ઝારખંડના ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લૌડાગ જંગલમાં આજ રોજ તા.26 જુલાઇ શનિવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી અનુસાર, ઝારખંડ જગુઆર દળ અને ગુમલા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ JJMP(ઝારખંડ જન મુક્તિ પરિષદ)ના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

ગુમલા એસપી હરીશ બિન જામાનાએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓ કોઈ મોટી દહેશતવાદી ઘટના બનશે તેવી યોજના બનાવી રહ્યા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ આધારે સુરક્ષા દળોએ લૌડાગ જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન જંગલમાં છુપાયેલા નક્સલવાદીઓએ પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદી ઘટનાસ્થળે ઠાર મરાયા હતા, જ્યારે તેમના અન્ય સાથીઓ અંધારાનો લાભ લઈને જંગલમાં ફરાર થઈ ગયા હતા.
એન્કાઉન્ટર બાદ પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી હતી જેમાંથી એક AK-47 અને બે INSAS રાઈફલો મળી આવી છે. આ ઉપરાંત અન્ય હથિયાર તથા સામગ્રી મળ્યા હોવાની પણ શક્યતા છે. હાલ પોલીસ દ્વારા જંગલમાં ભાગી ગયેલા નક્સલવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
હાલમાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો એલર્ટ પર છે અને પૂરજોશમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લોકોમાં પણ હાલ ચિંતાનું વાતાવરણ છે, જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.