Comments

અર્થવ્યવસ્થા માટે ઊર્જા સલામતી અને ઊર્જા સમતુલન ખૂબ અગત્યનાં છે

છેલ્લા કેટલાક દાયકાઓમાં ધીરે ધીરે ધ્યાન ઊર્જા સલામતી પર ખસેડાયું છે. હવે જ્યારે ઊર્જા પુરવઠાની વાત કરીએ ત્યારે આપણે ‘સિક્યોર્ડ એનર્જી સપ્લાય’એટલે કે આધારભૂત ઊર્જા પુરવઠા અંગેની વાત કરીએ છીએ. કુલ ઊર્જા પુરવઠો કુલ જરૂરિયાત કરતાં વધારે ભલે ઉપલબ્ધ હોય પણ એમાં વચ્ચે વચ્ચે પુરવઠો ખોરવાતો હોય તો એની ગુણવત્તા એનો પૂરેપૂરો ઉપયોગ કરવા દેતી નથી એમ કહી શકાય અને તેટલે અંશે આ પ્રકારનો ઊર્જા પુરવઠો આધારભૂત અને સલામત ઊર્જા પુરવઠો નથી તેમ કહી શકાય.

યુદ્ધ અને અશાંત પરિસ્થિતિને કારણે ખોરવી નાખી શકાય તેવો ઊર્જા પુરવઠો પણ આધારભૂત નથી જ. આ કારણથી ઊર્જા પુરવઠો માત્ર ઉપલબ્ધ હોય તે પૂરતું નથી પણ એ આધારભૂત અને સલામત રીતે ઉપલબ્ધ હોવો જોઈએ જેથી ઉત્પાદનની પ્રક્રિયા અથવા અન્ય કોઈ ઉપયોગ માટે (એરકન્ડીશનીંગ અથવા હીટીંગ) માટે વપરાતો વીજ પુરવઠો જો વચ્ચે વચ્ચે ખોરવાઈ જાય તો ઉત્પાદનને તો નુકસાન થાય જ છે પણ સંબંધિત મશીનરીને પણ નુકસાન થાય છે. આમ, પ્રોડક્શન લૉસ તેમજ વધારાની મેન્ટેનન્સની જરૂરિયાત એ બંને કારણસર ચિત્રમાં આવે છે એ ખ્યાલ હોવો જોઈએ.

૨૦૨૧ના ઉનાળામાં કોવિડ-૧૯માં આવેલ ઘટાડાને પરિણામે પણ વૈશ્વિક ઊર્જાની માંગ વધી. માંગ અને પુરવઠાનો સિદ્ધાંત અહીં અમલમાં આવ્યો. ૨૦૨૧ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં નેચરલ ગૅસ, કોલસો અને ઑઇલના ભાવ એકદમ ઊંચકાયા. આને પરિણામે ઊર્જાની કુલ કિંમતો વધી અને અમેરિકાએ જે કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક અનામત જથ્થો રાખ્યો હતો તેમાંથી નવેમ્બર, ૨૦૨૧માં માલ છૂટો કરવો પડ્યો. આમ, યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ ઊર્જાના પુરવઠામાં ભંગાણ, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાવી તેમજ કેટલાક કિસ્સાઓમાં આર્થિક પ્રતિબંધો વગેરે કારણોસર વિશ્વમાં ઊર્જાની માંગ અને પુરવઠો બે વચ્ચેનું સંતુલન ખોરવાય છે.

ઊર્જા સમતુલનમાં અને સિક્યોરિટીમાં પહેલો પડકાર એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા પરિવહન)નો છે તેમજ ટાઇમીંગ એટલે કે સમયપત્રક એનો બીજો પડકાર છે. છેલ્લા એક સૈકામાં આ બંને પ્રકારના પડકારો વધુ ને વધુ તીવ્ર બનતા ચાલ્યા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા છેલ્લા ૨૫ વર્ષના ગાળા દરમિયાન સો ટ્રિલિયન ડૉલરને પાર કરી ગઈ. આમ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં યંત્રયુગની શરૂઆત બાદ આવેલ આ વધારો વિશ્વના સમગ્ર ઊર્જા સમતુલન અને સલામતી મૂળભૂત રીતે પરિવર્તન પામ્યાં છે. છેલ્લા એક દાયકામાં વિશ્વની ઊર્જા વ્યવસ્થા વધુ ને વધુ અટપટી થતી ચાલી છે. વધુ ને વધુ વિકાસની સાથે ઊર્જાની વધુ ને વધુ જરૂરિયાત સ્વાભાવિક બની છે. ૨૦૨૨થી મેક્રોઇકોનોમિક અને જીઓપૉલિટિકલ પડકારો બદલાયા છે. આની સાથોસાથ વિશ્વવ્યાપારનું ક્લેવર પણ બદલાતું ચાલ્યું છે. ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન જે પરિવર્તનો આવ્યાં તેમાં વૈશ્વિક સ્તરે ટકી રહેવા માટે ઊર્જાની મહત્તમ ઉપલબ્ધિ અને સમયમર્યાદા મુજબનું એનું ઉત્પાદન બે અગત્યનાં કારણો રહ્યાં છે.

