Sports

મહાન બોલર જેમ્સ એન્ડરસને જીત સાથે વિદાય લીધી, ઈંગ્લેન્ડે ટેસ્ટ મેચમાં વેસ્ટઈન્ડિઝને હરાવ્યું

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડનો એક દાવ અને 114 રને વિજય થયો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી યાદગાર વિદાય લીધી છે. એન્ડરસને આ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં એક અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 704 ટેસ્ટ વિકેટ સાથે પોતાની કારકિર્દી પૂરી કરી.

મેચના ત્રીજા દિવસે તા. 12 જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેની બીજી ઈનિંગમાં 136 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 371 રન બનાવ્યા હતા અને તેને 250 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 121 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડની જીતનો હીરો ફાસ્ટ બોલર ગસ એટકિન્સન હતો. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમવા આવેલા એટકિનસને પ્રથમ દાવમાં સાત અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા જેમ્સ એન્ડરસનને તેના સાથી ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

એન્ડરસનની 22 વર્ષ લાંબી યાદગારી કારકિર્દી રહી
41 વર્ષના જેમ્સ એન્ડરસને 2003માં લોર્ડ્સમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એન્ડરસને ડિસેમ્બર 2002માં ઑસ્ટ્રેલિયા સામે વનડેમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી તેણે 188* ટેસ્ટ મેચ રમી છે. માત્ર ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે એન્ડરસન કરતાં વધુ ટેસ્ટ મેચ રમી છે. સચિનના નામે 200 ટેસ્ટ મેચ છે. એન્ડરસન 700 ટેસ્ટ વિકેટના એવરેસ્ટ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર છે.

ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસને 700 વિકેટ લીધી છે
એન્ડરસને આ વર્ષે ભારત સામેની ધર્મશાલા ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને આઉટ કરીને 700 વિકેટ પૂરી કરી હતી. જેમ્સ એન્ડરસને 194 વનડે રમી છે, જેમાં તેના નામે 269 વિકેટ છે. એન્ડરસને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 વિકેટ લીધી હતી. એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટથી 1627 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસનના નામે એક અડધી સદી (81 રન) છે.

Most Popular

To Top