Columns

ઉધારીનું અનંત આકાશ!

ઉધારી એક કળા છે ને એને પાછી ન આપવી એ એનાથી પણ મોટી કળા છે. આ તો BA અને MA કરવા જેવી વાત છે, એટલે કે જે BA કરે એ સાથે સાથે MA પણ કરી જ નાંખે છે. ઉધારીમાં પણ એવું જ છે, જે ઉધાર લે છે એ ધીમે ધીમે પાછા નહીં ચૂકવવાનું પણ શીખી જ જાય છે! ઉધાર નહીં ચૂકવવું એ પણ એક જાતની સાધના છે. એમાં જે સિદ્ધિ હાંસિલ કરે છે, એનું જીવન સફળ થઈ જાય છે. માણસ સતત પ્રયાસ, ધીરજ, સમજદારી, મીઠી વાણી અને અભ્યાસથી ઉધાર ક્યારે લેવો અને ક્યારેય પાછો ન આપવો એમાં કુશળ બની જાય છે. સંસ્કૃતિનો વિકાસ પરસ્પર ઉધારીની વાર્તા છે. જો કે જાનવર ક્યારેય એકબીજાને ઉધાર નથી આપતા!
ઉધારીના મૂળમાં એક ઊંડી ફિલસૂફી છુપાયેલી છે. એ શું છે? એ હું નહીં કહી શકું! પણ ફિલસૂફી તો છે. ઉધાર લેવાનો ગુણ આપણા અંગત અને જાહેર જીવનમાં ખાસ બની ગયો છે, તો પછી એના મૂળમાં ચોક્કસ કોઈ તો ફિલસૂફી હશે જ! ઉધારી કરવી એ જ માણસના આશાવાદનો પુરાવો છે. જે જીવનથી નિરાશ છે તે આત્મહત્યા કરશે પણ જે જીવનમાં આશા રાખે છે એ ઉધાર લેશે! આપણું આખું જીવન ઉધારી પર જ ટકેલું છે. બે માણસોની વચ્ચે જે નાની-મોટી ખાઈ છે તે ઉધારીના નાના-મોટા પુલથી જોડાયેલી છે. જ્યારે આ પુલ તૂટી જશે, ત્યારે માણસ એકલો થઈ જશે. ઉધાર લેવાની તાકાત એ જ આપણા જીવનની ખરી તાકાત છે. જે લોકો ઉધાર લેવાથી થાકી ગયા છે, તેઓ મેદાન છોડી જતા રહ્યા છે. એ લોકો સમજી ગયા કે એમનું જીવન નિરર્થક છે પણ કેટલાક લોકો એવા ભ્રમમાં જીવી રહ્યા છે કે તેઓ ઉધાર વસૂલ કરી લેશે. જ્યારે કેટલાક લોકોએ નક્કી કરી લીધું છે કે મરે ત્યાં સુધી ઉધાર ચૂકવશે નહીં. એવા લોકોનું જ જીવન સફળ છે.
દરેક જૂની પેઢી નવી પેઢીના નામે કંઈક ને કંઈક ઉધાર મૂકી જ ગયા છે અને દરેક નવી પેઢી જૂની પેઢીની ઉધારી ચૂકવવાની ચોખ્ખી ના પાડી દે છે પણ હવે લાઇફનાં મૂલ્યો જ બદલાઈ ગયાં છે તેથી ઉધારી દેનારાઓ તમે ભાડમાં જાવ! ઉધાર પાછું કોણ આપે? શાયર મિર્ઝા ગાલિબ જે ઉધારનો દારૂ પી ગયા હતા, શું એમની ઉધારી એમના પછીના શાયરોએ ચૂકવી હશે? બિલકુલ નહીં! એક વાર ઉધારી લઈએ એને પાછી આપવી નહીં, એ આપણી પરંપરા કે સંસ્કૃતિ સામે એક જાતનો વિદ્રોહ છે. ઉધાર આપવું એ આપણી પરંપરા છે. જો કે આ વિદ્રોહની એક પરંપરા આપણે ત્યાં ચાલતી આવી છે. જેમાં હાથ ફેલાવવો, મુઠ્ઠી બાંધવી અને અંગૂઠો દેખાડવો.
આ ક્રમ કાયમ ચાલતો રહે છે. આપણે માથાથી પગ સુધી દેવામાં ડૂબેલા રહીએ છીએ. જો દેવાના પાણીમાંથી બહાર કાઢશો તો આપણે તરફડવા લાગશું! એટલે જ આપણે પાછા પાણીમાં કૂદશું. મતલબ કે પાછા ઉધાર લઈશું.
ઉધાર લેવાવાળા જ દુનિયામાં કંઈક પામી શક્યા છે, ઈતિહાસમાં એમનું જ નામ પ્રખ્યાત છે. ઉધાર ચૂકવવાવાળા તો બિચારા મજાકને પાત્ર હોય છે, તેઓ જીવનમાં કશું નથી કરી શકતા કારણ કે એવા લોકો પાણીના પ્રવાહની વિરુદ્ધ તરવાની કોશિશ કરે છે. ઉધારી એક એવો પ્રવાહ છે જે કાયમ વહેતો રહે છે. જેમાં આપણા સામાજિક, આર્થિક અને રાજકીય જીવનનાં ખેતરો લહેરાતાં રહે છે. આ જ આપણી જીવનધારા છે. આપણા દેશમાં ઉધાર માટે સૌથી સારા સંજોગો છે કારણ કે આપણે ત્યાં લોકો પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે! માણસને ખબર છે કે જો આ જન્મમાં ઉધાર નહીં ચૂકવીશું તો એને આવતા જન્મમાં ચૂકવી દઈશું! બીજે ક્યાંય આવી ક્રેડિટ ફેસિલિટી મળે? આત્મા સ્થાયી પૂંજી છે, જે અમર છે. એના આધારે આપણામાંથી કોઈ પણ સોદો કરી શકે છે. શરીર એક પાકીટ છે જે સિક્કાઓનું લેવડ-દેવડ કરતું રહે છે. મહત્ત્વ પાકીટનું નથી પણ લેવડ-દેવડની પ્રથાનું છે. જો આ પ્રથા ચાલુ રહેશે તો નવા પાકીટ આવતા રહેશે.
કેટલાંક લોકો કરજને બોજ માને છે તેઓ પોતાને જ છેતરે છે. કેટલાંક લોકો બતાવવા માંગે છે કે તેઓ શરીફ છે કારણ કે એ લોકો કરજને ભાર માને છે. પોતાની શાલીનતાનું પ્રદર્શન કરી એ લોકો વધારે ઉધાર લેવા માંગે છે. એક માણસલાઈટવેટ ચૅમ્પિયનમાંથી હેવીવેટ ચૅમ્પિયન બને છે. જેણે આજે 100 રૂપિયાની લોન લીધી છે એ કાલે 1000 રૂપિયાની લેશે. લોન માણસને ઉત્તેજીત કરે છે. લોન જરાય વજનદાર નથી હોતી.

