લોર્ડ્સ ટેસ્ટ મેચ જીતી હોવા છતાં ઈંગ્લેન્ડની ટીમને કોઈ ફાયદો થયો નથી. ઉલટાનું નુકસાન થયું છે. આઈસીસીએ દંડ ફટકાર્યો છે. મેચ ફી કાપી લીધી છે. એટલું જ નહીં ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ પણ કાપી લેવાયા છે, જેના લીધે ઈંગ્લેન્ડની ટીમ બે નંબર પરથી ત્રીજા નંબર પર સરકી ગઈ છે.
લોડર્સ ટેસ્ટ જીત્યાના બે દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઈંગ્લેન્ડની ટીમને મોટો દંડ ફટકાર્યો છે. ભારત સામેની જીત છતાં ઇંગ્લેન્ડની ટીમના ખાતામાંથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. ICC એ સ્લો ઓવર રેટ માટે ઇંગ્લેન્ડ પર મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે. આ સાથે ટીમના ખાતામાંથી બે WTC પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે, જેના કારણે તેમની જીત ટકાવારી ઘટીને 66.67 થઈ ગઈ છે અને ટીમ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગઈ છે.
ICC એલીટ પેનલ મેચ રેફરી રિચી રિચાર્ડસનએ ઈંગ્લેન્ડની ટીમને સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવી છે. ઈંગ્લેન્ડે ઓવરોમાં બે ઓવર મોડી કરી હતી, જેના માટે ICC એ આખી ટીમને સજા ફટકારી છે. ખેલાડીઓ અને ખેલાડીઓના સપોર્ટ સ્ટાફ માટે ICC ના આચારસંહિતાની કલમ 2.22 મુજબ, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે વ્યવહાર કરે છે. ખેલાડીઓને નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ રહેલ દરેક ઓવર માટે તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે. ઈંગ્લેન્ડને નિર્ધારિત સમયમાં બે ઓવર ન ફેંકવા બદલ 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ગુનો સ્વીકારી લીધો છે અને પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી લીધી છે. તેથી ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર નહોતી. ફિલ્ડ અમ્પાયર પોલ રીફેલ અને શરાફુદ્દૌલા ઈબ્ને શાહિદ, થર્ડ અમ્પાયર અહસાન રઝા અને ફોર્થ અમ્પાયર ગ્રેહામ લોયડે ઈંગ્લેન્ડ સામે આ આરોપો લગાવ્યા હતા. મેચ રેફરીએ આ આરોપોને સાચા ગણાવ્યા અને ઈંગ્લેન્ડને સજા ફટકારવામાં આવી. ત્રણ મેચમાંથી બીજી મેચ જીતીને, ઈંગ્લેન્ડના ખાતામાં 66.67 ટકા જીત પોઈન્ટ હતા, પરંતુ હવે તે ઘટીને લગભગ 60 ટકા થઈ જશે.