ઊર્જાનો ઉપયોગ માનવ સંસ્કૃતિના વિકાસની સાથે વધતો જાય છે અને એક દિવસ એવો આવશે કે જ્યારે ઊર્જા ખતમ થઈ જશે એવી મનહૂસ આગાહીમાં માનવા માટેનું કોઈ જ કારણ હું જોતો નથી. ‘એનર્જી એફિશિયન્ટ મેઝર’ની વ્યાખ્યા જ આપણને આ આત્મવિશ્વાસ અપાવવા માટે કાફી છે. આ વ્યાખ્યા મુજબ વધુ ને વધુ ઓછી ઊર્જાનો વપરાશ કરીને એટલું જ ઉત્પાદન મેળવવું અથવા એરકન્ડીશનીંગ, કુલીંગ કે હીટીંગ ક્ષેત્રે એટલાં જ પરિણામો મેળવવા તેને ઊર્જાનો અસરકારક ઉપયોગ કરી મહત્તમ પરિણામો મેળવવાની પ્રક્રિયા કહી શકાય. આના કેટલાક દાખલા જોઈએઃ અ. આજે એનર્જી એફિસિયન્ટ લાઇટ બલ્બ (એલઈડી) ઘણી બધી ઊર્જા બચાવી આપે છે. બ. એનર્જી એફિશિયન્ટ મકાન પ્રોપર ઇન્સ્યુલેશન અને હવાના સરક્યુલેશનના નિયમન થકી મકાનને ગરમ અથવા ઠંડું રાખવા માટે ઓછી ઊર્જા વાપરે છે.

ક. એનર્જી એફિશિયન્ટ ફેક્ટરી એટલું જ ઉત્પાદન મેળવવા માટે પ્રમાણમાં ઓછી ઊર્જા વાપરે છે. આને કારણે ઊર્જાનો વપરાશ ઘટે છે. પર્યાવરણ પર પડતો એનો પ્રભાવ ઘટે છે, ઓછું પ્રદૂષણ થાય છે અને સંસાધનોનો બચાવ થાય છે. કોલસો, તેલ કે નેચરલ ગૅસ જેવાં કુદરતી સંસાધનો એનર્જી એફિશિયન્સીના કારણે બચાવી શકાય છે. ટૂંકમાં એક એકમ જીડીપીનું ઉત્પાદન કરવા માટે અથવા તો એક એકમ પુલીંગ કે હીટીંગ કરવા માટે જેટલી ઊર્જા ઓછી વાપરી શકાય તેટલો ઊર્જાનો બચાવ કર્યો કહેવાય અથવા એનર્જી એફિશિયન્સી હાંસલ કર્યું તેમ કહી શકાય. જે દેશ ઓછામાં ઓછી ઊર્જાનો ઉપયોગ કરી એક જીડીપીનું ઉત્પાદન કરે તે સૌથી વધુ એનર્જી એફિશિયન્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી દ્વારા એનર્જી એફિશિયન્ટ પ્રોડક્ટ અને ટેક્નોલૉજીનું લિસ્ટ આપવામાં આવે છે. તેવી જ રીતે બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી (ઇન્ડિયા), એનર્જી કન્ઝર્વેશન ગાઇડ લાઇન અને સ્ટાન્ડર્ડ્સ અંગેની વિગતો આપવામાં આવે છે.

ભારતમાં સૌથી વધારે એટલે કે લગભગ ૬૦ ટકા ઊર્જા કોલસામાંથી મેળવાય છે. ત્યાર પછી બીજા નંબરે ઑઇલ એટલે કે ખનિજ તેલ ૨૮.૧ ટકાના હિસ્સા સાથે આવે છે. ત્યાર પછી ગૅસ (૭.૧૫ ટકા), ત્યાર પછી રીન્યુએબલ એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા (૨.૨૨ ટકા) અણુઊર્જા (૧.૩૭ ટકા) અને છેલ્લે હાઇડ્રો પાવર એટલે કે જળવિદ્યુત (૧.૨૬ ટકા) આવે છે. ભારતે જો ઊર્જાના સક્ષમ વપરાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો હાઇડ્રો, રીન્યુએબલ અને ન્યુક્લિઅર વીજળી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કોલસો અને ક્રુડ ઑઇલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન માટે પણ એટલા જ જવાબદાર છે એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ ક્રુડ ઑઇલના વપરાશથી પેદા થતી ઊર્જા આપણું ધ્યાન આકર્ષવી જોઈએ. જો આમ થાય તો ભારત ઊર્જાની કિંમત તેમજ પર્યાવરણ નિયંત્રણ પાછળનો ખર્ચ બંને બચાવી શકે અને એ રીતે એક મહત્ત્વનો ઉત્પાદક દેશ બની શકે. ઊર્જા અને પર્યાવરણ માત્ર બે પર જ ધ્યાન આપીને જો નવી ટેક્નોલૉજી ડેવલોપ કરવામાં આવે તો ભારતીય માલ-સામાન જગતના બજારમાં પોતાનો દબદબો જમાવી શકે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top