નવી દિલ્હી: ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની (Test) છેલ્લી મેચ (Match) ઈંગ્લેન્ડે 7 વિકેટથી સરળતાથી જીતી (Win) લીધી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે પરાજય થયો હતો. ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગમાં 378 રન બનાવીને રેકોર્ડ જીત નોંધાવી હતી અને પાંચ મેચની સિરીઝ 2-2થી બરાબર કરી હતી. 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ભારતીય ટીમ ચકનાચૂર થઇ ગયું હતું.
છેલ્લા દિવસના સ્ટાર ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ અને જોની બેરસ્ટો હતા. બંને ખેલાડીઓએ સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ઈંગ્લેન્ડની આ જીત ઐતિહાસિક ગણાવી શકાય. કારણ કે આ પહેલા ઈંગ્લેન્ડ આટલા મોટા ટાર્ગેટને હાંસલ કરી મેચ જીત્યું નથી. બીજી તરફ 350થી વધુ રનનો આટલો મોટો ટાર્ગેટ આપ્યા બાદ ટીમ ઈન્ડિયા ક્યારેય હાર્યું નથી. ભારત શરમજનક રીતે હાર્યું છે. ભારતીય બોલરો સાવ નિષ્ફળ રહ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી 378 રનનો પીછો કરતા જો રૂટ અને જોની બેયરસ્ટોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંનેએ અહીં સદી ફટકારી હતી અને છેલ્લા દિવસે જીતવા માટે જરૂરી 7 વિકેટમાં ટીમ ઈન્ડિયાને એક પણ સફળતા મેળવવા દીધી નહોતી. જો રૂટે 142 અને જોની બેયરસ્ટોએ 114 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બંને ધમાકેદાર ઇનિંગ્સના આધારે માત્ર 77 ઓવરમાં 378 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ દરમિયાન ઇંગ્લેન્ડનો રન રેટ લગભગ પાંચ રહ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે ભારતે વિરોધી ટીમને 350થી વધુનો ટાર્ગેટ આપ્યો હોય અને તે પછી પણ તે મેચ હારી ગઈ હોય.
જોની બેરસ્ટોએ ટીમ ઈન્ડિયાની જીતેલી બાજી બગાડી
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 284 રન બનાવ્યા હતા અને તે ભારતથી 132 રનથી પાછળ રહી ગઈ હતી. પરંતુ આ પ્રથમ દાવમાં પણ જોની બેરસ્ટો ઈંગ્લેન્ડ માટે સ્ટાર બની ગયો હતો. વિરાટ કોહલી સાથે જોની બેયરસ્ટોની લડાઈ શું થઈ મેચ જ આખી પલટાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી તો બીજી ઈનિંગમાં બેયરસ્ટોએ પણ સદી ફટકારી હતી.
બીજા દાવમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની રમત બદલી નાખી. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ પ્રથમ સદીની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચે જબરદસ્ત ભાગીદારી થઈ હતી. પૂર્વ કેપ્ટન જો રૂટે પણ અહીં પોતાની કારકિર્દીની 28મી સદી ફટકારી હતી. જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચે 316 બોલમાં 269 રનની અણનમ પાર્ટનરશિપ થઈ હતી અને ટીમ ઈન્ડિયાની બોલિંગ લેજી સાબિત થઈ હતી.
ભારતના દિગ્ગજો નિષ્ફળ ગયા, રિષભ પંતની ઈનિંગ એળે ગઈ
ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી તો તેની શરૂઆત ખરાબ રહી. ટીમ ઈન્ડિયાએ 100 રનની અંદર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 200થી વધુ રનની ભાગીદારી થઈ જેણે ભારતની શરમ બચાવી. પ્રથમ દાવમાં ઋષભ પંતે 146, રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવ્યા હતા. જો બીજી ઈનિંગની વાત કરીએ તો ફરી એકવાર ટોપ ઓર્ડર નિષ્ફળ સાબિત થયો. માત્ર ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે અડધી સદી ફટકારી, જેના આધારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 245 રન સુધી પહોંચ્યો. ત્રીજા દિવસે સારી લીડ લીધા બાદ ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ તેની સાત વિકેટ માત્ર 120ના અંતરે ગુમાવી દીધી હતી જે ભારત માટે ભારે પડી હતી.