કોઈપણ દેશની અર્થવ્યવસ્થા માટે ઊર્જા એક મહત્વપૂર્ણ પરિબળ છે. નીચેના કોઠામાં વિશ્વની જીડીપીની દૃષ્ટિએ ટોચની અર્થવ્યવસ્થાઓની વિગતો આપી છે જેમાં માથાદીઠ ઊર્જાના વપરાશ અંગેની ૨૦૨૧ આધારિત વિગતો જોઈ શકાય છે.
Source : https://energy.economictimes.indiatimes.com
ઉપરના કોઠા પરથી જોઈ શકાય છે કે અમેરિકા અત્યંત વિકસિત દેશ હોવા છતાં અને જીડીપીની દૃષ્ટિએ પહેલા નંબરે હોવા છતાં માથાદીઠ ઊર્જા વપરાશની દૃષ્ટિએ પહેલા નંબરે ૩૬૨.૭૦ જૂલ્સ પ્રતિ વ્યક્તિ સાથે કેનેડા છે. ત્યાર બાદ ૨૭૭.૨૦ જૂલ્સ પ્રતિ વ્યક્તિ માથાદીઠ ઊર્જા વપરાશ સાથે અમેરિકા બીજા નંબરે અને ૨૪૨.૪૦ જૂલ્સ પ્રતિ વ્યક્તિ સાથે દક્ષિણ કોરિયા ત્રીજા નંબરે આવે છે. ભારત માત્ર ૨૪.૫૦ જૂલ્સ પ્રતિ વ્યક્તિ સાથે જીડીપીની દષ્ટિએ આવતા પહેલા દસ દેશોમાં પાંચમા નંબરે પણ ઊર્જાની દૃષ્ટિએ માથાદીઠ ઊર્જા વપરાશમાં ૨૪.૫૦ જૂલ્સ પ્રતિ વ્યક્તિ સાથે છેલ્લા નંબરે આવે છે. સ્ટેટેસ્ટીક્સ માટે એવું કહેવાય છે કે, ત્રણ પ્રકારના જૂઠ્ઠાણા છે. એકઃ સફેદ જૂઠ (વ્હાઇટ લાઈ). બીજું: સ્પષ્ટ જૂઠ. (પ્લેન લાઈ) અને ત્રીજું સ્ટેટીસ્ટીક્સ (આંકડાઓ)
હવે ભારતમાં જ્યારે જ્યારે ઊર્જા ઓડિટની વાત આવે ત્યારે શરૂઆતમાં તો માત્ર વીજળી ઉપર જ ધ્યાન પડશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ૨૦૨૪-૨૫ના વપરાશ મુજબ ભારતમાં સૌથી વધારે એટલે કે લગભગ ૬૦ ટકા ઊર્જા કોલસામાંથી મેળવાય છે. ત્યાર પછી બીજા નંબરે ઑઇલ એટલે કે ખનિજ તેલ, ૨૮.૧ ટકાના હિસ્સા સાથે આવે છે અને પછી ૭.૧૫ ટકા સાથે ગૅસ આવે. સમગ્ર વિશ્વ પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના સ્થાને રીન્યુએબલ એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ વળી રહ્યું છે, પરંતુ ભારત હજુ પણ માત્ર ૨.૨૨ ટકા ઊર્જા આ ક્ષેત્રથી આવે છે જ્યારે અણુઊર્જાની ટકાવારી ૧.૩૭ ટકા અને છેલ્લે હાઇડ્રો પાવર એટલે કે જળવિદ્યુત ૧.૨૬ ટકા સાથે આવે છે.

પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રદૂષણ ઘટાડવા માટે પણ ખૂબ જરૂરી છે. ઉપરના કોઠામાં કાર્બન ઉત્સર્જનની વિગતો પણ આપી છે જેમાં પણ કેનેડા, અમેરિકા અને દક્ષિણ કોરિયા જેવા દેશો ટોચ પર છે જ્યારે ભારત આ યાદીમાં છેલ્લા ક્રમે છે જે સારી વાત છે. કોલસો અને ક્રૂડ ઑઇલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન માટે જવાબદાર છે એટલે પર્યાવરણની દૃષ્ટિએ રિન્યુએબલ એનર્જી તરફ વળવું જરૂરી છે, જેથી ઊર્જાની કિંમત તેમજ પર્યાવરણ નિયંત્રણ પાછળનો ખર્ચ બંને બચાવી શકાય.
