ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન હવે 23મીથી પૂણેમાં રમાનારી ત્રણ વન ડે મેચની સીરિઝ માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા 14 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી ઇજાગ્રસ્ત જોફ્રા આર્ચરને બાકાત રખાયો છે અને હવે તે ઇંહ્લેન્ડ પરત ફરશે. ઇસીબી દ્વારા રવિવારે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ટી-20 ટીમના ત્રણ સભ્યો જેક બોલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાન ટીમની સાથે જ કવર તરીકે જોડાયેલા રહેશે.
ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને શનિવારે જ એવો સંકેત આપી દીધો હતો કે આર્ચર પોતાની કોણીની ઇજાને કારણે વન ડે સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે અને આઇપીએલની શરૂઆતની મેચોમાં પણ તે રમે તેવી સંભાવના ઓછી છે.
ઇસીબી દ્વારા એક નિવેદનમાં કહેવાયું હતું કે આર્ચર પોતાની જમણી કોણીની વધુ તપાસ અને સારવાર માટે ઇંગ્લેન્ડ પાછો ફરશે. ઇસીબીએ કહ્યું હતું કે 23, 26 અને 28 માર્ચે રમાનારી ત્રણ વન ડેની સીરિઝ માટે પસંદગી અર્થે આર્ચરને અનફીટ માનવામાં આવ્યો છે.
વન ડે સીરિઝ માટે જાહેર થયેલી ઇંગ્લેન્ડની ટીમ
ઇઓન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરેન, ટોમ કરેન, લીઆમ લિવિંગસ્ટોન, મેટ પાર્કિન્સન, આદિલ રશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલે અને માર્ક વુડ.