોલ પસંદ કરી શક્યા નહીં અને ઇનકમિંગ બોલ પર બોલ્ડ થયા.