નડિયાદ: ગુજરાત ઊર્જા વિકાસ નિગમના તાબા હેઠળની વીજ કંપનીના વર્ગ-3 અને 4ના કર્મચારીઓના પડતર માંગણીઓ સંદર્ભે વિરોધના મૂડમાં દેખાઈ રહ્યા છે. કલેક્ટરને આ સંદર્ભે આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો નવરાત્રી દરમિયાન અંધારાપટ સર્જવાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ના વર્ગ-3 અને 4ના ટેકનીકલ કર્મચારીઓના સમર્થનમાં ગુજરાત વીજ ટેકનિકલ કર્મચારી સંઘે નડિયાદ કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે, વીજ કંપનીના કર્મચારીઓની પડતર માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગમાં છે.
6 જેટલી માંગણીઓ પૈકી,ધોરણ 12 પાસ,ITI પાસ બાદ બે વર્ષ એપ્રેન્ટીસ ત્યારબાદ એનસીવીટીની પરીક્ષા મેરીટમાં આવેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા પાસ અને છેલ્લે 10 મીટર ઊંચો લોખંડનો થાંભલો ચોક્કસ સમય મર્યાદામાં ચઢવો આવી લાયકાત ધરાવતા કર્મચારીને બિનકુશળ કર્મચારી તરીકે પટાવાળા, બગીચાના માલી, સફાઈ કામદાર વગેરે સમક્ષ ગણવામાં આવે છે. શૈક્ષણિક ધારા ધોરણ મુજબ કામની કુશળતા અને કામની કુશળતા ધરાવતા કર્મચારીને કુશળ કર્મચારી ગણી વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવેશ કરવો અને વર્ગ-ત્રણમાં મળવાપાત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા દૂર કરવા જેવી પડતર માંગણીયો રજૂ કરવામાં આવી છે. જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ના છૂટકે નવરાત્રીના તહેવારો ટાણે અંધારપટ સર્જવાની ચીમકી આપી છે. વીજ કંપનીના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.