એ તો ગેસનો મોટો ફુગ્ગો છે, જે આપણને જમીનથી આકાશની મુસાફરી કરાવે છે. ગેસનો ફુગ્ગો ગમે એટલો મોટો હોય પણ એમાં ભાર નથી હોતો.
ઉધાર લેનાર સાધક હોય છે અને એક સાધક જ ઉધાર લઈ શકે છે! આપણા દેશના નાણાં મંત્રાલયે કોલંબસની મૂર્તિ લગાડવી જોઈએ. એણે અમેરિકાની શોધ કરી ન હોત તો આપણને લોન ક્યાંથી મળતે? આમ પણ દેવામાં ડૂબેલો માણસ નવી ગલીઓ ને નવા નવા રસ્તાઓ શોધે છે. એ નવા રસ્તા પરથી એ નવી લોન મેળવે છે. આ જ તો આપણો વિકાસ છે!
આપણે પણ નવા રસ્તા શોધીશું કારણ કે જૂના રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ છે. એને નીતિ પરિવર્તન કહો કે સમયની જરૂરિયાત. આપણે વિશ્વને વિસ્તૃત દ્રષ્ટિએ જોઈએ છીએ અને આપણે સંભાવનાઓથી ભરેલા દેશો અને ટાપુઓ જોઈએ છીએ. ઉધારની સીમા આકાશ છે, ચંદ્ર છે, તારા છે જે આપણને મળશે ને મળતા જ રહેશે. જુઓ પેલા ચંદ્રની તરફ એક રોકેટ ચાલ્યું. કોઈ એમાં આપણા ફાઈનાન્સ મિનિસ્ટરને બેસાડી દો, જે થોડી ઘણી લોન લઈને આવે. ‘ઓહ, આ સૃષ્ટિ કેટલી સુખમય છે, આ આકાશ કેટલું અનંત ફેલાયેલું છે, પણ અત્યારે અમને એકદમ થોડી લોનની જરૂર છે ઓકે!’

  • સંજય છેલ

Most Popular

To Top