ભારતમાં ૯૫ ટકા ઊર્જા કોલસો, ઓઇલ અને ગૅસમાંથી મેળવાય છે ત્યારે ભારતમાં ઊર્જા વપરાશ હજુ લાંબા સમય સુધી આયાત ઉપર આધારિત રહેશે. આના બે અર્થ થાયઃ ઊર્જાના ભાવ આંતરરાષ્ટ્રીય ચલણ ખાસ કરીને ડૉલર સાથે જોડાયેલા રહેશે અને ડૉલરના ભાવની વધઘટ સાથે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવો જોડાયેલા હોવાથી ભાવની સ્થિરતા રહે નહીં. જોકે ભારતમાં આંત૨રાષ્ટ્રીય સ્તરે ક્રૂડઑઇલના ભાવ નીચા હોય ત્યારે પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તો વધતા જ જાય છે અને એ રીતે ઊર્જાની કિંમતો ભારતીય વપરાશકાર માટે એક મોટો પ્રશ્ન રહ્યો છે. નીચેના કોઠામાં ભારત કોલસો, ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટસ તેમજ નેચરલ ગૅસ અને ઇલેક્ટ્રિસિટી કેટલા આયાત કરે છે એની વિગતો જોઈ શકાય છે.
૨૦૧૩-૧૪થી ૨૦૨૨-૨૩ દરમિયાન કોલસો ક્રૂડ ઑઈલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ વગેરેની ભારતમાં આયાત એનર્જી સ્ટેટેસ્ટીક્સ ઇન્ડિયા-૨૦૨૪, મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેન્શનના ડેટા પ્રમાણે ૨૦૧૩-૧૪થી ૨૦૨૨-૨૩ દરમિયાન નેચરલ ગૅસ અને ઇલેક્ટ્રિસિટીની ભારતમાં આયાતની વિગતો જોઈએ તો ૨૦૧૩-૧૪માં નેચરલ ગૅસની આયાત ૧૭.૮૦ બિલિયન ક્યુબિક મીટર (BCM) હતી જે ૨૦૧૯-૨૦માં વધીને ૩૩.૮૯ BCM થઈ. ૨૦૨૨-૨૩માં તેમાં થોડો ઘટાડો થઈ આ આંકડો ૨૬.૩૦ BCM થયો. વીજળીની આયાત પણ ૨૦૧૩થી સતત વધી છે. ૨૦૧૩-૧૪માં આપણે ૫૫૯૮ ગિગા વોટ/કલાક વીજળીની આયાત કરતાં હતા. ૨૦૨૦-૨૧માં આપણે ૯૫૪૮ ગિગા વોટ/કલાક વીજળી આયાત કરી. ૨૦૨૨-૨૩ના આંકડા પ્રમાણે આપણે ૭૮૪૩ ગિગા વોટ પ્રતિ કલાક વીજળી આયાત કરીએ છીએ.
ક્રૂડ ઑઇલની આંતરરાષ્ટ્રીય કિંમતની વાત કરીએ તો જ્યારે મનમોહનસિંહનો કાર્યકાળ પૂરો થયો ત્યારે આ કિંમતો લગભગ ૧૧૦ ડૉલર પ્રતિ ડૉલર હતી. જો ભારત સરકાર પેટ્રોલ-ડૉલરનું મોનેટરિંગ ન કરતી હોત તો આંતરરાષ્ટ્રીય બજારમાં લાંબા ગાળાની વ્યવસ્થામાં ભાવ ઘટ્યા હોત પણ એવું થયું નથી, જેનો અર્થ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ ઘટવાથી ભારતના ગ્રાહકને કોઈ જ ફાયદો થયો નથી, જે કાંઈ ફાયદો થયો તે ભારત સરકાર જમી રહી છે. આથી ઊલટું જો ભાવ વધ્યા હોત તો તરત પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા હોત એમ કહી શકાય.
આમ, એક તબક્કે ક્રૂડના ભાવ ૧૨૩.૬ ડોલર પ્રતિ બેરલ હતા ત્યારે પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર ભાવ અનુક્રમે રૂ. ૬૫.૬ અને રૂ. ૪૦.૯ હતા અને ક્રૂડ ઑઇલના ભાવ ઘટીને પ્રતિ બેરલના ૮૦ ડૉલર થયા કે પછી ૫૪.૮ ડોલર પ્રતિ બેરલ થયા ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાને બદલે સ૨કારે નિયમન કર્યા તે જ રહ્યા અથવા વધ્યા છે. ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની આ કરમ કહાણી રહી છે અને સામાન્ય માણસના ભાગ્યમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે તો ભાવવધારો આવે પણ ઘટે તો ઠાગાઠૈયા – એવી સ્થિતિ છેલ્લા એક દાયકાથી ચાલી આવે છે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.