ગાંધીનગર: હાલ કોવિડ-19 ( covid 19 ) મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓક્સિજનની ( oxygen) કારમી અછત સર્જાતી જોવા મળી છે ત્યારે કેટલીક સંસ્થાઓ ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે આગળ આવીને પોતાનું અસલી ખમીર દર્શાવી રહી છે.
કોવિડ-19 ક્રિટિકલ સ્થિતિમાં રહેલા દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના એન્જિનિયરોની ટીમે માત્ર 72 કલાકમાં જ તેની જિલ્લા મેડિકલ કોલેજ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. આ જિલ્લા હોસ્પિટલમાં આથી ઓક્સિજનનો પુરવઠો મળતો રહેશે. બનાસ ડેરી દ્વારા પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટને સપોર્ટ કરતી રહી છે. આ હોસ્પિટલમાં ગત સપ્તાહે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. અહીં 125 કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જો કે કેટલાક સિલિન્ડર્સ સાથે આ કપરી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાઈ હતી.
બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન (banas dairy) )ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું, “અમે વિચાર્યુ કે ક્યાં સુધી ઓક્સિજન માટે બાહ્ય સ્ત્રોત પર આધારિત રહેવું? અમે એ માટે અમારી પોતાની કોઈ વ્યવસ્થા ઊભી કરવા માગતા હતા. અમારી ટીમ અને વેન્ડર્સની મદદથી અમે માત્ર 72 કલાકમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી લીધો છે.” આ પ્લાન્ટમાં 70 જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ અથવા તો 680 કિલો ઓક્સિજન બની શકે છે જે એક દિવસમાં 35-40 દર્દીઓ માટે પૂરતો થઈ શકે છે.
પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
ડેરીની અધિકારીઓની અને એન્જિનિયરોની ટીમે મિની ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો માર્ગ શોધી કાઢયો હતો. બનાસ ડેરીએ તૈયાર કરેલા આ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ટેકનોલોજીથી હવામાંથી ઓક્સિજન અલગ પાડવામાં આવે છે. હવામાં 21 ટકા ઓક્સિજન અને 78 ટકા નાઈટ્રોજન અને અન્ય ગેસ હોય છે. જેના પગલે 93-96 ટકા શુદ્ધ એવા મેડિકલ ગ્રેડ ઓક્સિજનની જરૂર હતી અને એ ઉપલબ્ધ કરી શકાયો છે