Sports

T-20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝને બે ઝટકા: ઈંગ્લેન્ડે હરાવ્યું અને આ ઈનફોર્મ ખેલાડી થયો ઈન્જર્ડ

નવી દિલ્હી: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 (ICC Men’s T20 World Cup 2024)માં સુપર 8નો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજે તા. 20 જૂન ગુરુવારે ગ્રોસ આઈલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે (England) વેસ્ટ ઈન્ડિઝને (WestIndies) 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં યજમાન ટીમે ઈંગ્લેન્ડને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 15 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ હાર સાથે જ T20 ઈન્ટરનેશનલમાં વેસ્ટ ઈન્ડિઝની સતત 8 જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે.

બેસ્ટો-સોલ્ટે તોફાની બેટિંગ કરી ફિલ સોલ્ટ અને જોની બેરસ્ટો ઈંગ્લેન્ડની જીતના હીરો હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે માત્ર 44 બોલમાં 97 રનની અણનમ ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. સોલ્ટે 47 બોલમાં 87* રન બનાવ્યા હતાં, જેમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.

જ્યારે બેયરસ્ટોએ 26 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમી હતી. બેયરસ્ટોએ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન જોસ બટલરે પણ 25 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને રોસ્ટન ચેઝે એક-એક વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ચાર વિકેટે 180 રન બનાવ્યા હતા. જોન્સન ચાર્લ્સે 34 બોલમાં 38 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેપ્ટન રોવમેન પોવેલે તોફાની બેટિંગ કરી અને માત્ર 17 બોલમાં 36 રનની ઇનિંગ રમી જેમાં 5 સિક્સર સામેલ હતી.

નિકોલસ પૂરન (36 રન, 4 ચોગ્ગા અને 1 છગ્ગા) અને શેરફેન રધરફોર્ડ (28* રન, 2 છગ્ગા અને 1 ચોગ્ગા) એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, આદિલ રશીદ, મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ લીધી હતી.

આ ખેલાડી મેચની વચ્ચે જ ઈજાગ્રસ્ત થયો
વેસ્ટ ઈન્ડિઝે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે બ્રાન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સે પાંચમી ઓવર સુધી કોઈ પણ નુકશાન વિના 40 રન બનાવ્યા હતા. કિંગને સેમ કુરનનો બોલ તેના હાથમાં વાગ્યો હતો અને ઈજાને કારણે તેણે મેદાન છોડવું પડ્યું હતું. પૂરન જે શાનદાર ફોર્મમાં હતો તે પછી ક્રિઝ પર આવ્યો અને તેણે ચાર્લ્સ સાથે મળીને પાવરપ્લેમાં સ્કોર 54 રન સુધી પહોંચાડ્યો હતો. પૂરને આઠમી ઓવરમાં માર્ક વુડને સિક્સર ફટકારી હતી પરંતુ આ પછી ઈંગ્લેન્ડના બોલરોએ ધમાકેદાર વાપસી કરી હતી.

Most Popular

To Top